બરેલી : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 28° 01´થી 28° 54´ ઉ. અ. અને 78° 58´થી 79° 47´ પૂ.રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો કુલ વિસ્તાર 4,120 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે નૈનીતાલ, પૂર્વમાં પીલીભીત, અગ્નિમાં શાહજહાનપુર, દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં બદાયૂં તથા પશ્ચિમ અને વાયવ્યમાં રામપુર જિલ્લાઓ આવેલા છે. બરેલી એ જિલ્લાનું વડું વહીવટી મથક છે.

પ્રાકૃતિક રચના : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ થોડાઘણા અસમતળ પ્રદેશોને બાદ કરતાં કાંપનાં ખુલ્લાં સપાટ મેદાનોથી બનેલું છે. દક્ષિણ તરફનો ભાગ નદીઓની અસંખ્ય ખીણોથી અસમતળ બની રહેલો છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. માત્ર ઔનલા તાલુકાનો ભાગ તેમાં અપવાદરૂપ છે. તેનો ભૂમિઢોળાવ પૂર્વથી પશ્ચિમ તરફનો છે. બરેલી-નૈનીતાલ સરહદે ભૂપૃષ્ઠ 198 મીટરની ઊંચાઈવાળું છે, જ્યારે અગ્નિ તરફ ફરીદપુર તાલુકાના ફતેહગઢ ખાતે 156 મીટરની ઊંચાઈ છે; પરંતુ જિલ્લાના ઉત્તર તરફના અર્ધા ભાગમાં એક જ અક્ષાંશ પર આવેલા બધા જ ભાગોની સરેરાશ ઊંચાઈ લગભગ એકસરખી છે.

પ્રાકૃતિક રચનાની ર્દષ્ટિએ જિલ્લાને ચાર એકમોમાં વહેંચેલો છે : (1) તરાઈ, (2) દેશ, (3) ભાંગર અને (4) ખદર. દક્ષિણ તરફના ભાગો આછા ઊંચાણ-નીચાણવાળા છે. સમતળ વિભાગો પણ નદીખીણોથી વિભાજિત બનેલા છે; ઉત્તર તરફના ગર્ત છીછરા અને દક્ષિણ તરફના ઊંડા છે. આખાય જિલ્લાની જમીનો એકંદરે ફળદ્રૂપ છે, વનરાજિથી આચ્છાદિત છે. જળપુરવઠો પૂરતા પ્રમાણમાં સુલભ છે. જિલ્લાનો ઉત્તર ભાગ તરાઈનું વિસ્તરણ છે, ત્યાં પણ સમૃદ્ધ જમીનો છે. ભૂગર્ભજળ-સપાટીનું સ્તર ઊંચું છે. આ ભાગની આબોહવા સ્વાસ્થ્યપ્રદ નથી. તરાઈથી દક્ષિણનો ભાગ ખુલ્લો છે. અહીં ઊંચાઈવાળા ભાગો ભાંગર (જૂનો કાંપ) અને નીચાણવાળા ભાગો ખદર (નૂતન કાંપ) નામથી ઓળખાય છે. જુદી જુદી નદીઓ વચ્ચેના સમાંતર પટ્ટા ભાંગરથી રચાયેલા છે. તે જિલ્લાનો ઘણોખરો ભાગ આવરી લે છે; રામગંગા નદી સિવાય ખદરનો વિસ્તાર ઓછો છે. રામગંગા નદીખીણનો વિસ્તાર પહોળાઈમાં માત્ર 6થી 8 કિમી. જેટલો જ છે.

બરેલી જિલ્લો

જિલ્લામાં જંગલ-આચ્છાદિત વિસ્તાર પ્રમાણમાં ઓછો છે. તે બધો જ બરેલી તાલુકામાં છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં સીસમ, બાવળ, કેસૂડો, હાલ્દુ અને કેવનારનો સમાવેશ થાય છે. રસ્તાઓની આજુબાજુ વાડીઓ અને ઝાડનાં ઝુંડ વનરાજિનું ર્દશ્ય ઊભું કરે છે.

