બગલું : જળાશયોની આસપાસ, કાદવ, ખેડાતી જમીન કે ગાય, ભેંસ જેવાં ઢોરના પગ વચ્ચે અહીંતહીં ભમતું, અણીદાર ચાંચ અને લાંબા પગ ધરાવતું પક્ષી. આ પક્ષીઓમાંનાં કેટલાંક એકલચર હોય છે, જ્યારે બીજાં, ટોળામાં ફરતાં હોય છે. બગલાંની ગણના સિકૉનીફૉર્મિસ શ્રેણીના આર્ડિડે કુળમાં થાય છે. બગલાંની 17 પ્રજાતિઓ અને આશરે 60 જેટલી જાતિઓ હોય છે. પાણી ભરાતું હોય એવા સ્થળે એટલે કે તળાવકિનારા, ડાંગરની ક્યારીઓ, કૂવાના પાળિયા જેવી જગ્યાઓએ એકલ અને જાણે ધ્યાનસ્થ હોય તેવી મુદ્રામાં એક પગે લાંબા સમય સુધી સ્થિર ઊભાં રહીને આ બગલાં અચાનક ઝડપથી ભક્ષ્યને પકડે છે. કેટલાંક બગલાં ખેતર કે ઘાસમાં ફરતી ગાયો કે ભેંસો જેવાં પ્રાણીઓના પગ વચ્ચે ચપળતાથી ફરે છે, અને કીટકોનું ભક્ષણ કરે છે. તેમને ઢોર-બગલાં (cattle egrets) કહે છે. ઢોર-બગલાને લાંબી ડોક ને ટૂંકી ચાંચ ઉપરાંત શ્વેત રંગ હોય છે.
એકલ ફરતાં બગલાં અંગ્રેજીમાં herons તરીકે જાણીતાં છે. ગુજરાતમાં તે તળાવ, ડાંગરની ક્યારી કે ખાબોચિયાં જેવાં ભીનાં સ્થળોએ જોવા મળે છે. તે ડાંગરપક્ષી (paddy-bird) કે તળાવ-બગલા (pond-heron) તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ Ardeola grayii છે. ધૂળિયા રંગનું આ બગલું ઉડ્ડયન દરમિયાન રંગે શ્વેત દેખાય છે. તેનો ખોરાક માછલી કે દેડકાં ઉપરાંત કીટકો, નાનાં પક્ષી અને સસ્તનો છે. એકલ જીવન પસાર કરવા છતાં તે વૃક્ષો કે જમીન પર સમૂહમાં માળો બાંધે છે. માળામાં તે 2થી 7 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંના 18થી 30 દિવસના સેવન બાદ બચ્ચાં જન્મે છે, જે માળામાં 30થી 40 દિવસ રહે છે.
એકલવાયું જીવન પસાર કરનાર સામાન્ય બગલા(common/grey heron)ની ચાંચ ઘેરી-પીળી હોય છે. માથા પર કાળાં પીંછાંની કલગી હોય છે. છાતી અને પેટ શ્વેત હોય છે. તેનું શાસ્ત્રીય નામ છે Ardea cineria cineria.
રાતે ફરતા એકલચર બગલાને રાત-બગલું (night heron) કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Nyctocorax nyctocorax. ખોરાકની શોધ માટે તે રાત્રે બહાર નીકળે છે. તેના શરીરનો કેટલોક ભાગ શ્યામ જ્યારે અન્ય ભાગ શ્વેત હોય છે. તે ‘વાક્ વાક્’ એવો અવાજ કરે છે. તેના આ બોલ પરથી રાત-બગલું ‘વાક’ નામે પણ ઓળખાય છે.
કળણ કે સુંદરવન (mangrove forest) જેવાં સ્થળોએ આહારની શોધમાં ફરતા રાત-બગલાનો ખોરાક માછલી, કરચલાં, જિંગા, નાનાં પક્ષીઓ અને સસ્તનો હોય છે. તે રંગે કથ્થાઈ, કાળાં કે ભૂરાં હોય છે. તેની ડોક નાની, ચાંચ લાંબી અને સહેજ જાડી હોય છે. વૃક્ષો કે ઝાડી વચ્ચે તે માળા બાંધે છે અને 2થી 5 ઈંડાં મૂકે છે. ઈંડાંના 21થી 26 દિવસોના સેવન બાદ બચ્ચાં જન્મે છે.
