બરછી : ભાલા જેવું પણ ભાલા કરતા કદમાં અને લંબાઈમાં નાનું પરંપરાગત હથિયાર. તે ધરાવનારને બરછીવાળો અથવા બરછીધારી સૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેનું ફળું મોટું અને લાકડીને છેડે જડેલું હોય છે; શત્રુ પર ઘોંચવાનો તેનો ભાગ તીર જેવો અણીદાર હોય છે અને તે પોલાદનું બનેલું હોય છે. નજીકથી હુમલો કરવા માટે જ તેનો ઉપયોગ કરી શકાય છે. ભાલા અને બરછીમાં તફાવત એ છે કે ભાલો શત્રુ પર દૂરથી ફેંકીને પણ નિશાન પર ઘા કરી શકાય છે. જ્યારે બરછીથી ઘા કરવા માટે નિશાન બરછીધારકની નજીકમાં હોય તો જ હથિયાર તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. પ્રાચીન જમાનાનાં યુદ્ધોમાં ભાલાધારી અને બરછીધારી સૈનિકોને જુદા રાખવામાં આવતા. શસ્ત્ર તરીકે બરછીનો લાભ એ છે કે તે ધારણ કરનાર સૈનિક શત્રુના શરીર પર ગમે તે સ્થાને ઘા કરી શકે છે અને તે માટે નિશાન તાકવાની ભાગ્યે જ જરૂર હોય છે. જંગલી પ્રાણીઓને મારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

બરછી

યુદ્ધવિદ્યાના વિકાસ સાથે હવે બરછી જેવાં પરંપરાગત શસ્ત્રો યુદ્ધમાં વપરાતાં નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે