બર્ટન, રિચાર્ડ (જ. 1925, પોન્ટ્રહિડફેન, સાઉથ વેલ્સ; અ. 1984) : અંગ્રેજી રંગમંચ અને ચલચિત્રોના અભિનેતા. કોલસાની ખાણમાં કામ કરતા પિતાનાં 13 સંતાનો પૈકી 12મા નંબરના રિચાર્ડનું મૂળ નામ રિચાર્ડ વૉલ્ટર જેન્કિન્સ જુનિયર હતું. શાળાના શિક્ષક ફિલિપ બર્ટનને પ્રતાપે રિચાર્ડને ઑક્સફર્ડમાં નાટ્યવિદ્યા ભણવાની શિષ્યવૃત્તિ મળી હતી. શિક્ષકનું ઋણ ચૂકવવા પોતાના નામ સાથે શિક્ષકની અટક તેમણે જોડી દીધી હતી.
રિચાર્ડ બર્ટને 1943માં ‘ડ્યૂઇડ્ઝ રેસ્ટ’ નાટક સાથે રંગમંચ પર પ્રવેશ કર્યો. 1944થી ’47 સુધી રૉયલ એરફૉર્સમાં ફરજ બજાવી. 1948માં રંગમંચ પર પરત આવ્યા. એ જ વર્ષે બ્રિટિશ ચિત્ર ‘ધ લાસ્ટ ડેઝ ઑવ્ ડૉલ્વિન’માં કામ કરીને ચલચિત્રોમાં પ્રવેશ કર્યો. આ ચિત્રના ચિત્રાંકન દરમિયાન સાયબિલ વિલિયમ્સ સાથે પ્રથમ લગ્ન કર્યાં. 1949માં ‘ધ લેડી ઇઝ નૉટ ફૉર બર્નિંગ’ પછી એક પ્રતિભાશાળી અભિનેતા તરીકે તેમને ખ્યાતિ મળવા માંડી. પડદા પર અને રંગમંચ પરના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેને અનુરૂપ અવાજને કારણે ઐતિહાસિક ભૂમિકાઓમાં તેઓ સ્વાભાવિક-સમુચિત લાગતા.
1952માં તેમને પ્રથમ અમેરિકન ચિત્ર ‘માય કઝિન રેશલ’માં કામ મળ્યું. એ વર્ષોમાં ઓલ્ડ વિક કંપની સાથે રહીને શેક્સપિયરનાં નાટકોમાં કામ કર્યું, સાથોસાથ ‘ધ રોબ’, ‘પ્રિન્સ ઑવ્ પ્લેયર્સ’ અને ‘ઍલેક્ઝાન્ડર, ધ ગ્રેટ’ વગેરે ચિત્રોમાં કામ કર્યું. 1960ના દાયકાના પ્રારંભ સુધી બ્રૉડવે અને ટેલિવિઝનમાં પણ તેમણે કામ કર્યું.
1960ના દાયકા પછી અભિનેતા બર્ટનની એક નવી છબિ ઊપસી. ખાસ કરીને 1963માં ‘ક્લિયોપૅટ્રા’ના નિર્માણ દરમિયાન અભિનેત્રી એલિઝાબેથ ટેલર સાથેના તેમના પ્રણયસંબંધો, 1964માં બંનેનાં લગ્ન, 1970માં છૂટાછેડા, 1975માં ટેલર સાથે પુનર્લગ્ન – આ તમામ પ્રસંગોને ભરપૂર પ્રસિદ્ધિ મળતી રહી. 1964માં બર્ટને ‘એ ક્રિસમસ સ્ટોરી’ નામની નવલકથા પ્રગટ કરી. એલિઝાબેથ ટેલર સાથેના લગ્નજીવન દરમિયાન બંનેએ ઘણાં ચિત્રોમાં સાથે કામ કર્યું, જે પૈકી ‘હૂ ઇઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વુલ્ફ ?’ નોંધપાત્ર હતું. આ ચિત્ર માટે એલિઝાબેથ ટેલરને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો અને રિચાર્ડ બર્ટનને શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન મળ્યું હતું. બર્ટનને તેમની કારકિર્દી દરમિયાન ઑસ્કર ઍવૉર્ડ માટેનાં નામાંકન સાત વાર મળ્યાં હતાં. જોકે તેઓ આ ઍવૉર્ડ મેળવવાથી વંચિત રહ્યા હતા. 1967માં બર્ટને ‘ડૉ. ફૉસ્ટસ’ ચિત્રનું સહ-નિર્માણ અને સહદિગ્દર્શન પણ કર્યું હતું. 1984માં મગજમાંના રક્તસ્રાવને કારણે તેમનું અવસાન થયું. તેમની પુત્રી કેટ બર્ટન (જ. 16 ફેબ્રુઆરી 1975) પણ અભિનેત્રી છે.
નોંધપાત્ર ચિત્રો : ‘ધ રોબ’ (1953), ‘ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટ’ (1956), ‘લુક બૅક ઇન ઍન્ગર’ (1959), ‘ધ લૉન્ગેસ્ટ ડે’ (1962), ક્લિયોપૅટ્રા’ (1963), ‘ધ વી. આઇ. પીઝ’ (1963), ‘બેકેટ’ (1964), ‘હૅમ્લેટ’ (1964), ‘ધ સૅન્ડ પાઇપર’, ‘ધ સ્પાય હૂ કેમ ઇન ફ્રૉમ ધ કોલ્ડ’ (1965), ‘હૂ ઇઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વુલ્ફ ?’ (1966), ‘ધ ટેમિંગ ઑવ્ ધ શ્રૂ’, ‘ડૉ. ફૉસ્ટસ’, ‘ધ કૉમેડિયન્સ’ (1967), ‘વ્હેર ઈગલ્સ ડેર’ (1969), ‘રેઇડ ઑન રોમેલ’, ‘વિલન’ (1971), ‘ધી ઍસેસિનેશન ઑવ્ ટ્રૉટ્સ્કી’ (1972), ‘ધ મેડુસા ટચ’ (1978).
હરસુખ થાનકી