બત્રા, મનીકા (જ. 15 જૂન 1995, દિલ્હી, ભારત) : ભારતીય ટેબલટેનિસ ખેલાડી.

નારાયણ વિહાર દિલ્હીની રહેવાસી મનીકા બત્રા ત્રણ ભાઈબહેનોમાં સૌથી નાનાં છે. તેમના પિતાનું નામ ગિરીશ બત્રા તથા માતાનું નામ સુષમા બત્રા. ફક્ત ચાર વર્ષની ઉંમરથી તેમણે ટેબલટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. મોટી બહેન આંચલ અને ભાઈ સાહિલ બંને ટેબલટેનિસ ખેલાડી છે. ખૂબ જ શરૂઆતમાં બહેન આંચલ તેમને રમતની તાલીમ આપતી. આઠ વર્ષની વયથી નીચેની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજયી રહ્યા બાદ તેમણે કોચ સંદીપ ગુપ્તા પાસેથી તાલીમ લીધી. કિશોરાવસ્થામાં તેમને મૉડેલિંગ માટે ઘણા પ્રસ્તાવ મળ્યા હતા, જે તેમણે નકાર્યા હતા. 16 વર્ષની વયે સ્વીડનની પીટર કાર્લસન એકૅડેમીમાં તાલીમ લેવા માટે  શિષ્યવૃત્તિનો પણ ઇન્કાર કર્યો હતો. એક વર્ષ જિસસ ઍન્ડ મેરી કૉલેજમાં ભણ્યા બાદ ટેલબટેનિસની રમત પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે, ભણતરને અલવિદા કહ્યું.

2011માં ચિલી ઓપનમાં 21 વર્ષની વયથી નીચેની શ્રેણીમાં બત્રા રજત ચંદ્રક જીત્યાં. 2014 રાષ્ટ્રસમૂહ રમત તથા એશિયાઈ રમતોત્સવમાં તેઓ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શક્યા. 2015માં રાષ્ટ્રસમૂહ ટેબલટેનિસ સ્પર્ધામાં ત્રણ ચંદ્રકો જીતવામાં સફળ રહ્યાં. 2016માં (દક્ષિણ એશિયાઈ) રમતોત્સવમાં તેમણે ત્રણ સુવર્ણચંદ્રક જીત્યા. 2016માં ગ્રીષ્મ ઑલિમ્પિક્સ માટે મહિલા સિંગલ્સ શ્રેણીમાં તેઓ પસંદગી પામ્યાં, પરંતુ પહેલા જ રાઉન્ડમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.

ઑસ્ટ્રેલિયા, ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલ 2018 રાષ્ટ્રસમૂહ રમતોત્સવમાં ભારતીય મહિલા ટીમને સિંગાપોર સામે સુવર્ણચંદ્રક જિતાડવામાં મનીકા બત્રાનો મહત્ત્વનો ફાળો હતો. તે જ સ્પર્ધામાં મૌમા દાસ સાથે રમીને તેમણે ડબલ્સમાં રજત ચંદ્રક મેળવ્યો. સિંગાપોરની યૂ મેંગ્યૂને ફાઇનલમાં હરાવી રાષ્ટ્રસમૂહ રમતોમાં ટેબલટેનિસમાં સુવર્ણચંદ્રક જીતનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યાં. ચાર સ્પર્ધામાં બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય ચંદ્રક મેળવી તેમણે કુલ ચાર ચંદ્રક મેળવ્યા.

2019માં રાષ્ટ્રસમૂહ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં સિંગાપોરને હરાવી, સુવર્ણચંદ્રક જીતનારી ભારતીય મહિલા ટેબલટેનિસ ટીમનાં બત્રા સભ્ય હતાં.

2020માં ગ્રીષ્મ ઑલિમ્પિક્સમાં મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડ સુધી પહોંચનારા મનીકા પહેલા ભારતીય મહિલા ટેબલટેનિસ ખેલાડી બન્યાં. 2021 ડબ્લ્યૂ ટી. ટી. કનટેન્ડર બુડાપેસ્ટ મિક્સ્ડ ડબલ્સમાં પણ તેઓ સાથિયા ગણાશેકરન સાથે વિજેતા બન્યાં હતાં. ત્યારબાદ 2021 ડબ્લ્યૂ ટીટી કનટેન્ડર લાસ્કો ખાતે મહિલા ડબલ્સમાં વિજેતા થયાં હતાં. સિંગાપોર સ્મેશ 2022માં તેઓ સિંગલ્સમાં પહેલા રાઉન્ડમાં જ હારી ગયાં હતાં. મિક્સ્ડ ડબલ્સ તથા મહિલા ડબલ્સમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ડબ્લ્યૂ ટી.ટી. કનટેન્ડર દોહા 2022માં બત્રા અને ગણાશેકરન ડબલ્સમાં રજત પદક જીત્યાં હતાં. મહિલા ડબલ્સમાં તેમને તથા અર્ચના કામતને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. 2024માં ગ્રીષ્મ ઑલિમ્પિક્સમાં તેઓ મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં રાઉન્ડ ઑવ્ 16 સુધી પહોંચ્યાં હતાં અને અહીં સુધી પહોંચનારાં તેઓ પ્રથમ ભારતીય બન્યાં હતાં. જોકે ત્યારપછી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

5 એપ્રિલ, 2022ના રોજ બત્રા અને અર્ચનાની જોડી વિશ્વક્રમાંક 4 મેળવવામાં સફળ રહી હતી, જે હજુ સુધીનો ટેબલટેનિસમાં બધી જ શ્રેણીમાં ટોચનો ક્રમાંક છે. 2020ના નવેમ્બરમાં તેઓ ભારતના પ્રથમ ક્રમાંક ટેબલટેનિસ મહિલા ખેલાડી બન્યાં હતાં. જ્યારે માર્ચ, 2022માં તેમનો વિશ્વક્રમાંક 50 છે. નવેમ્બર 2024માં તેઓ ભારતમાં બીજો ક્રમાંક જ્યારે વિશ્વમાં 27મો ક્રમાંક ધરાવે છે.

ઇન્ટરનેશનલ ટેબલટેનિસ ફેડરેશન (ITTF) દ્વારા 12 ડિસેમ્બર, 2018માં ‘ધ બ્રેક થ્રૂ સ્ટાર ઍવૉર્ડ’ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. 2018માં તેમને ‘અર્જુન ઍવૉર્ડ’ અને 2020માં ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં છે.

અમલા પરીખ