બજાજ, કમલનયન (જ. 23 જાન્યુઆરી 1915, વર્ધા; અ. 1 મે 1972, અમદાવાદ) : ભારતના પ્રગતિશીલ ઉદ્યોગપતિ, દાનવીર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા જમનાલાલ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને પોતાને ‘ગાંધીજીના પાંચમા પુત્ર’ તરીકે ઓળખાવતા હતા. ધનવાન કુટુંબમાં જન્મ્યા હોવા છતાં કમલનયન નાની વયે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહીને શિક્ષણ અને સેવાના પ્રથમ પાઠો શીખ્યા હતા. ત્યાં તેઓ કાંતવું, વણવું, રસોઈ, દળવું, ખોદકામ, ખેતી વગેરે કામો અને પાછળથી સંડાસની સફાઈ પણ કરતા હતા. કુટુંબના વાતાવરણમાંથી એમને રાષ્ટ્રીય આઝાદીની ચળવળમાં ભાગ લેવાની પ્રેરણા મળી હતી. 15 વર્ષની વયે તેઓ ગાંધીજીની દાંડીકૂચમાં સામેલ થયા હતા.
દાંડીકૂચ બાદ તેઓ દારૂ અને પરદેશી માલ વેચતી દુકાનો પર પિકેટિંગ કરતા હતા. 1932માં તેમની ધરપકડ થતાં તેમને છ મહિનાની કેદની સજા કરવામાં આવી. એ પછી વધુ શિક્ષણ પ્રાપ્ત કરવા તેઓ પુણેની શાળામાં દાખલ થયા. થોડો સમય ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યા પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને કેમ્બ્રિજમાં રહીને અર્થશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કર્યો. થોડા સમય માટે ભારત આવ્યા; પરંતુ એ અરસામાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં તેઓ ભારતમાં જ રોકાઈ ગયા. 1942માં એમના પિતાનું આકસ્મિક અવસાન અને ગાંધીજીની ‘હિંદ છોડો’ લડતને કારણે એમના જીવનમાં પરિવર્તન આવ્યું. ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવાને બદલે તેમણે સત્યાગ્રહીઓ તથા ભૂગર્ભ કાર્યકરોને મદદ કરવાનું પસંદ કર્યું. ત્યારબાદ તેમણે ‘જમનાલાલ બજાજ સેવા ટ્રસ્ટ’ની સ્થાપના કરી.
ઔદ્યોગિક ક્ષેત્રની જવાબદારી સ્વીકાર્યા પછી એમણે બજાજ ગ્રૂપની પ્રવૃત્તિઓ વિકસાવી. બજાજ ઑટો, બજાજ ટેમ્પો, બજાજ ઇલેક્ટ્રૉનિક્સ, કે. સી. ઇન્ડસ્ટ્રીઝ વગેરે કંપનીઓની સ્થાપના કરી એનો અસાધારણ વિકાસ કર્યો. તેઓ ખાદીનું મહત્વ સમજતા હોવાથી એમણે કાપડની મિલ શરૂ કરી ન હતી. તેઓ દારૂબંધીના હિમાયતી હોવાથી પોતાની હિંદુસ્તાન શુગર મિલ્સમાં આલ્કોહૉલ અને સ્પિરિટનું ઉત્પાદન શરૂ થવા દીધું ન હતું. તેમને માત્ર નફો વધારવામાં રસ ન હતો. તેથી કામદારો સાથે હમેશાં સારા અને સુમેળભર્યા સંબંધો રાખતા હતા.
તેઓ 1957થી 1970 સુધી વર્ધા મતદાર મંડળમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાના સભ્યપદે ચૂંટાતા રહ્યા હતા. સંસદસભ્ય તરીકે તેઓ નાણાં, શિક્ષણ, ઉદ્યોગો અને વિદેશની બાબતોમાં રસ લેતા હતા. ભારતીય વસાહતીઓની સમસ્યાઓ અને સ્થિતિનો અભ્યાસ કરવા તેઓ 1950માં પૂર્વ આફ્રિકા ગયા હતા. 1954માં સોવિયેટ રશિયા, પોલૅન્ડ અને ચેકોસ્લોવાકિયા ગયેલા ભારતીય ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળના તેઓ સભ્ય હતા. 1956માં પશ્ચિમ આફ્રિકા ગયેલા ઉદ્યોગપતિઓ સાથે તેઓ પણ ગયા હતા.
તેઓ સાદું જીવન જીવવાનું પસંદ કરતા હતા. એમને કોઈ ચીજનું વ્યસન ન હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ મૅનેજમેન્ટ શરૂ કરવા રૂપિયા 11 લાખનું અને બૅંગ્લોરમાં આંતરરાષ્ટ્રીય સર્વોદય કેન્દ્ર શરૂ કરવા રૂપિયા 20 લાખનું દાન આપ્યું હતું. તેઓ ઘણી સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. ભારતના આઝાદી પછીના ઔદ્યોગિક વિકાસમાં એમનું મોટું અને મહત્વનું પ્રદાન ગણાય છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી