બક્ષિસ (gift) : મિલકતની તબદીલીનો એક પ્રકાર. મિલકતના વેચાણ (sale) અને વિનિમય(exchange)માં તબદીલી કે ફેરબદલો અવેજ સાટે થાય છે, પરંતુ બક્ષિસ દ્વારા વ્યવહારમાં માલિકીહકની ફેરબદલી વિના અવેજે થાય છે, જે કાયદેસર ગણાય છે.
બક્ષિસનો વ્યવહાર દ્વિપક્ષીય છે. કરાર કરવાને સક્ષમ વ્યક્તિ બક્ષિસ કરી શકે છે. બક્ષિસ કરનારને દાતા (donor) અને તે લેનારને આદાતા (donee) કહે છે.
વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન બક્ષિસ કરી શકે છે; એટલું જ નહિ, પરંતુ વસિયતનામું બનાવીને તેમાં બક્ષિસ આપવાની જોગવાઈ (bequeath) પણ કરી શકે છે, જે એના મૃત્યુ પછી અમલી બને છે. પ્રથમ પ્રકારનો વ્યવહાર બે જીવિત વ્યક્તિઓ વચ્ચેનો જ હોઈ શકે, જ્યારે બીજા પ્રકારમાં એવું નથી. પ્રથમનું સંચાલન મિલકત સ્વત્વાર્પણ અધિનિયમ, 1882(Transfer of Property Act, 1882)ની કલમો 122થી 129 પ્રમાણે થાય છે; જ્યારે બીજાનું સંચાલન ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 (Indian Succession Act, 1925) પ્રમાણે થાય છે.
મિલકત સ્વત્વાર્પણ અધિનિયમની કલમ 122 પ્રમાણે બક્ષિસ એટલે દાતાએ સ્વેચ્છાપૂર્વક અને અવેજ વિના આદાતાને કરેલી, અને આદાતાએ અથવા તેના વતી કોઈ અધિકૃત વ્યક્તિએ સ્વીકારેલી અમુક વિદ્યમાન જંગમ અથવા સ્થાવર મિલકતની તબદીલી (transfer). બક્ષિસ લેનારે તેનો સ્વીકાર દાતાની હયાતીમાં જ અને દાતા બક્ષિસ કરવાને સમર્થ હોય તે દરમિયાન જ કરવાનો હોય છે. આદાતા તેનો સ્વીકાર કરે તે પહેલાં દાતા જો મૃત્યુ પામે, તો બક્ષિસ રદ થાય છે. બક્ષિસ-વેરા અધિનિયમમાં આપેલી બક્ષિસની વ્યાખ્યા આથી થોડી જુદી છે.
કોઈ પણ બક્ષિસમાં જરૂરી આવશ્યક લક્ષણો આ પ્રમાણે છે : (1) દાતા, (2) આદાતા, (3) મિલકત, (4) મુક્તસંમતિ અથવા સ્વેચ્છા, (5) અવેજનો અભાવ, અને (6) બક્ષિસનો સ્વીકાર. બક્ષિસમાં જેટલું સ્વેચ્છાના તત્વનું છે તેટલું જ મહત્વ બક્ષિસના સ્વીકારનું છે.
બક્ષિસવેરા અધિનિયમ, 1958 હેઠળ દાતાએ આદાતાને આપેલી બક્ષિસનો સ્વીકાર કરવાનું તેના માટે જરૂરી નથી; તેથી તે એકપક્ષીય (unilateral) વ્યવહાર છે. મિલકત સ્વત્વાપર્ણ અધિનિયમ હેઠળ સ્વીકાર અગત્યનું અંગ હોવાથી તે વ્યવહાર દ્વિપક્ષીય (bilateral) છે. બક્ષિસવેરા અધિનિયમ હેઠળ બક્ષિસની વ્યાખ્યામાં માન્ય બક્ષિસો(deemed gifts)નો સમાવેશ કરી તેને વિસ્તૃત કરી છે.
બક્ષિસ વિદ્યમાન મિલકતની જ થઈ શકે, ભાવિમાં મળનારી અપેક્ષિત મિલકતની નહિ. બક્ષિસ બોજાયુક્ત (onerous) હોઈ શકે અથવા તો સાર્વત્રિક (universal) પણ હોઈ શકે.
બક્ષિસ કરનારે તેની તમામ મિલકત બક્ષિસ કરી હોય ત્યારે તેની સાથેના સર્વે લાભો અને જવાબદારીઓ પણ આદાતાને મળે છે. આવો આદાતા સાર્વત્રિક આદાતા અને આવી બક્ષિસને સર્વગ્રાહી બક્ષિસ કહે છે.
મૃત્યુશય્યા પર રહેલી વ્યક્તિ બક્ષિસ કરે તેને મૃત્યુ-કાલિક બક્ષિસ (donatio mortis causa) કહે છે. આવી બક્ષિસોને મિલકત સ્વત્વાર્પણ અધિનિયમ, 1882 (પ્રક. 17) લાગુ પડે નહિ. આવી બક્ષિસ જંગમ મિલકતની જ થઈ શકે. દાતા જ્યારે માંદગીમાંથી સાજો થાય અથવા તો આદાતા, દાતાની પહેલાં મૃત્યુ પામે ત્યારે આવી બક્ષિસ રદ થાય છે. આવી મરણોન્મુખ બક્ષિસમાં જંગમ મિલકતની પ્રત્યક્ષ (direct) અથવા પ્રતીકાત્મક (token) સોંપણી થવી જરૂરી છે.
મુસ્લિમ કાયદા પ્રમાણે બક્ષિસ એટલે હિબા. તેને મિલકત સ્વત્વાર્પણ અધિનિયમ લાગુ પડતો નથી. દાતાના ઇરાદાની સ્પષ્ટ અભિવ્યક્તિ, આદાતા દ્વારા તેનો સ્પષ્ટ સ્વીકાર અને તેનો કબજો મેળવી લેવો તે – એ ત્રણ તત્વો આ કાયદા હેઠળ માન્ય છે. દબાણ અથવા પ્રપંચને વશ ન હોય એવી પુખ્ત વયની અને સ્વસ્થ મનની હરકોઈ વ્યક્તિ બક્ષિસ કરી શકે. આ કાયદા પ્રમાણે દાતાની મિલકતના 2 ભાગથી વધુ મિલકતની બક્ષિસ દાતા કરી શકે નહિ એવું એક ચુકાદામાં ન્યાયાલયે ઠરાવ્યું છે. મરણોન્મુખ વ્યક્તિએ કરેલી બક્ષિસને મર્ઝ–ઉલ–મૌત (donatio mortis causa) કહે છે.
હિંદુ કાયદા હેઠળ બક્ષિસનો સ્વીકાર માનસિક રીતે, મૌખિક રીતે અને કબજાગ્રહણથી – એમ ત્રણ રીતે થઈ શકે છે. પોતાની સ્વોપાર્જિત અને આગવી મિલકતની બક્ષિસ દરેક હિંદુ કરી શકે છે; પરંતુ તેનો આ અધિકાર, તે જેનું ભરણપોષણ કરવાને બંધાયેલો છે તેમના હક-દાવાને અધીન રહે છે.
મઝિયારી મિલકતનો સહહિસ્સેદાર (coparcener) એવી મિલકતમાંના પોતાના હિતની બક્ષિસ કરી શકે કે નહિ તે વિશે મિતાક્ષર કાયદા હેઠળ બે મત છે; પરંતુ દાયભાગ કાયદા હેઠળ એમ થઈ શકે, પછી એવી મિલકત મઝિયારી હોય કે સ્વોપાર્જિત.
1956ના કાયદા પછી હિંદુ સ્ત્રી એના ધનની બક્ષિસ કરી શકે છે. એ જ પ્રમાણે પતિના મૃત્યુ બાદ તેની વિધવાને જે મિલકત પ્રાપ્ત થાય તેની તે નિરપેક્ષ માલિક બનતી હોવાથી તે તેની બક્ષિસ પણ કરી શકે.
મિલકત સ્વત્વાર્પણ અધિનિયમ અને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમની જોગવાઈઓને અધીન રહીને અજાત વ્યક્તિને પણ બક્ષિસ થઈ શકે; પરંતુ લેણદારો સાથે કપટ કરીને તેમને ટાળવા માટે કરેલી બક્ષિસ કાયદામાન્ય નથી.
ભાનુપ્રસાદ મ. ગાંધી