બર્ગમૅન, ઇંગમાર (જ. 14 જુલાઈ 1918, ઉપસાલા, સ્વીડન) : સ્વિડિશ ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર દિગ્દર્શક. પિતાના અત્યંત કઠોર અનુશાસન હેઠળ તેમનું બાળપણ વીત્યું હતું. બાળપણના આ અનુભવોનું તેમનાં ચિત્રોમાં પ્રતિબિંબ પડતું રહ્યું છે. કારકિર્દીનો પ્રારંભ નાની ઉંમરે રંગમંચથી કર્યો. સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં નાટકોમાં અભિનય ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું. સાહિત્ય અને કળા સાથે સ્નાતક થયા બાદ સ્ટૉકહોમની રંગભૂમિ સાથે શિક્ષક-દિગ્દર્શક તરીકે જોડાયા. ચલચિત્રોમાં 1941માં પ્રવેશ કર્યો. તેમનું કામ પટકથાઓ લખવાનું અને મઠારવાનું હતું. 1944માં તેમણે લખેલી પટકથા પરથી દિગ્દર્શક આલ્ફ સ્યોબર્ગે બનાવેલી એક સ્વિડિશ ફિલ્મ અમેરિકામાં ‘ટૉરમન્ટ’ અને બ્રિટનમાં ‘ફ્રેન્ઝી’ નામે રજૂ થઈ. આ ચિત્ર દેશવિદેશમાં સફળ થતાં 1945માં બર્ગમૅનને દિગ્દર્શક તરીકે પ્રથમ ચિત્ર મળ્યું.
પ્રથમ ચિત્ર ‘ક્રાઇસિસ’ સહિતનાં બર્ગમૅનનાં પ્રારંભનાં ચિત્રોએ જ એ દર્શાવી આપ્યું કે ચિત્રજગતને એક મહાન દિગ્દર્શક મળવાનો છે. સ્વિડિશ સમાજની બે પેઢીઓ વચ્ચેના અંતર તથા યુવાપેઢીની સમસ્યાઓ અને હતાશાઓનું તેમનાં પ્રારંભિક ચિત્રોમાં અસરકારક નિરૂપણ કરાયું. એક કુશળ કસબીની છાપ ધરાવતું ‘ધ ડેવિલ્સ વૉન્ટન’ (1949) ચિત્ર બર્ગમૅનની આગવી શૈલીનું પ્રથમ નોંધપાત્ર ચિત્ર હતું. બર્ગમૅનનાં ભાવિ સર્જનો કેવાં હશે તેનો અણસાર આપતા આ ચિત્રમાં તેમણે એક તિરસ્કૃત વેશ્યાના જીવનની માર્મિક કહાણી રજૂ કરી હતી, જે અંતે આત્મહત્યા કરે છે.
નારીના મનોજગતમાં ડોકિયું કરાવતાં ઘણાં સુંદર ચિત્રો બર્ગમૅને બનાવ્યાં છે. તેનો પ્રારંભ તેમણે 1949માં ‘ધ સ્ટ્રેન્જ લવ’, ‘સમર ઇન્ટર્લ્યૂડ’ (1950), ‘વેઇટિંગ વુમન’ (1952), ‘મૉનિકા’ (1953) તથા ‘જર્ની ઇન ટુ ઑટમ’(1954)માં કર્યો. આ ચિત્રોમાં વિશિષ્ટ નારીપાત્રો મુખર થઈ ઊઠ્યાં. ખ્યાતનામ અભિનેત્રીઓ હૅરિયેટ ઍન્ડરસન, ઇન્ગ્રિડ ટ્યૂલીન અને લિવ ઉલમાનને ખ્યાતિ બર્ગમૅનનાં ચિત્રોમાં કામ કરીને મળી.
એક ફિલસૂફની અદાથી ચિત્રો બનાવતા બર્ગમૅનની કારકિર્દીમાં ‘ધ નેકેડ નાઇટ’ (1953) ચિત્ર મહત્વનું છે. જોકે ઘરઆંગણે બર્ગમૅન ઉપેક્ષાનો ભોગ બન્યા હતા અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હજી તેમની જોઈએ એવી ઓળખ થઈ નહોતી, પણ ‘સ્માઇલ્સ ઑવ્ એ સમર નાઇટ’ (’55) અને ‘ધ સેવન્થ સીલ’(’57)ને કાન ફિલ્મોત્સવમાં પારિતોષિકો મળતાં તેમની ખ્યાતિ વધી ગઈ. ‘ધ સેવન્થ સીલ’ તેમની સૌથી વધુ પ્રશંસનીય કૃતિ ગણાય છે. તેમાં તેમણે માનવની સંવેદનાઓનું દાર્શનિક વિવેચન કર્યું છે. ‘વાઇલ્ડ સ્ટ્રૉબેરી’ (’57) અને ‘ધ વર્જિન સ્પ્રિંગ’ (’60) જેવાં ચિત્રો દ્વારા બર્ગમૅને ઈશ્વરની સત્તાને એક વિરાટ મૌન તરીકે પારિભાષિત કરી છે. પોતાનાં ચિત્રોમાં માનવસંબંધોની વિશિષ્ટ વ્યાખ્યા માટે તેમણે ખૂબ સુંદર પ્રતીકોનો ઉપયોગ કર્યો છે. કૅમેરાનો સાંકેતિક ઉપયોગ કરવામાં પણ તેઓ અજોડ ગણાય છે.
ચિત્રનિર્માણની સાથે રંગમંચ પર પણ તેઓ સક્રિય રહ્યા. ’60ના દાયકના પ્રારંભે બનાવેલી તેમની ચિત્રત્રયી પણ નોંધપાત્ર છે. ‘થ્રૂ એ ગ્લાસ ડાર્કલી’ (’61), ‘વિન્ટર લાઇટ’ (’63) અને ‘ધ સાયલન્સ’(’63)માં તેમણે આધુનિક યુગનાં ત્રાસ અને વિડંબનાઓ રજૂ કર્યાં છે. નારીના આંતરજગતના ઊંડાણમાં ઊતરવાનો પ્રયાસ તેમણે ‘પર્સોના’ (1966) દ્વારા કર્યો. ‘ઑટમ સૉનાટા’ (1978), ‘ફ્રૉમ ધ લાઇફ ઑવ્ મેરિયાનેટ્સ’ (1980), ‘ફૅની ઍન્ડ ઍલેક્ઝાન્ડર’ (1983) ચિત્રો બનાવ્યા બાદ ‘આફ્ટર ધ રિહર્સલ’ (1984) તેમનું આખરી ચિત્ર બની રહ્યું. ‘ફૅની ઍન્ડ ઍલેક્ઝાન્ડર’ને શ્રેષ્ઠ વિદેશી ચિત્ર, શ્રેષ્ઠ છબિકલા, શ્રેષ્ઠ કલાનિર્દેશન અને શ્રેષ્ઠ વેશભૂષા માટે ઑસ્કર ઍવૉર્ડ મળ્યા હતા. બર્ગમૅનની આત્મકથા ‘મૅજિક લૅન્ટર્ન’ 1987માં પ્રગટ થઈ. 1995માં તેમનાં ચોથાં પત્ની ઇન્ગ્રિડ વૉન રોઝેનના નિધન બાદ તેમનું જીવન એકાકી બની ગયું.
હરસુખ થાનકી