જળપરિવાહ : રામગંગા અહીંની મુખ્ય નદી છે. તેની શાખાનદીઓમાં સિદ્ધ, દોજોરા, બહગલ (પશ્ચિમ), સંખા, દેવરાનિયન અને નકતિયા અગત્યની છે. તે બધી જ તરાઈમાંથી નીકળે છે તથા જિલ્લામાં દક્ષિણ તથા અગ્નિ તરફ વહે છે અને રામગંગાને મળે છે. બહગલ (પૂર્વ) અને દેવહા ફતેહગંજ અને મહોલિયા જલાલપુર નજીક જિલ્લામાંથી બહાર નીકળે છે. ઉપનદીઓ સહિત અરિલ નદી ઔનલા તાલુકામાંથી પસાર થાય છે. ગઢવાલના પર્વતોમાંથી નીકળતી રામગંગા ગંગાની શાખાનદી છે, તે રામપુર જિલ્લામાં થઈને આ જિલ્લામાં બરેલી તાલુકાના ધીમરપટ્ટી (ઉજ્જડ ગામ) પાસે પ્રવેશે છે, ત્યાંથી સિરૌલી અને શિવપુરી નજીક થઈ અગ્નિ તરફ વહે છે અને બરેલી તથા ફરીદપુર તાલુકાઓને ઔનલા તાલુકાથી અલગ પાડે છે. ફરીદપુર તાલુકામાં તે સિપાહિયા સુધી વહે છે. તે પછીથી બરેલી અને બદાયૂં જિલ્લાની સીમા રચે છે.

ખેતી : જિલ્લાનું અર્થતંત્ર મહદંશે ખેતી પર નિર્ભર છે. જિલ્લાની કુલ ભૂમિનો આશરે 87% ભાગ ખેડાણયોગ્ય જમીનો ધરાવે છે. તે પૈકીની 50% ખેતભૂમિને સિંચાઈનો લાભ પણ મળી રહે છે. અહીં ક્રમાનુસાર ખરીફ, રવી અને ઝઈદ એ ત્રણેય પાક લઈ શકાય છે. ઘઉં, ડાંગર, શેરડી, ચણા, તુવેર, મકાઈ, વટાણા, મસૂર, તલ, જુવાર, બાજરો અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. તે ઉપરાંત ગુજઈ (ઘઉં અને જવના મિશ્ર સ્વરૂપનું ધાન્ય), મગ, શણ તેમજ શાકભાજી અને ઢોરના ખોરાક માટેનું વાવેતર પણ થાય છે. રોકડિયા પાકોમાં તેલીબિયાં, બટાટા તથા ફળોના ઉત્પાદનને પ્રોત્સાહન અને કઠોળના વાવેતરને પ્રાધાન્ય અપાય છે.

પશુપાલન : ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની સાથે સાથે ખેડૂતો આવકવૃદ્ધિના હેતુથી પશુપાલનને પણ મહત્ત્વ આપે છે. ઢોરોની ઓલાદસુધારણા માટે અહીં 23 જેટલાં પશુ-દવાખાનાં તથા 29 જેટલાં કૃત્રિમ ગર્ભાધાન-મથકો ઊભાં કરવામાં આવેલાં છે. ફરીદપુર, ચાંબારી, ઢોરા અને બહેરી ખાતે વખતોવખત ઢોરમેળા અને ઢોર-નિદર્શન છાવણીઓ યોજવામાં આવે છે.

