બજેટ–બજેટિંગ : આગામી નિશ્ચિત સમયગાળા માટે અગાઉથી તૈયાર કરેલું અને મંજૂર રાખેલું નાણાકીય અને સાંખ્યિકી પરિમાણના લક્ષ્યાંકો દર્શાવતું વિસ્તૃત, સંકલિત અને નીતિવિષયક પત્રક અને તેને વિગતવાર તૈયાર કરીને અમલમાં મૂકવાની પ્રક્રિયા. બજેટ વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક, માસિક કે અઠવાડિક એવા કોઈ પણ આગામી સમયગાળા માટે હોઈ શકે. પરંતુ મોટાભાગે તે એક વર્ષ માટે તૈયાર કરવામાં આવે છે. બજેટમાં નિર્ધારિત કરેલા આંકડાઓને માપદંડ તરીકે લક્ષમાં રાખીને તેમની સાથે જુદા-જુદા સમયગાળામાં ધંધામાં થયેલી ખરેખરી કામગીરીના આંકડાઓની સરખામણી કરવામાં આવે છે અને જો બંને વચ્ચે મોટું વિચલન જણાય તો તાત્કાલિક ઉપાયનાં પગલાં લેવામાં આવે છે. બજેટિંગ પ્રક્રિયાને કારણે અધિકારીઓ અને તાબાના કર્મચારીઓ પરસ્પર અંકુશરૂપ બને છે અને ધંધાકીય સાહસનાં સર્વે સભ્યો વચ્ચે સુગ્રથિત સંકલન રચાય છે.
ટોચના વ્યવસ્થાપન સ્તર દ્વારા આગામી વર્ષના લક્ષ્યાંકો અંગે પ્રબંધકને સૂચના આપવામાં આવે તે પળથી બજેટિંગ પ્રક્રિયા શરૂ થાય છે. કેટલાંક ધંધાકીય સાહસોમાં ઉચ્ચ અધિકારીઓ બજેટના આંકડાઓ પોતે નક્કી કરીને નિમ્ન સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર લાદે છે. પરંતુ મોટાભાગનાં સાહસોમાં નિમ્નસ્તરના અધિકારીઓને વિશ્વાસમાં લઈને બજેટના આંકડાઓ નક્કી કરવામાં આવે છે, કારણ કે તે જાતઅનુભવને લીધે સ્થાનિક મુશ્કેલીઓથી પરિચિત હોય છે અને વાસ્તવિક બજેટ બનાવવામાં ઉપયોગી નીવડે છે.
ધંધાકીય સાહસની દરેક પ્રવૃત્તિને આવરી લઈને પ્રથમ પેટાવિભાગોનાં બજેટ, તેમના ઉપરથી વિભાગીય બજેટ અને છેવટે સર્વગ્રાહી બજેટ બનાવવામાં આવે છે. બજેટ બનાવવામાં કેટલીકવાર યંત્ર-કલાક-દર, માનવ-કલાક-દર જેવા આંકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે; ભૂતકાળના અનુભવ તથા ભાવી અપેક્ષિત ઘટનાઓ/પ્રતિકૂળતાઓ લક્ષમાં લેવામાં આવે છે અને પ્રત્યેક વિભાગ અને વ્યક્તિએ ચોક્કસ સમયમાં સિદ્ધ કરવાના લક્ષ્યાંકોની સ્પષ્ટતા કરવામાં આવે છે.
આયોજન અને અંકુશ બજેટિંગનાં મુખ્ય ધ્યેય હોય છે તેથી બજેટ બનાવ્યા પછી આયોજિત કામગીરીના અંકુશ/નિયંત્રણ માટે જવાબદાર ત્રણ કેન્દ્રો : (1) મહેસૂલી કેન્દ્ર, (2) ખર્ચ કેન્દ્ર અને (3) નફા કેન્દ્ર ઊભાં કરવામાં આવે છે. મહેસૂલી કેન્દ્ર, ઉદાહરણ તરીકે, વેચાણ વિભાગ ઉત્પાદનના વેચાણમાંથી નાણાં પ્રાપ્ત કરવાની ક્ષમતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ ઉત્પાદનની પડતર કિંમત તેના કાર્યક્ષેત્રમાં આવતી નથી. ખર્ચ કેન્દ્ર કાચા માલની ખરીદી, કારીગરોની મજૂરી, કર્મચારીઓના પગાર, વ્યાજ, ભાડું, સંશોધનખર્ચ વગેરે ઉપર આધારિત પડતર કિંમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ વેચાણ કિંમત અને કુલ વકરો તેના કાર્યક્ષેત્રમાં આવતાં નથી. નફા કેન્દ્ર મહેસૂલી આવક અને પડતર કિંમતની સતત સરખામણી કરીને તથા મહેસૂલી કેન્દ્ર અને ખર્ચ કેન્દ્ર વચ્ચે સમન્વય સાધીને નફાનું સ્તર ઊંચું લાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.
બજેટ બનાવ્યા પછી તેમાં ઇચ્છા થાય ત્યારે ફેરફાર કરવામાં આવતા નથી. આમ છતાં બજેટ આખરે તો એક પ્રકારની આગાહી ગણાય; સંજોગો બદલાતાં તે ખોટી પણ પડે. તેથી ધંધાકીય સાહસની કામગીરીનું અન્વેષણ કરવામાં આવે છે. અને જરૂર જણાય તો બજેટનું પુનરવલોકન પણ કરવામાં આવે છે.
બજેટના પરિચાલન બજેટ અને નાણાકીય બજેટ એમ મુખ્યત્વે બે પ્રકારો છે. બજેટના નિર્ધારિત સમયગાળામાં ઉત્પાદન માટે કેટલા પ્રમાણમાં વાસ્તવિક માલસામાન અને સેવાની જરૂર પડશે અને તેમની શી ખરીદકિંમત થશે તે પરિચાલન બજેટમાં અંદાજવામાં આવે છે. તથા તે જ સમયગાળામાં કેટલાં નાણાં ખરચવાં પડશે અને તે ક્યાંથી પ્રાપ્ત કરી શકાશે તે નાણાકીય બજેટમાં અંદાજવામાં આવે છે. બજેટના આ બંને પ્રકારોના કેટલાક ઉપપ્રકારો પણ હોય છે.
વીતેલા વર્ષના ખર્ચને સમુચિત ગણીને આગામી વર્ષનું બજેટ ઘડવાનું વલણ મોટાભાગનાં સાહસોમાં જોવામાં આવે છે પણ આવા વલણથી વર્ષોવર્ષ એક જ ઘરેડનું બજેટ ઘડવાનો પૂર્વગ્રહ કેળવાય છે. તેથી પર્યાવરણમાં થતા ફેરફાર અને સમયની ચાલ સાથે ધંધાના હેતુઓમાં કરવાના ફેરફાર ચૂકી જવાય છે અને કાળગ્રસ્ત (obsolete) ઉત્પાદન કરવાથી પારાવાર નુકસાન વેઠવાનો પ્રસંગ પણ ઊભો થાય છે. આવી પરિસ્થિતિ નિવારવા હવે નિમ્નબિંદુ – પાયા – આધારિત બજેટિંગ(zero base budgeting – ZBB)ની વિભાવના વિકસાવવામાં આવી છે. આ પ્રકારના બજેટમાં વીતેલા વર્ષની ફાળવણીના આંકડાઓને આધાર-શિલા ગણવાના બદલે ઉત્પાદનની પ્રત્યેક પ્રક્રિયાના પડતર અને નફા અંગે દર વર્ષે નવેસરથી વિચારણા કરવામાં આવે છે, એટલે કે પ્રત્યેક પ્રવૃત્તિને તે ચાલી આવે છે એ ભૂમિકા પર સ્વીકારી લેવાને બદલે, દર વર્ષે નવેસરથી તેને વાજબી કે જરૂરી ઠરાવવી પડે છે.
પિનાકીન ર. શેઠ