બર્લિનર એન્સેમ્બલ (સ્થાપના, 1949) : જર્મનીની સુવિખ્યાત નાટક-મંડળી. જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્તોલ્ત બ્રેખ્તને તત્કાલીન સરકારે પૂર્વ જર્મનીમાં તે વસવા આકર્ષાય તે માટે તેમને મંડળી રચીને નાટકો કરવા બર્લિનમાં ‘દુઈયે થિયેટર’નો એક ભાગ આપ્યો. 1954 પછી બ્રેખ્તની મંડળી ‘બર્લિનર એન્સેમ્બલ’ને થિયેટર એમ શીફબોરડામમાં સુવાંગ રંગમંચ આપ્યો અને સંપૂર્ણ સરકારી મદદ આપવા માંડી. એન્સેમ્બલના પ્રેક્ષાગારમાં 730 પ્રેક્ષકોને બેસવાની જગ્યા છે અને રંગભૂમિ પર મંચનની સઘળી અદ્યતન સવલતો ઉપલબ્ધ છે. આ મંડળીમાં બ્રેખ્તનાં અભિનેત્રી પત્ની હેલન વાયગલ અભિનય ઉપરાંત થિયેટરની વ્યવસ્થા સંભાળતાં હતાં. બર્લિનર એન્સેમ્બલનાં પ્રારંભનાં નાટ્યનિર્માણોમાં ‘મધર કરેજ’, ‘મધર’, ‘પુંટીલા’ વગેરેનો સમાવેશ થતો હતો. આ નાટક-મંડળી દ્વારા બ્રેખ્તના નવા નાટ્યવિચારો મુજબ નિર્માણ થાય છે અને એમના દેશવિદેશના પ્રવાસો દરમિયાન એન્સેમ્બલનાં નાટકોથી અલગાવ(alienation)ના સિદ્ધાંતોનો પ્રસાર થતો રહ્યો છે. હાલ એન્સેમ્બલમાં વિવિધ ફરજ બજાવતા 300 જેટલા કર્મચારીઓ છે, જેમાં 60 ઉપરાંત નટો છે. આ મંડળીનાં રિહર્સલ દરમ્યાન નાટ્ય-નિષ્ણાતોની ચર્ચા-પરિષદ જેવું વાતાવરણ રહેતું. બ્રેખ્ત અને વાયગલ એ રીતે પોતાના નાટ્યસિદ્ધાંતનો વ્યવહારુ અમલ થતો જાતે નિહાળતાં. આ રિહર્સલોની તસવીરો બ્રેખ્ત લેવડાવતા, અને એની નીચે સંવાદો લખાવતા, અને એ રીતે અનેક તસવીરો સાથે નાટ્યનિર્માણની પ્રક્રિયા સાથેની ‘મૉડલ બુક’ પ્રસિદ્ધ કરાવતા. બર્લિનર એન્સેમ્બલનું આવું વિશ્વનું એકમાત્ર મંચન-દસ્તાવેજીકરણ છે. કોઈ પણ નાટકનાં સામાન્ય રીતે 100થી વધુ રિહર્સલો આ મંડળી કરતી. બ્રેખ્તના નાટક ‘કૉમ્યુન’નાં તો 212 રિહર્સલો ચોપડે નોંધાયાં છે. કહે છે કે બ્રેખ્તે ટેબલે બેસીને વિકસાવેલા ‘એપિક થિયેટર’ના સિદ્ધાંતો આ રિહર્સલો દરમિયાન જ પોતે ફેરવી તોળ્યાં અને જીવનનાં અંતિમ વર્ષોમાં ‘ડાયલેક્ટિકલ થિયેટર’ના સિદ્ધાંતો આગળ ધર્યા હતા. 1956માં બ્રેખ્તના મૃત્યુ પછી શ્રીમતી હેલન વાયગલે મંડળીનો મુખ્ય કારભાર સંભાળ્યો અને એમના અવસાન બાદ એમના વિદ્યાર્થીઓ અને અનુયાયીઓ આજે એન્સેમ્બલ ચલાવે છે. અત્યારે એના મુખ્ય દિગ્દર્શક તરીકે મૅનફ્રેડ વેકવર્ક છે. થિયેટરની બાજુમાં જ બર્તોલ્ત બ્રેખ્તની સ્મૃતિમાં એમના અગાઉના નિવાસસ્થાને રચાયેલા બ્રેખ્ત સંગ્રહસ્થાનમાં એમણે ઉપયોગમાં લીધેલું રાચરચીલું, પુસ્તકો, હસ્તપ્રતો, તસવીરો વગેરે સામગ્રી સંઘરાયેલી છે.
હસમુખ બારાડી