બરુવા, હેમ (જ. 1915; અ. 1977) : સાહિત્ય, શિક્ષણ અને રાજકારણ ત્રણે ક્ષેત્રના ખ્યાતનામ અસમિયા સાહિત્યકાર. તેઓ અંગ્રેજી વિષય લઈને કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા અને પ્રથમ આવ્યા. તેથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. એમ.એ. થતાવેંત જ ગૌહત્તીની બી. બરુવા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને પછી આગળ વધતાં વધતાં એ કૉલેજના આચાર્ય બન્યા. 1945થી 1967 સુધી એમણે એ પદ સંભાળ્યું અને અગ્રણી શિક્ષણશાસ્ત્રીનું સ્થાન પ્રાપ્ત કર્યું. એમણે રાજકારણના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું અને લાગલગાટ 3 લોકસભાની ચૂંટણીઓમાં પ્રજાસમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે હરીફોની અનામત જપ્ત થાય એટલા બધા મતોથી ચૂંટાયા. તેઓ ઘણા શક્તિશાળી વક્તા હતા અને લોકસભામાં એમણે દરેક મહત્વના પ્રસંગે એમની વક્તૃત્વશક્તિનો પરિચય આપ્યો હતો.
એમણે આસામની માસિક પત્રિકાઓ દ્વારા એમની કાવ્યશક્તિનો પરિચય કરાવ્યો અને આધુનિક અસમિયા કવિ તરીકે થોડા સમયમાં પંકાયા. એમની કવિતા દ્વારા એમણે દલિતપીડિત વર્ગના સામાજિક અને રાજકીય શોષણ સામે ઝુંબેશ શરૂ કરી. એમણે અસમિયા કવિતામાં અસ્તિત્વવાદ તથા પરાવાસ્તવવાદનો પરિચય કરાવ્યો. એમના કાવ્યસંગ્રહો છે : ‘બલિચંદા’ (1959) તથા ‘મનમયૂરી’ (1965). એમણે સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં પણ અસમી સાહિત્યને સમૃદ્ધ કર્યું. એમના વિવેચનના ગ્રંથો છે – ‘આધુનિક સાહિત્ય’ (1948); ‘સન મિહાલી’ (1958); ‘સાહિત્ય આરુ સાહિત્ય’ (1962); ‘ક્યૂપિડ આરુ સાઇક’ (1959); ‘બહાગતે પાતિ જાઓ બિયા’ (1969); ‘કન્નકી’ (1960); ‘અચુફૂલ’ (1964); ‘સાહિત્ય આરુ સમસ્યા’ (1978); ‘સત્ય આરુ અહિંસા : ગાંધીજી’ (1971).
એમણે અંગ્રેજીમાં પણ ઘણું લખ્યું છે. તેમાં મુખ્ય છે : ‘ઑગસ્ટ રેવૉલ્યુશન ઇન આસામ’; ‘રેડ રિવર ઍન્ડ બ્લૂ હિલ’ (1964); ‘આઇડલ અવર્સ’ (1962), ‘અસામીઝ લિટરેચર’ (1962); ‘ફોક સૉંગ્ઝ ઑવ્ ઇન્ડિયા’ (1966) અને ‘લક્ષ્મીનાથ બેઝ બરુવા’ (1967).
એમણે આસામી પ્રવાસસાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે અને તેને નવો વળાંક આપ્યો છે. એમના પ્રવાસસાહિત્યનું વાચન નવલકથા વાંચતા હોઈએ તેવો રસાસ્વાદ કરાવે છે. એમનું અત્યંત વખણાયેલું પ્રવાસપુસ્તક છે ‘સાગર દેખેઆ’ (1964), જેમાં એમણે એમના અમેરિકાના પ્રવાસનું કાવ્યમય નિરૂપણ કર્યું છે. એમના રશિયાના પ્રવાસનું પુસ્તક ‘રંગા કરાબીર ફૂલ’ (1959), ‘ઇઝરાયલ’ (1965); અને ઈશાન એશિયાના પ્રવાસનું સાહિત્ય ‘મીકાંગ મઈ દેખલા’ (1967). આ બધાં લખાણો એમણે પ્રવાસસાહિત્યને જે વેગ આપ્યો તેનો પરિચય કરાવે છે. એમણે અસમિયા દૈનિક ‘અસમ એક્સપ્રેસ’ના તંત્રી તરીકે પણ 2 વર્ષ કાર્ય કરેલું. 1971માં ધુબડીમાં ભરાયેલા અસમિયા સાહિત્ય પરિષદના અધિવેશનમાં એમની પ્રમુખ તરીકે વરણી થઈ હતી.
ચન્દ્રકાન્ત મહેતા