અમેરિકા અને દક્ષિણ આફ્રિકા જેવા વિસ્તારમાં રહેતા ચટાપટાવાળા બગલાને વાઘ-બગલું (tiger heron) કહે છે; જ્યારે કથ્થાઈ રંગનાં વાંકાંચૂકાં ફરતાં બગલાં (zigzag herons) વિશિષ્ટ રંગને લીધે પર્યાવરણ સાથે એકરૂપ થઈ જાય છે અને એ રીતે જીવન ટકાવવા માટેનું જરૂરી રક્ષણ મેળવે છે.
સમૂહજીવન પસાર કરનાર, ભારતમાં વસતાં બગલાંમાંથી મોટું બગલું (કે શ્વેત બગલું) (large egretEgretta alba), નાનું બગલું (small egret-Egretta gazetta gazetta), નાનેરું બગલું (smaller egret-Egretta intermedia intermdia) અને ઢોર-બગલું (cattle egret-Bubulicusibis coramandus bodd) ગુજરાતમાં સર્વત્ર સામાન્યપણે મળી આવે છે.
મોટું બગલું 0.75થી 1 મીટર જેટલું લાંબું હોય છે. તેના પગ કાળા અને ચાંચ પીળી હોય છે, જે પ્રજનન-સમયે કાળી બને છે.
નાનું બગલું મોટા બગલા કરતાં નાનું અને નાનેરા બગલા કરતાં સહેજ મોટું હોય છે. તેની ચાંચ હમેશાંને માટે કાળી હોય છે. નાનેરું બગલું 0.50થી 0.60 મીટર લાંબું હોય છે; રંગે તે મોટા બગલાને મળતું આવે છે.
નાના કાગડા જેવા કદના 30થી 40 સેમી. લાંબા ઢોર–બગલાના પગ કાળા હોય છે, જ્યારે ચાંચ બારેય માસ પીળી હોય છે. નર અને માદા રંગે સરખાં, ધોળાં હોય છે. માથું ગોળાકાર હોય છે.
ગુજરાતમાં જોવા મળતાં અન્ય બગલાંમાં દરિયાઈ બગલું (reet heron), નાનું લીલું બગલું (little green heron), જાંબલી બગલું (purple heron) તથા કર્બુર બગલા(grey heron)નો સમાવેશ થાય છે. દરિયાઈ બગલું 0.60થી 0.75 મીટર લાંબું હોય છે. તેને કાળાં અને સફેદ – એમ બે પ્રકારનાં પીંછાં હોય છે. દરિયાકિનારે તે માળો બાંધે છે. આ સૌથી મોટું બગલું છે. તેનાં પીંછાં રાખોડી કે ભૂરાં હોય છે.
કાંકણસાર અથવા કાંકરોળી (ibis) અને ચમચો (spoon bill) જે Threskiornithidae કુળનાં પંખી છે તેમની ગણના પણ બગલાંના વર્ગમાં કરવામાં આવે છે. કાંકણસાર પક્ષી આશરે 0.50 મીટર લાંબાં હોય છે. તેમની ચાંચ વધુ લાંબી અને નીચેની બાજુએ વળેલી હોય છે. કાળી કાંકણસાર (black ibis) નદીકાંઠે, તેમજ કાદવકીચડ જેવા વિસ્તાર ઉપરાંત જંગલમાં પણ જોવા મળે છે. સફેદ કાંકણસાર (white ibis), નામ પ્રમાણે, રંગે સફેદ હોય છે, પરંતુ તેનું માથું પીંછાં વિનાનું તેમજ ચાંચ અને પગ કાળાં હોય છે. ચળકતી કાંકણસાર (glossy ibis) પણ હોય છે. નજીકથી તેનું નિરીક્ષણ કરવામાં આવતાં તે લીલાશ પડતા આછા કથ્થાઈ રંગની દેખાય છે. ચમચા(spoon bill)ની ચાંચ લાંબી, પાતળી, આગલા ભાગમાં પહોળી અને ચપટી હોય છે. તેના પગ કાળા હોય છે. ભારતમાં તે સર્વત્ર દેખાય છે.
નયન કે. જૈન