ઉદ્યોગો : જિલ્લામાં રેતી, ઈંટોની માટી અને કંકર જેવાં ખનિજીય દ્રવ્યો સિવાય અન્ય કોઈ વિશેષ મહત્ત્વનાં ખનિજો મળતાં નથી. 1970 પછીના ગાળામાં જિલ્લામાં નાનામોટા ઉદ્યોગો વિકસતા ગયા છે. નવાબગંજ, બરેલી, ઔનલા, બહેરી અને ક્લટરબકગંજ ઔદ્યોગિક એકમોનાં કેન્દ્રો બની રહ્યાં છે તથા વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન લેવાતું થયું છે. મુખ્ય ઉદ્યોગોમાં દીવાસળી, કાથો અને ખદિર, રાળ અને ટર્પેન્ટાઇન, ખાંડ, રસાયણો, રબર અને કપૂરનો સમાવેશ થાય છે.

વેપાર : જિલ્લાનાં મુખ્ય નગરો ખાતે ગોળ, ખાદ્યાન્ન, લાકડાનું રાચરચીલું, બેકરી-પેદાશો, બીડી, દીવાસળી, કાથો, શેતરંજી–ચટાઈઓનો વેપાર થાય છે. ડાંગર, ચોખા, લાકડાનું રાચરચીલું, બેકરી-પેદાશો, દીવાસળી, ચટાઈઓ, રબર, કાથો, મરચું, ઘઉં, શાકભાજી, પગરખાં અને કેરીઓની નિકાસ થાય છે; જ્યારે કાપડ, ખાદ્યાન્ન અને શણની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન-સંદેશાવ્યવહાર : આ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો તથા ગ્રામ માર્ગો સારી રીતે પથરાયેલા છે. લખનૌ–બરેલી–મેરઠ રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાં ફરીદપુર, બરેલી, ભિતુરા અને મીરગંજમાં થઈને પસાર થાય છે અને જિલ્લાના 83 કિમી.ના અંતરને આવરી લે છે. તે લખનૌ–દિલ્હી રેલમાર્ગને સમાંતર ચાલી જાય છે. જિલ્લામાં રાજ્યમાર્ગોની લંબાઈ 194 કિમી., જિલ્લામાર્ગોની 485 કિમી. અને બાકીના માર્ગોની લંબાઈ 502 કિમી. જેટલી છે. બ્રૉડગેજ રેલમાર્ગોમાં શાહજહાનપુર–બરેલી (દ્વિમાર્ગી), ચંદૌસી–બરેલી તથા મોરાદાબાદ–બરેલી અને મીટરગેજ રેલમાર્ગોમાં બરેલી–ભોજીપુરા–પીલીભીત, ભોજીપુરા–કાઢગોદામ, બરેલી–બદાયૂંનો સમાવેશ થાય છે.

ઔનલા, બહેરી, બરેલી અને રામનગર નગરો આ જિલ્લાનાં પ્રવાસયોગ્ય સ્થળો ગણાય છે. ઔનલા ખાતે જૂના રજપૂત રાજાઓ તેમજ અકબરના સમયનું શિકારનું સ્થળ આવેલું છે. બહેરી ખાતે દર વર્ષે દશેરાએ રામલીલાનો મોટો મેળો ભરાય છે. બરેલી 1857ના બળવાનું સ્થળ ગણાય છે. અહીં હાફિજ રહેમતખાનનો ઘૂમટવાળો મકબરો આવેલો છે, તેના દરવાજા પર ભાત-ભાતનાં ચિત્રો અને લખાણો દર્શાવાયેલાં છે. રામનગર એ ઐતિહાસિક અને પુરાતત્વની ર્દષ્ટિએ હિન્દુ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ દર્શાવતું મહત્વનું સ્થળ ગણાય છે. વળી તે મહાભારત-કાળના પાંચાલ પ્રદેશનું રાજધાનીનું સ્થળ હતું. આ જિલ્લામાં વર્ષમાં જુદા જુદા તહેવારોએ જુદાં જુદાં સ્થળો પર મેળાઓ ભરાય છે.

‘અમર ઉજાલા’, ‘દૈનિક જાગરણ’ અને ‘વિશ્વમાનવ’ (હિન્દી) દૈનિકો અહીંથી બહાર પડે છે.

વસ્તી–વસાહતો : 1991ની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 28,34,616 જેટલી છે, જે પૈકી પુરુષોનું અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે આશરે 53 % અને 47 % જેટલું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 67 % અને 33 % જેટલું છે. જિલ્લામાં મુખ્યત્વે હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ધર્મ-વિતરણની ર્દષ્ટિએ અહીં હિન્દુ (18,76,188), મુસ્લિમ (9,26,545), શીખ (20,463), ખ્રિસ્તી (8,560), બૌદ્ધ (1,986), જૈન (384) તથા અન્યધર્મીઓ (490) છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકા (બરેલી, નવાબગંજ, મીરગંજ, બહેરી, ઔનલા અને ફરીદપુર) અને 15 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં કુલ 21 નગરો અને 2,072 (221 વસ્તીવિહીન) ગામડાં છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ માત્ર 7,35,676 જેટલું છે અને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શાળાઓની તેમજ બરેલી ખાતે ઉચ્ચ શિક્ષણ માટે રોહિલખંડ યુનિવર્સિટીની સગવડ છે.

ઇતિહાસ : બરેલી જિલ્લામાં આવેલું અહિછત્રનું છરાવતી નામનું પુરાતત્વીય સ્થળ ઉત્તર ભારતના એક વખતના અતિસમૃદ્ધ ઇતિહાસની યાદ અપાવે છે. આ સ્થળેથી ટેરાકોટામાંથી બનાવેલી ચીજવસ્તુઓ, મણકા, સિક્કા, પાષાણ-મૂર્તિઓ, મંદિરો, સ્તૂપો, મઠ, કિલ્લા, ઇમારતો, મકાનો, શેરીઓ, તળાવોનાં ખંડિયેરો કે શેષભાગો મળી આવેલાં છે. અહિછત્ર આ વિસ્તારનું એક મહાનગર હતું. ત્યાં સંસ્કૃતિનો વિકાસ થયેલો. તે પાંચાલ રાજધાનીનું  સ્થળ હતું. ત્યારે પાંચાલ પ્રદેશ હિમાલયની તળેટીથી દક્ષિણ તરફ ચંબલ નદીના ઉત્તર ભાગ સુધી વિસ્તરેલો હતો. મહાભારતના યુદ્ધકાળ વખતે તે ભારતમાં દસ મોટાં સામ્રાજ્યો પૈકીનું એક ગણાતું હતું.

ઈ. પૂ. ચોથી સદીના મધ્યકાળમાં આ પ્રદેશને નંદ વંશના રાજાઓએ મગધના સામ્રાજ્યમાં ભેળવી દીધેલો. ત્યારપછીથી તે મૌર્ય અને શુંગવંશી શાસકોના આધિપત્ય હેઠળ રહેલો. એમ માનવામાં આવે છે કે 335–350 દરમિયાન, મથુરાના ‘નાગ’ શાસકો પૈકીના એક, અચ્યુતે અહીં રાજ્ય કરેલું. ત્યારબાદ આ પ્રદેશ 550 સુધી ગુપ્ત સામ્રાજ્યનો એક ભાગ બનેલો. તે પછીથી દસમી સદી સુધી તે કનોજના શાસન નીચે રહેલો તથા બારમી સદી સુધી અહીં ગૂર્જરો, પ્રતિહારો અને રાષ્ટ્રકૂટોનું રાજશાસન રહેલું.

