બજાર-ક્ષેત્રવિભાજન

January, 2000

બજાર-ક્ષેત્રવિભાજન (market-segmentation) : ઉત્પાદિત માલના વેચાણ તરફના ગ્રાહકોના પ્રતિભાવને લક્ષમાં રાખીને તેમનું સમાન લક્ષણોવાળાં જૂથોમાં કરવામાં આવતું વિભાજન. ‘બજાર’ શબ્દ ખરીદનાર અને વેચનાર વચ્ચેનાં પરસ્પર વિરુદ્ધ હિતોનો મેળ પાડીને સોદો થાય તે માટેની બધી પ્રક્રિયાઓ સૂચવે છે. આ પ્રક્રિયાઓમાં મોટા- ભાગે ઉત્પાદકો, વચેટિયાઓ અને ગ્રાહકો ભાગ લેતા હોય છે. ગ્રાહકો ઉપભોગ-વપરાશ કરીને તુષ્ટિ-સંતોષ પામે તે માટે સઘળી આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે. બજારમાં ગ્રાહક કેન્દ્રસ્થાને છે. ગ્રાહકને આથી, આર્થિક પ્રવૃત્તિઓના બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. વેચનારને માટે ગ્રાહકોનું સમાન લક્ષણોવાળું એક જ જૂથ હોય તો એક જ પ્રકારની અસરકારક એવી બજારક્રિયા કરીને તે મહત્તમ વેચાણ મેળવી શકે; પરંતુ બધા જ ગ્રાહકો એકસરખી જરૂરિયાતવાળા હોતા નથી.

ગ્રાહકો ભલે કોઈ એક જ જરૂરિયાત સંતોષવા બજારને માટે ખૂબ જરૂરી એવી માંગ કરતા હોય, પરંતુ તેમનામાં વિભિન્નતા હોય છે. ગ્રાહકોનાં લક્ષણો જુદાં જુદાં હોય છે. કોઈ એક જ જરૂરિયાત સંતોષવા જુદા જુદા ગ્રાહકો જુદાં જુદાં લક્ષણોના પ્રભાવ તળે માંગ કરતા હોય છે; આમ છતાં લગભગ સમાન એવાં લક્ષણો ધરાવતા ગ્રાહકોના જુદા જુદા વર્ગો હોય છે. આ બધા વર્ગો મળી ગ્રાહકોનો સમસ્ત સમાજ બને છે. ગ્રાહકોના સમસ્ત સમાજમાંથી આવા સમાન લક્ષણધારી વિભિન્ન વર્ગોનું અસ્તિત્વ એટલે બજાર-ક્ષેત્રવિભાજન. એવા વર્ગોને શોધવા અને સમજવાની પ્રક્રિયા બજાર-સંશોધનની પ્રક્રિયાનો ભાગ છે.

બજાર-ક્ષેત્રવિભાજન અનેક કારણોએ થાય છે : જીવનપદ્ધતિની સમાન શૈલી, આવકનું સમાન સ્તર, પ્રાદેશિક સમાન વિસ્તાર, સમાન વય, સમાન રીતરિવાજો, સમાન ધર્મ, સમાન જાતિ, સમાન જ્ઞાતિ જેવાં કારણોએ બજાર-વિભાજન થાય છે; ઉદા. તરીકે, એક યા બીજાં કારણોએ શરીરને વસ્ત્રોથી ઢાંકવાની જરૂરિયાત છે. આ જરૂરિયાત સંતોષવા મોટાભાગના સમાજોના બધા જ સભ્યો વસ્ત્રો જેમાંથી તૈયાર થાય છે તે કાપડની માગ કરે છે. કાપડ માટેના બજારનું ક્ષેત્રવિભાજન જુદી જુદી ર્દષ્ટિએ ઉત્પાદકો કરી શકે; જેમ કે, ગરીબો જેના મુખ્ય ગ્રાહકો હોય એવા કાપડ માટેનું બજાર, શ્રીમંતો મુખ્યત્વે ખરીદતા હોય એવા કાપડ માટેનું બજાર વગેરે. બીજી ર્દષ્ટિએ જોઈએ તો યુવાનોની જરૂરિયાત સંતોષતા કાપડ માટેનું બજાર, બાળકોની જરૂરિયાત સંતોષતા કાપડ માટેનું બજાર વગેરે. ઉત્પાદકો તેમની પેદાશો માટેના બજારનું આ રીતે વિભાજન કરીને પ્રત્યેક બજારમાં વેચાણ માટેની જે નીતિ નક્કી કરે છે તેમાં જે તે બજારના ગ્રાહકોના પ્રતિભાવો નજર સમક્ષ રાખે છે.

ઉત્પાદક/વિક્રેતા બજારના ક્ષેત્રવિભાજન અંગે એક વાર નિર્ણય લઈ લે તે પછી તે ઉપભોક્તાના ખરીદીનિર્ણય ઉપર અસર પાડવા માટે P આદ્ય અક્ષરથી શરૂ થતા ચાર ઘટકોનો ઉપયોગ કરે છે : ઉત્પાદન(product)ની ગુણવત્તા જળવાઈ રહે, ઉત્પાદિત માલની નામછાપ(brand name)થી ગ્રાહકો માહિતગાર થાય તથા માલના આકર્ષક  પૅકેજિંગથી પ્રભાવિત થાય તે પ્રથમ ઘટક છે. ઉત્પાદિત માલની વેચાણકિંમત (price) વાજબી ભાવે રાખવી તથા માલના ઉપાડને અનુરૂપ વળતર આપવું તે બીજો ઘટક છે. વેચાણની વૃદ્ધિ (promotion of sales) માટે વિજ્ઞાપન દ્વારા પ્રચાર કરવો, ભેટસોગાદો આપવી, મફત નમૂનાઓ મોકલવા, પ્રદર્શનો ભરવાં, હરીફાઈઓ યોજવી અને કામચલાઉ કપાતો આપવી તે ત્રીજો ઘટક છે. સ્થળ/અધિષ્ઠાન(place)ને લક્ષમાં રાખીને ક્યાં વેચવું, કોની મારફતે વેચવું, કઈ પરિવહન સેવાનો ઉપયોગ કરવો અને હાજર માલ કેટલા સ્તરે રાખવો તે ચોથો ઘટક છે. આ ચારેય ઘટકોનો સમૂહ વેચાણ-પ્રવૃત્તિ સંયોજન (marketing mix) કહેવાય છે અને તે ગ્રાહકોની માગ ઉપર અસર પાડે છે.

પોતાની પેદાશો અને સેવાના વેચાણને વધારવા માટે ઉત્પાદકો અને વિક્રેતાઓએ બજાર-ક્ષેત્રવિભાજનને સમજવું અને તે પ્રમાણે બજાર-પ્રક્રિયાનું આયોજન કરવું અનિવાર્ય થઈ પડે છે. કયા પરિબળને કારણે પોતાની પેદાશ અને સેવાનું બજાર-ક્ષેત્રવિભાજન થશે તે પણ ઉત્પાદકો અને વિક્રેતાઓએ જાણવું અનિવાર્ય છે.

સૂર્યકાન્ત શાહ