મુઘલકાળ દરમિયાન આ પ્રદેશ સૂબા(પ્રાંત)નો એક ભાગ બની રહેલો. રોહિલ્લા તરીકે ઓળખાતા અફઘાનો અહીં આવ્યા, ત્યારપછી આ વિસ્તાર રોહિલખંડ કહેવાયો. ઔરંગઝેબના મૃત્યુ સાથે મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ અને પ્રાદેશિક વિભાજન થતું ગયું. પ્રાદેશિક વિભાગો સૂબાઓમાં વહેંચાઈ ગયા. પ્રાદેશિક આધિપત્ય માટે અવધના નવાબ સાથે સંઘર્ષ થયો. 1774માં શુજા-ઉદ્-દૌલાના સમયમાં અવધના નવાબે તેને અવધમાં ભેળવી દીધું. 1801માં રોહિલખંડનો સમગ્ર પ્રદેશ અંગ્રેજોના અંકુશ હેઠળ ગયો. તે પછી અહીં વખતોવખત બ્રિટિશ દળો અને સ્થાનિક સત્તાધીશો વચ્ચે 1858 સુધી સંઘર્ષો થતા રહ્યા. છેવટે તે અંગ્રેજ હકૂમત હેઠળ ગયું. 1947માં સ્વતંત્રતા મળ્યા પછી રાજ્ય-પુનર્રચના હેઠળ તે ઉત્તરપ્રદેશના એક જિલ્લાનો દરજ્જો ભોગવે છે.

શહેર : ભૌગોલિક સ્થાન : 28° 21´ ઉ. અ. અને 79° 25´ પૂ. રે. બરેલી જિલ્લાનું વડું મથક. 1537માં બરેલીની સ્થાપના થયેલી છે. મુઘલ સૂબા (ગવર્નર) માર્કંડરાયે આ સ્થળનું નિર્માણ કરેલું. તે પછીથી સ્થળાંતર કરીને આવેલા રોહિલ્લાઓએ આ પ્રદેશ પર કબજો મેળવ્યો અને તેને રાજધાનીનું મથક બનાવ્યું. 1774માં અવધના નવાબે અંગ્રેજોની સહાયથી આ પ્રદેશ જીતી લીધો અને અવધમાં ભેળવી દીધો, પરંતુ 1801માં અંગ્રેજોએ તેને પોતાના કબજા હેઠળ લઈ લીધું. 1857માં ભારત પરની અંગ્રેજ હકૂમતની સામે તે બળવાનું કેન્દ્ર પણ બનેલું અને ચળવળની ખૂબ અસર થયેલી. ભારતીય સૈનિકોએ ખાન બહાદુરખાનને 1857ના મેની 31મી તારીખે અહીંના ગવર્નર તરીકે ઘોષિત પણ કરી દીધા. ત્યારે અહીંથી બધા યુરોપિયનો એક વર્ષ માટે નૈનીતાલ જતા રહેલા. એટલા સમય દરમિયાન તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનથી સ્વતંત્ર રહેલું. ત્યારપછી 1858ના મેની 5મી તારીખે બ્રિટિશ લશ્કર આવ્યું અને બે જ દિવસમાં બરેલીનો કબજો લઈ લીધો.

બરેલી ખાતે નૈર્ઋત્ય તરફ નજીકમાં જ હાફિજ રહેમતખાનનો ઘૂમટવાળો અને જુદી જુદી ભાતથી શણગારેલા ભવ્ય દરવાજાવાળો મકબરો આવેલો છે, તેના મિનારા પર ઘણી અરબી અને ઈરાની દંતકથાઓ દર્શાવવામાં આવી છે.

આ શહેરમાં 1657માં બાંધેલો કિલ્લો, પ્રાચીન ઇમારતો તથા ઘણી સુંદર મસ્જિદો જોવા મળે છે. 1837માં સ્થપાયેલી બરેલી કૉલેજ અને તેના પરા ઇજ્જતનગરમાં ઇન્ડિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. બરેલીથી 34 કિમી. વાયવ્ય તરફ આવેલા અહિછત્રના કિલ્લેબંધીવાળા પ્રાચીન શહેરની ભગવાન બુદ્ધે મુલાકાત લીધેલી હોવાનું મનાય છે. આ શહેરની વસ્તી 6,08,000 (1991) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા