બકરાં
આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે. સસ્તન વર્ગના આ પાલતુ પ્રાણીનો સમાવેશ સમખુરી (artiodactyla) શ્રેણીના કૅપ્રિડે કુળમાં કરવામાં આવ્યો છે. શાસ્ત્રીય નામ છે capra hircus.
આદિ માનવે પ્રાણીઓની હેળવણીની શરૂઆત 9,000 વર્ષ પહેલાં બકરીથી કરી હશે એમ માનવામાં આવે છે. બકરાનો વેદકાળમાં હોમહવન સંદર્ભે ઉલ્લેખ થયેલ છે. આજે પણ ઘણી જાતિઓમાં માનતા-બાધા-વચન પૂરાં કરવા માટે બકરાંનું બલિદાન કુળદેવી સમક્ષ આપવામાં આવે છે. સામાન્ય માન્યતા મુજબ ઉમિયામાતાનું વાહન બોકડો (બકરો) છે. મેલડી માતાનું વાહન પણ બકરો છે.
આ પ્રાણીમાં પ્રતિકૂળ સંજોગોનો તેમજ રોગોનો પ્રતિકાર કરવાની અદભુત શક્તિ છે. વળી ઊંચી પ્રજનનક્ષમતા –વંશવૃદ્ધિ એ પણ એનું અગત્યનું લક્ષણ છે. બકરી એક વેતરે બે કે વધુ સંખ્યામાં બચ્ચાંને જન્મ આપે છે. ઉચ્ચ વર્ગના લોકો પશુધન તરીકે ગાયો કે ભેંસો પાળે છે; જ્યારે સામાન્ય વર્ગના મજૂરિયા, ગરીબ લોકો દૂધ માટે બકરી પાળે છે. બકરીને ગરીબની ગાય પણ કહેવામાં આવે છે. આ મજૂર-વર્ગના માણસો જરૂરિયાત મુજબ બકરીને દોહીને દૂધ મેળવે છે. આમ બકરી દૂધ તેમજ માંસ બંને માટેના જીવંત રેફ્રિજરેટરની ગરજ સારે છે.
બકરાંની વસ્તી અને ઉત્પાદકતા : ભારત દેશ 11.8 કરોડ બકરાંની વસ્તીના કારણે દુનિયામાં પ્રથમ નંબરે આવે છે. એ વસ્તીસંખ્યા ટકાવારીની ર્દષ્ટિએ વિશ્વની બકરાંની કુલ વસ્તીના 18.8%, એશિયા ખંડની વસ્તીના 30% થાય છે. બકરાંની વસ્તીગણતરીમાં ચીન બીજા નંબરે (11.8 કરોડ), પાકિસ્તાન ત્રીજા નંબરે (4.4 કરોડ) અને ત્યારબાદ બાંગલાદેશ (3.1 કરોડ) તથા નાઇજીરિયા (2.5 કરોડ) આવે છે.
ગુજરાતમાં 1951માં 23.2 લાખ બકરાં હતાં જે 1972માં 32 લાખ થયાં અને છેલ્લી 1992ની વસ્તીગણતરી મુજબ 42.31 લાખ બકરાં છે. ગુજરાતમાં બકરાંની વસ્તી આદિવાસી વિસ્તારમાં 16.4 લાખ, દુષ્કાળ-વિસ્તારમાં 8.8 લાખ અને રણ-વિસ્તારમાં 12.3 લાખ છે. આ બકરાંની વસ્તીમાં દૂધ આપતી બકરીઓની સંખ્યા 16 લાખ છે; જેનું સરેરાશ દૈનિક દૂધ-ઉત્પાદન બકરીદીઠ 355 ગ્રામ ગણતાં વાર્ષિક 208 લાખ કિગ્રા. જેટલું થાય છે. ભારતમાં બકરીનું કુલ દૂધ-ઉત્પાદન 22 લાખ ટન છે.
માંસ-ઉત્પાદકતાની ર્દષ્ટિએ ચીન મોખરે (550 લાખ ટન) છે. ત્યારપછી અમેરિકા (340 લાખ ટન), બ્રાઝિલ (100 લાખ ટન), રશિયા (68 લાખ ટન) અને ફ્રાન્સ (64 લાખ ટન) આવે છે. ભારતમાં બકરાં-ઘેટાંનું માંસ-ઉત્પાદન 6.4 લાખ ટન છે; જે વિશ્વની (107 લાખ ટન) ઉત્પાદકતાની સરખામણીએ ફક્ત 6% થાય છે.
સારણી 1
વાળનો પ્રકાર | તંતુનો વ્યાસ (માઇક્રૉન) | તંતુની લંબાઈ (સેમી.) | મેડ્યુલેશન (%) | તંતુની કાકર | વાળનો ચળકાટ | રંગ ચડાવવાની શક્તિ |
(અ) વાળ : | ||||||
બકરાં-દેશી | 35–60 | 10–25 | 100 | નથી | નથી | ઓછી |
મોહેર (અંગોરા) | 20–40 | 9–10 | 2.5 | નથી | વધુ હોય છે | ઘણી સારી |
પશમીના (કાશ્મીર) | 12 | 45–59 | શૂન્ય | નથી | હોય છે | ઘણી સારી |
(આ) ઊન : | ||||||
મરીનો ઘેટાં | 17–22 | 10–12 | શૂન્ય | સૌથી વધુ | નથી | ઘણી સારી |
મારવાડી ઘેટાં | 30–35 | 12–25 | 50–70 | ઓછી | હોય છે | ઓછી |
સસલાં | 17થી ઓછી | 3.5 | શૂન્ય | નથી | વધુ હોય છે | સારી |
બકરાંનાં અગત્યનાં આર્થિક ઉત્પાદનો :ગુજરાતની વાત કરીએ તો ત્યાં કુલ 28 માન્યતા પામેલ કતલખાનાં છે; જેમાં 1998માં 1.72 લાખ બકરાંની માંસ માટે કતલ કરવામાં આવી હતી.
1. વાળ : બકરાંના શરીર ઉપર ઊગતા વાળને અંગોરા બકરાંમાં મોહેર અને કાશ્મીરી બકરાંમાં પશ્મીના કહે છે. ઘેટાંના વાળને ઊન કહેવામાં આવે છે. બકરાંનાં વાળ તથા ઊનની સરખામણી સારણી 1 માં આપેલ છે.
દેશી બકરાંના બરછટ વાળ દોરડાં, બરછટ જાજમ વગેરે બનાવવામાં વપરાય છે; જ્યારે મોહેર તથા પશ્મીનાનો ઉપયોગ (1) ઊંચી કિંમતના ભારે પડદા તથા ગાદી; (2) કીમતી ડગલા તથા ધાબળા; (3) ઉનાળામાં પહેરવાનું કાપડ તથા (4) બનાવટી ચોટલા અને વાળ વગેરે બનાવવામાં થાય છે.
2. દૂધ : બકરીના દૂધનું બંધારણ તથા બીજાં જાનવરોનાં દૂધ સાથે તેની સરખામણી.
સારણી 2
ઘટક | બકરી | ઘેટી | ભેંસ | ગાય | ઘોડી |
પાણી | 86.10 | 80.90 | 81.30 | 86.50 | 89.10 |
કુલ ઘન પદાર્થ | 13.90 | 19.10 | 18.70 | 13.50 | 10.90 |
ચરબી | 4.80 | 8.60 | 6.50 | 4.80 | 1.20 |
પ્રોટીન | 3.70 | 5.20 | 3.70 | 2.80 | 2.50 |
લૅક્ટોઝ | 5.00 | 4.30 | 4.80 | 4.60 | 6.90 |
રાખ/ક્ષાર | 0.85 | 1.00 | 0.86 | 0.74 | 0.30 |
બકરીના દૂધમાં 1.5થી 6.00 માઇક્રૉન કદના નાના ચરબીના કણોનું પ્રમાણ વધુ હોવાથી પ્રાશન કરનારના પેટમાં દૂધ જામીને જે દહીં બને છે તે સાવ નરમ હોય છે અને સહેલાઈથી પચે છે. આ કારણે તે નાનાં બાળકો, વૃદ્ધો અને બીમાર માણસોને આપવા માટે પસંદ કરવામાં આવે છે. ક્ષય-રોગ, પાંડુ-રોગ, બરોળનાં દર્દો માટે તે અત્યંત ગુણકારી મનાયું છે. વૈદ્યો બકરીનું દૂધ વાપરીને દૂધવટી કરાવે છે. બકરીના દૂધમાં કુલ ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી સ્વાદે તે ખારું લાગે છે. તેમાં લોહતત્વનું પ્રમાણ ગાય-ભેંસના દૂધ કરતાં 8થી 10 ગણું વધારે હોય છે. તેવી જ રીતે જરૂરી (essential) એમીનો ઍસિડ જેવાં કે હિસ્ટિડીન અને ફીનાઇલ ઍલેનીનનું પ્રમાણ પણ વધારે હોય છે. વળી બકરીના દૂધમાં સંતૃપ્ત મેદ અમ્લો (saturated fatty acids) 67 % જેટલા હોય છે. વધુમાં બકરીના દૂધમાં વિટામિન-એ, વિટામિન-ડી, નિકોટિનિક ઍસિડ, પૅન્ટોથેનિક ઍસિડ અને કોલીનનું પ્રમાણ ગાય-ભેંસના દૂધની સરખામણીમાં વધારે હોય છે; જ્યારે વિટામિન બી-6નું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે.
બકરીના દૂધમાં એક ચોક્કસ પ્રકારની અણગમતી વાસ આવે છે, જેને અંગ્રેજીમાં gouty odour કહેવામાં આવે છે. બકરીનાં શીંગડાંનાં મૂળની નજીક કસ્તૂરી ગ્રંથિ (musk gland) આવેલી હોવાથી દૂધમાં તેની વાસ આવે છે. જો આ ગ્રંથિને શસ્ત્રક્રિયા કરી કાઢી નાખવામાં આવે અને યોગ્ય ખોરાક આપવામાં આવે તો દૂધ ગંધરહિત બની શકે છે.
માંસ : 35 કિલો વજનવાળાં બકરાંમાંથી 45 %થી 50 %ના ડ્રેસિંગ ટકાના લેખે 15.75થી 17.50 કિલો માંસ મળે છે. બકરાંની કતલ કરતા પહેલાં તેમને ભૂખ્યાં અને તરસ્યાં રાખવામાં આવે છે; તેથી જૂજ સમયમાં તેમનું આખું પાચનતંત્ર સાફ થઈ જાય છે અને માંસની ગુણવત્તા સારી મળે છે; પરંતુ વધારે દિવસો ભૂખ્યા રાખવાથી અથવા તો લાંબા સમય સુધી મુસાફરી કરાવવાથી બકરાંનું વજન ઘટે છે અને તેની માંસ-ઉત્પાદન પર વિપરીત અસર થાય છે.
સારણી 3 : માંસનું વિશ્લેષણ
ઘટક | જથ્થો |
પાણી | 74.6 %થી 77.6 % |
ચરબી | 1.0 %થી 2.8 % |
પ્રોટીન | 18.8 %થી 20.1 % |
ક્ષાર | 0.66 %થી 1.15 % |
ઊર્જા (કૅલરી/100 ગ્રામ) | 90 %થી 108 % |
લોહતત્ત્વ (મિગ્રા./100 ગ્રામ) | 6.6 %થી 12.0 % |
કૅલ્શિયમ (મિગ્રા./100 ગ્રામ) | 10.2 %થી 23 % |
ફૉસ્ફરસ (મિગ્રા./100 ગ્રામ) | 190 %થી 270 % |
થાયામીન (માઇક્રોગ્રામ/100 ગ્રામ) | 63.6 %થી 148.4 % |
નિકોટિનિક ઍસિડ (મિગ્રા./100 ગ્રામ) | 0.43 %થી 0.98 % |
એસ્કૉર્બિક ઍસિડ (મિગ્રા./100 ગ્રામ) | 0 % |
લોહીનું બંધારણ અને અંતર્ગત દ્રાવ્ય રાસાયણિક ઘટકોનું પ્રમાણ : સામાન્ય રીતે 30 કિલો વજનની બકરીમાં શરીરના 8 % લેખે કુલ 2.4 લિટર લોહી, 1.5થી 1.7 લીટર પ્લાઝ્મા અને 55થી 200 મિલી. શરીર પ્રવાહી (serum) હોય છે. આ લોહીમાં રક્તકણોની સંખ્યા 1.4 કરોડ પ્રતિ ઘનમિમી. અને કદ 4.1 માઇક્રૉન તથા હીમોગ્લોબિન 10.9% હોય છે, જ્યારે કુલ શ્વેતકણોની સંખ્યા 8,000થી 12,000 પ્રતિ ઘનમિમી. હોય છે. આ શ્વેતકણોમાં તટસ્થકણો (nutrophils) 3,200થી 3,500, લસિકાણુ 4,000 થી 4,500, એકકેન્દ્રી કણો (monocytes) 40; ઇઓસીનરાગી કણો (eosinophils) 16થી 60 અને ક્ષારકરંજી કણો (basophils) 40થી ઓછા હોય છે. પ્રતિ 100 મિલી. લોહીમાં ગ્લુકોઝ 45થી 60 મિલિગ્રામ; પ્રોટીનવિહોણું નાઇટ્રોજન 30થી 44; યૂરિયા નાઇટ્રોજન 13.28 મિલિગ્રામ હોય છે. ક્ષારતત્વોનું પ્રમાણ મિગ્રા./લિટરમાં કૅલ્શિયમ : 4.5થી 6, ફૉસ્ફેટ : 2થી 5.2, ક્લૉરાઇડ 100થી 125 હોય છે.
બકરીની કેટલીક દેહધાર્મિક ક્રિયાઓનું વૈશિષ્ટ્ય આ મુજબ છે : (1) શરીરનું તાપમાન 40° સે., (2) શ્વાસોચ્છવાસ/મિનિટ 12થી 20; (3) નાડીના ધબકારા/મિનિટદીઠ 70થી 80; (4) લોહીનું pH મૂલ્ય 7.5થી 7.50; (5) પ્રથમ આમાશયના પાણી(rumen)નું pH મૂલ્ય 7.40; (6) દૈનિક લીંડી 1.3 કિગ્રા.; (7) પાણીની જરૂરિયાત દૈનિક 4.5 લિટર.
જોકે પર્યાવરણના ફેરફારોને અધીન દેહધાર્મિક ક્રિયાઓમાં સહેજ પરિવર્તનો થાય છે.
બકરાંની આદતો અને વર્તન : બકરું સ્વભાવે આગેવાનીનો ગુણ ધરાવતું હોવાથી તથા દૂધ માટે ઘેટાપાલકો પોતાના ધણમાં ઘેટાં સાથે ચારથી પાંચ બકરાં રાખે છે. તેઓ ટોળામાં અગ્રેસર થઈ ચરવાનું ક્ષેત્ર શોધી આપે છે. ખોરાકની શોધમાં ઘણું લાંબું અંતર કાપવાની બકરાની ક્ષમતા દુષ્કાળમાં ખૂબ ઉપયોગી થાય છે. તે પોતાનો ખોરાક શોધી કાઢે છે. ગાય કે ઘેટાં ન ખાય તેવો ખોરાક પણ તે ખાઈને પચાવવાની ક્ષમતા ધરાવે છે. બકરું સામાન્ય રીતે બીજાં જાનવરોનો બગડેલો કે તેમના દ્વારા ખાતાં વધેલો ખોરાક ખાવાનું પસંદ કરતું નથી. બકરું મીઠો, ખારો અને ખાટો સ્વાદ સારી રીતે પારખી લેવાની ખાસિયત ધરાવે છે અને ગાયોની સરખામણીમાં તે કડવો ખોરાક વધારે પસંદ કરે છે. બકરું નાના નાના છોડવા કે પછી નાના નાના ઝાડ પરનાં પાન બે પગે ઊંચું થઈને ખાતું હોય છે. ઝાડનાં ડાળાં ખાવાનું તે પસંદ કરતું નથી. બકરાની ખાવાની ટેવો અને તેનું વર્તન પર્યાવરણ તેમજ ઋતુ પ્રમાણે બદલાતું હોય છે.
સારણી 4 : વજનને આધારે દૂધ, દાણ અને ઘાસચારાની જરૂરિયાત
વજન (કિગ્રા.) | દૂધ/મિલી. | દાણ | લીલો ચારો | ||
સવાર | સાંજ | (ગ્રામ) | (કિગ્રા.) | ||
2.5 | 200 | 200 | – | – | |
3.5 | 300 | 300 | 50 | સારો ચારો | |
4.0 | 300 | 300 | 100 | ખાઈ શકે તેવો | |
6.0 | 350 | 350 | 200 | – | |
8.0 | 300 | 300 | 350 | – | |
10.0 | 150 | 150 | 350 | – | |
15.0 | 100 | 100 | 350 | – | |
20.0 | – | – | 350 | 1.5 | |
30.0 | – | – | 400 | 2.5 | |
40.0 | – | – | 400 | 4.0 | |
50.0 | – | – | 500 | 5.0 | |
60.0 | – | – | 500 | 5.5 | |
70.0 | – | – | 500 | 6.0 |
બકરાનો ખોરાક : બકરાના ખોરાકનો વિચાર કરતાં ‘ઊંટ મૂકે આકડો અને બકરી મૂકે કાંકરો’ એ કહેવત તુરત જ યાદ આવે છે. બકરાં બધા પ્રકારની વનસ્પતિ ખાવાનું પસંદ કરે છે. લીમડો, શમડો, બોરડી અને આંબલી જેવી વનસ્પતિ તેઓ વધુ પ્રમાણમાં પસંદ કરે છે. પુખ્ત વયના બકરાને દરરોજ આશરે 1.4થી 2.0 કિગ્રા. સૂકો ખાદ્ય પદાર્થ (dry matter) જોઈએ છે. આ પૈકી 900થી 1,300 ગ્રા. સૂકો ચારો (પાંદડાં, ડાળખાં વગેરેનાં રૂપમાં) અને આશરે 400થી 550 ગ્રામ અન્ય વનસ્પતિ હોય છે. ચરાણની તંગી હોય ત્યાં ખાસ કરીને કસબામાં જ્યાં નાના પાયા પર બકરાં-ઉછેર થતો હોય ત્યાં ઝાડનાં પાંદડાં-પાલાને ઘેર લાવી તેની નાની પૂળીઓ બનાવી લટકાવીને કે ગમાણમાં નાખીને બકરાંને ખવડાવવામાં આવે છે.
દાણમિશ્રણમાં 13 %થી 14 % પ્રોટીન તથા 60 %થી 65 % પાચ્ય તત્વો હોવાં જોઈએ.
દાણ-મિશ્રણ જે તે વિસ્તારમાં પ્રાપ્ય અને પ્રચલિત વસ્તુઓ મિશ્ર કરીને બનાવાય છે. ઘઉંનું ભૂસું 1 ભાગ, મકાઈનો ભરડો 2 ભાગ અને શિંગનો ખોળ 1 ભાગ ભેળવી સમતોલ (મિશ્ર) દાણ બનાવી શકાય છે. બાવળિયાની શિંગો અને બોરડીનો પાલો (કાંટા કાપી કાઢી મેળવેલો) ખવડાવવામાં આવે તો દાણનું પ્રમાણ ઘટાડી શકાય છે. બકરાંનું દાણ મિશ્રણ ઘઉંનાં થૂલા જેવું સાધારણ જાડું હોવું જોઈએ. બકરાના દાણમાં કેરીની ગોટલી, દેશી બાવળના પૈડાની ચૂની, વિલાયતી બાવળના પૈડાની ચૂની, કુંવાડિયા મકાઈની રસી જેવા ઘટકોનો ઉપયોગ કરીને તેની કિંમત ઘટાડી શકાય છે. પરંતુ આમાંથી વધુમાં બે ઘટકોનો ઉપયોગ દાણ બનાવવામાં કરાય તો તે વધુ હિતાવહ છે.
ખોરાકનો થતો બગાડ અટકાવવા ને ખાઈ શકે તેટલો જ ખોરાક દરરોજ ચારેક વખત અપાય છે.
સારણી 5 : બકરાંના ખોરાકની દૈનંદિન જરૂરિયાત
બકરાંનું વજન (કિગ્રા.) | બકરાંનો વૃદ્ધિદર | સૂકી માત્રાનું ગ્રહણ (ગ્રામ) | સૂકી માત્રાનું ગ્રહણ (ટકાવારી) | પ્રોટીનની જરૂરિયાત (ગ્રામમાં) |
10 | 50 | 414 | 4.1 | 23.2 |
100 | 597 | 6.0 | 33.5 | |
150 | 781 | 7.8 | 43.8 | |
20 | 50 | 571 | 2.9 | 32.0 |
100 | 755 | 3.8 | 42.3 | |
150 | 938 | 4.7 | 52.6 | |
30 | 50 | 709 | 2.4 | 39.8 |
100 | 983 | 3.0 | 50.1 | |
150 | 1,076 | 3.6 | 60.3 | |
40 | 50 | 836 | 2.1 | 46.9 |
100 | 1,019 | 2.6 | 57.2 | |
200 | 1,203 | 3.0 | 67.5 | |
50 | 50 | 954 | 1.9 | 53.5 |
100 | 1,138 | 2.3 | 63.8 | |
200 | 1,321 | 2.6 | 74.1 | |
60 | 50 | 1,068 | 1.8 | 59.9 |
100 | 1,251 | 2.1 | 70.2 | |
200 | 1,435 | 2.4 | 80.5 |
પાણીની તંગી હોય ત્યારે ઓછા પાણીએ વધુ દિવસો સુધી બકરાં પોતાની દેહધાર્મિક ક્રિયાઓને સારી રીતે ચલાવી શકે છે. બકરાં સ્વાદ-કલિકાની મદદથી પાણીનો સ્વાદ પારખીને તે પ્રમાણે વધતા-ઓછા પ્રમાણમાં પીએ છે. એક પુખ્ત વયનું બકરું સરેરાશ દૈનિક 4થી 5 લીટર પાણી પીએ છે.
સારણી 6 : સગર્ભા બકરીની ખોરાકી જરૂરિયાત
વજન (કિગ્રા.) | સૂકી માત્રા (ગ્રામમાં) | સૂકી માત્રા (%) | પ્રોટીન (ગ્રામ) |
10 | 484 | 4.8 | 29.6 |
15 | 656 | 4.4 | 40.0 |
20 | 816 | 4.1 | 49.8 |
25 | 950 | 3.8 | 58.6 |
30 | 1104 | 3.7 | 67.4 |
35 | 1240 | 3.5 | 75.6 |
40 | 1368 | 3.4 | 83.4 |
45 | 1496 | 3.3 | 91.2 |
50 | 1620 | 3.2 | 99.8 |
55 | 1736 | 3.2 | 105.9 |
60 | 1856 | 3.1 | 113.2 |
લવારા-ઉછેર : બકરામાં થતું મરણનું પ્રમાણ ઘટાડવા લવારા-ઉછેર પર વધુ ધ્યાન આપવામાં આવે છે. ગર્ભવતી બકરી એક, બે કે કોઈક વાર ત્રણ બચ્ચાંને જન્મ આપે છે. વિયાણ પછી બકરી પોતાનાં બચ્ચાંના શરીરને ચાટી સાફ કરતી હોય છે. સંજોગોવશાત્ જો બકરી પોતાના બચ્ચાને સાફ ન કરે તો કોરા કપડા કે કંતાન વડે તેને સાફ કરવું જરૂરી હોય છે. લવારાના ડૂંટાને ટિંક્ચર આયોડીન લગાડીને તેને તેની માનું ખીરું પિવડાવવામાં આવે છે. બકરીની ઓર થોડા કલાકો(2થી 3)માં પડી જાય છે. વિયાણ સમયે માતાનું અવસાન થાય ત્યારે તે સંજોગોમાં બચ્ચાને શીશી (feeding bottle) વડે આશરે 500 ગ્રામથી 700 ગ્રામ દૂધ દિવસ દરમિયાન પિવડાવવામાં આવે છે અથવા બીજી બકરી દ્વારા તેને ધવડાવવામાં આવે છે. બચ્ચાં જ્યારે એક અઠવાડિયાની વયનાં થાય ત્યારે તેમને બકરીના દૂધના સ્થાને દૂધ-પ્રતિસ્થાપક ખોરાક પણ આપી શકાય છે. લવારાં આશરે બે અઠવાડિયાંની વયે ઘાસચારો અને દાણ ખાતાં થઈ જાય છે. લવારું સહેજ મોટું થતાં તેને પુખ્ત વયના બકરાનો ખોરાક ખવડાવવાનું શરૂ કરવામાં આવે છે. લવારાં જ્યારે 10થી 12 અઠવાડિયાંનાં થાય ત્યારે નર અને માદાને અલગ રાખવામાં આવે છે. બકરાંને કાનમાં કાપા કે છૂંદણાં પાડીને અથવા તો કાનમાં પટ્ટી પહેરાવીને ઓળખચિહ્ન આપવામાં આવે છે.
પુખ્ત વયનાં બકરાંમાં દાંતની સંખ્યા નીચે પ્રમાણે હોય છે :
સારણી 7 : પુખ્ત બકરાના દાંત
છેદક દાંત (incisor) | અગ્ર દાઢ (premolar) | દાઢ (molar) | કુલ | |
ઉપરનું જડબું | 0 | 6 | 6 | 12 |
નીચેનું જડબું | 8 | 6 | 6 | 20 |
વય પ્રમાણે છેદક દાંત નીચે પ્રમાણે વૃદ્ધિ પામેલા હોય છે :
સંવર્ધન માટે જરૂરી ન હોય તેવા નર લવારાની બેથી ચાર અઠવાડિયાંની વય થતાં બડીઝો ચીપિયાથી ખસી કરવામાં આવે છે અને માંસ-ઉત્પાદન માટે તેનો ઉછેર કરી તેનું વેચાણ કરવામાં આવે છે.
પસંદગી-પાત્ર બકરાંનું વેચાણ : જુદા જુદા વિસ્તાર અને પ્રદેશોમાં અઠવાડિયાના કોઈ એક મુકરર કરેલા દિવસે નાનાંમોટાં સૌ બકરાંની ખરીદી અને તેમનું વેચાણ થતું હોય છે. મોટા બકરાની ખરીદી અને પસંદગી જો સંવર્ધનહેતુથી કરવામાં આવે તો બકરાપાલકો આ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપે છે : (1) મૂળ ઓલાદ પ્રમાણેની શિંગની રચના, (2) શારીરિક બાંધો અને ઊંચાઈ. (3) પગનું સીધાપણું કે વાંકાપણું, (4) બકરાની વય (જે દાંતની સંખ્યા પરથી નક્કી થતી હોય છે); (5) દુધાળ બકરીનું બાવલું, આંચળનો વિકાસ તથા દૂધ-ઉત્પાદકતા.
લવારાની ખરીદી માંસ-ઉત્પાદનના હેતુથી કરતી વખતે બકરાને પૂંઠના ભાગથી ઊંચું કરી તેના વજનનો અંદાજ મેળવવામાં આવતો હોય છે. વળી બકરાના થાપાનો ભાગ, પૂંછડી અને ખભાના આગળના ભાગને પણ દબાવવાથી વજનનો અંદાજ કાઢવામાં આવે છે. હાલમાં 10થી 12 કિલોના વજનના લવારાની કિંમત અંદાજે રૂ. 500થી 600 સુધી, જ્યારે પુખ્ત વયની બકરીની કિંમત રૂ. 1,000થી 1,500 સુધીની હોય છે.
પ્રજનન અને સંવર્ધન : બાર માસથી અઢાર માસની ઉંમરે માદા લવારું ઋતુમાં આવે છે. બકરી ઋતુ અનુસાર પ્રજનેતા (seasonal breeder) હોય છે. બકરીઓ સામાન્યપણે એપ્રિલના બીજા પખવાડિયાથી જૂનના અંત સુધી વધુ ગરમીમાં (ઋતુ) હોય છે. દિવસ લાંબો હોય (મે-જૂન) ત્યારે બકરીઓ વધુ સમય સુધી ઋતુમાં હોય છે. દિવસ અને રાત્રિના ગાળામાં ખાસ ફેર ન હોય તેવા પ્રદેશોમાં બકરીઓ આખું વર્ષ ઋતુમાં આવતી હોય છે.
બકરીઓને એપ્રિલના બીજા પખવાડિયાથી મેના અંત સુધીમાં ફેળવવામાં આવે છે. બકરીઓને ફેળવવાના પંદર દિવસ અગાઉ વધુ દાણ-મિશ્રણ અને સારો ચારો ખવડાવવામાં આવે છે. આમ કરવાથી બકરીઓ વધુ સારી રીતે ગરમીમાં આવી શકે છે. ફૂલસિંગ કરવાથી લગભગ બધી જ બકરીઓ ટૂંકા ગાળામાં ગાભણી થાય છે અને તેમનું વિયાણ પણ ટૂંકા ગાળામાં સંપૂર્ણ થતાં બચ્ચાની માવજતમાં સરળતા અનુભવાય છે. સારી માવજતને લીધે મરણનું પ્રમાણ ઘટે છે અને વૃદ્ધિનો દર વધે છે.
સામાન્ય રીતે બકરી 24થી 48 કલાક સુધી વેતરમાં રહેતી હોય છે. આથી બકરીઓને 24 કલાકના અંતરે બે વખત ફેળવવાથી ગર્ભધારણ કરવાની શક્યતાઓ વધે છે. બકરી વેતરમાં છે કે કેમ તે નક્કી કરવા માટે બકરીઓના ટોળામાં (એટલે કે વૅસેક્ટોમી કરીને) નરને શુક્રવાહક નલિકાને કાપીને અથવા એપ્રોન પહેરાવીને (પેટ ઉપર કપડું બાંધીને) છૂટો મૂકવામાં આવે છે. બકરીના પાછળના ભાગને સૂંઘી વેતરમાં આવેલી બકરીને નક્કી કરી આપે છે. સાથે સાથે બકરી વેતરમાં આવે છે ત્યારે વારંવાર તે પોતાની પૂંછડી હલાવતી હોય છે. વારંવાર અટકી અટકીને પેશાબ કરતી હોય છે અને લીવાલી બકરાની પાછળ પાછળ ફરતી હોય છે. એક વાર વેતરમાં આવી ગયેલી બકરી ગર્ભ ધારણ ન કરે તો 18થી 21 દિવસ પછી તે ફરીથી વેતરમાં આવે છે. આમ એક ઋતુમાં બકરી બેથી ત્રણ વખત વેતરમાં–ગરમીમાં આવે છે. પ્રથમ વિયાણ 2થી 2½ વર્ષની વયે થાય છે અને સામાન્યપણે દર 100 બકરીઓ દીઠ સરેરાશ 120થી 160 બચ્ચાં મળે છે.
બકરીઓ વિયાય ત્યારે તેમને તથા તેમનાં બચ્ચાંને મબલખ ચરવાનું મળે તે જરૂરી છે. વળી બચ્ચાના ઉછેર માટે ઋતુગત અનુકૂળતા પણ જાળવવી જોઈએ. એમ થાય તો લવારાંનો મૃત્યુદર ઘટે છે. જ્યારે પૂરતો ખોરાક સહેલાઈથી મળે ત્યારે બકરીના દૂધનું ઉત્પાદન વધુ થાય છે અને આથી બચ્ચાંની શારીરિક વૃદ્ધિ પણ સારી રીતે થતી હોય છે. સારી માવજત અને સંભાળથી બકરી આશરે 12 વર્ષ જીવે છે અને સરેરાશ 10 વેતર દૂધ આપે છે.
વાલી પુખ્ત બકરો એક સાથે એક મિલી. વીર્યનું સ્ખલન કરે છે. જેમાં કુલ 300 કરોડ જેટલા શુક્રકોષો હોય છે. આ વીર્યનો આમ્લતા આંક (pH) 6.8 હોય છે. વીર્યમાં દર 100 મિલી.ના જથ્થામાં 250 મિગ્રા. ફ્રુક્ટોઝ, 90 મિગ્રા. પોટૅશિયમ, 100 મિગ્રા. સોડિયમ, 92 મિગ્રા. સૉર્બિટૉલ તથા કૅલ્શિયમ, ફૉસ્ફરસ વગેરે જેવા ક્ષારો અને અમ્લો હોય છે. પુખ્ત ઉંમરના સ્વસ્થ તંદુરસ્ત બકરા પાસેથી એક અઠવાડિયામાં 6થી 24 વખત પ્રજનન-પ્રક્રિયામાં મદદ લઈ શકાય છે. સંવર્ધન માટે સામાન્ય રીતે 40થી 80 બકરીઓ દીઠ એક બકરો રાખવો હિતાવહ છે. અન્ય નર પ્રાણીઓની તુલનામાં બકરામાં પોતાનું શિશ્ન ચાટવાની (masturbation) તથા મોં અને ખભા પર પેશાબ છાંટવાની તેમજ પીવાની કુટેવ વધારે જોવા મળે છે.
ખોરાક અને ગરમીની સીધી અસર દેશી વાલી બકરાની સંવર્ધન-શક્તિ ઉપર પડતી જોવા મળેલ છે. વધુપડતા ગરમીના દિવસોમાં 43° સે. તાપમાનવાળા ઉનાળામાં હંગામી ધોરણે નરમાં નપુંસકતા આવી જાય છે. પરંતુ સારા વાલી-ઘર અને ખોરાક-માવજતથી આ નપુંસકતા નિવારી શકાય છે.
બકરા-પાલન માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ : (1) ચરિયાણ-ગોચર, (2) અર્ધઘનિષ્ઠ પદ્ધતિ, (3) ઘનિષ્ઠ પદ્ધતિ અને (4) ટ્રાન્સુમન્સ શેરડી-શેવરી ચરાણ ઉછેર પદ્ધતિ. આ ચાર પદ્ધતિઓથી બકરા-પાલન નાના તેમજ મોટા પાયા પર કરી શકાય છે.
(અ) નાના પાયા પર બકરા-પાલન : ગાય, ભેંસ જેવાં મોટાં પ્રાણીઓ રાખવા અશક્તિમાન ગામડાના ગરીબ મજૂરવર્ગના માણસો તેમના કુટુંબની દૂધની જરૂરિયાત પૂરી કરવા એકાદ-બે બકરી પાળે છે; આ લોકો બકરીને સામાન્ય રીતે ઝાડનાં પાંદડાં, ખેતરના શેઢાનું ઘાસ, ઘઉંનું ભૂસું, શાકભાજીનાં ફોતરાં વગેરે ખવડાવી નભાવે છે. વળી જ્યારે ખેતરોમાં કામ કરવા જાય ત્યારે બકરાંને વાડવેલા ખવડાવે છે. આ રીતથી પોષણ પૂરતા પ્રમાણમાં મળવાની શક્યતા ઘણી ઓછી રહે છે. તેથી વધુ દૂધ મેળવવું મુશ્કેલ થાય છે. તેથી બકરાં પાળનારાઓ બકરીનાં બચ્ચાંને માંસ માટે વેચીને આવક કરતા હોય છે.
(આ) મોટા પાયા પર બકરા-પાલન : મોટા ટોળામાં બકરી-પાલન નદીકાંઠાનાં કોતરોમાં, ડુંગરાળ અને ખડકાળ સપાટ પ્રદેશોમાં જ્યાં જમીન પડતર હોય ત્યાં તથા જ્યાં ગાયો જેવાં મોટાં ઢોર નભાવી શકાય તેમ ન હોય તેવા વિસ્તારોમાં કરવામાં આવે છે. ખાસ કરીને ભટકતી જાતિના ભરવાડ લોકો, બકરીનાં મોટાં ટોળાં રાખે છે અને દૂધ તથા બકરીના વેચાણમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. સામાન્ય રીતે આ લોકો તેમનાં બકરાં સંપૂર્ણપણે ચરિયાણ ઉપર જ નભાવે છે. જોકે એકલા ચરિયાણમાંથી પૂરતું પોષણ મળતું નથી અને તેથી દૂધ-ઉત્પાદન ઘણું જ ઓછું થાય છે, અને માંસની ગુણવત્તા પણ જોઈએ તેટલી સારી રહેતી હોતી નથી.
(ઇ) ઘનિષ્ઠ પદ્ધતિથી બકરાં-ઉછેર : ચરાણ જમીન દિવસે-દિવસે માનવવસ્તી તથા ઉદ્યોગોના કારણે ઘટતી જાય છે. વળી ચરાણની ગુણવત્તા પણ પશુધનને લીધે ઘટે છે. તેમ છતાં બકરા-પાલનથી મળતા માંસની કિંમત જોતાં બકરા-પાલન અર્થક્ષમ–નફાકારક વ્યવસાય જણાય છે. આ બકરા-પાલન ઘનિષ્ઠ પદ્ધતિથી કરવામાં આવે તો ઉપર દર્શાવેલા પ્રશ્નનો સારી રીતે ઉકેલ કરી શકાય તેમ છે. થોડી જમીનમાં વધુ સંખ્યામાં ઘનિષ્ઠ પદ્ધતિથી બકરા-પાલન થઈ શકે છે. જરૂર પડતો લીલો ચારો ફાર્મની આજુબાજુ વૃક્ષો તેમજ ઘાસચારાના પાક ઉગાડીને મેળવી શકાય છે. સૂકો ચારો અને દાણ પોષણક્ષમ ભાવે ખવડાવતાં આ વ્યવસાય નફાકારક બને છે.
હાલમાં બકરા-પાલન સામાજિક માળખાના એક અંગભૂત વિભાગ તરીકે વિકસી રહેલ છે. બકરાંનું સંખ્યાપ્રમાણ મર્યાદિત હોય તો તેની સાથે અન્ય વ્યવસાયોનું આયોજન પણ કરી શકાય. ડાંગરની ખેતી અથવા તો મત્સ્યઉછેર સાથે બકરા-પાલન કરી શકાય છે. નાળિયેર, રબર, ખજૂરી, સફરજન જેવી ઉદ્યાન-કૃષિ (horticulture) કરતાં ફૂલછોડ સાથે બગીચામાં ઘાસપાલો વગેરે ઉગાડીને બકરા-પાલન થઈ શકે છે અને તે આર્થિક રીતે ફાયદાકારક રહે છે.
બકરા-ઘર (goat house) : મોટા પાયા પર બકરા-પાલન માટે બકરા-ઘર બાંધવાના સમયે ધ્યાનમાં રાખવાના કેટલાક મુદ્દાઓ :
(1) બકરા-ઘરની જગ્યા આજુબાજુની જગ્યાથી સહેજ ઊંચી હોવી જોઈએ, જેથી પાણીનો નિકાલ સારી રીતે થઈ શકે.
(2) ધંધાકીય ઉછેરમાં જગ્યા મુખ્ય માર્ગથી થોડે દૂર પણ આંતરિક માર્ગ સાથે સંકળાયેલી હોવી જોઈએ.
(3) મકાનોની દિશા એવી રાખવી જોઈએ કે જેથી સવારના સૂર્યપ્રકાશનો લાભ વધુમાં વધુ લઈ શકાય.
(4) બની શકે તેટલાં ઝાડ ઉછેરી કુદરતી ઠંડક વધારવી જોઈએ.
(5) છાપરું સાદા વાંસનું કે ઍઝબેસ્ટૉસ શીટનું પણ બનાવી શકાય છે.
બકરા-ફાર્મ પર મકાનની જરૂરિયાત નીચે મુજબની હોય છે : (1) વાલી બકરાનો વાડો, (2) બકરીનો વાડો, (3) સૂકા ઘાસચારાનો કોઠાર, (4) દાણનો કોઠાર, (5) મોટાં લવારાંનો વાડો, (6) નાનાં લવારાંનો વાડો, (7) વિયાણઘર, (8) દુધાળી બકરીઓનો વાડો, (9) પાણીની કૂંડી અને (10) કાર્યાલય.
સારણી 8 : મકાનના ભોંયતળિયા, ગમાણ અને હવાડા માટેની જગ્યાની ફાળવણી
બકરાંનો પ્રકાર | ભોંયતળિયું (ચોમી.) | ગમાણ/પાણીના હવાડાની જગ્યા (સેમી.) |
(અ) પુખ્ત બકરાં | 1.0 | 40થી 50 |
(બ) લવારાં | 0.4 | 30થી 35 |
(ક) વાલી બકરાં | 3.4 | 40થી 50 |
બકરાની ઓલાદો : ભારતના હિમાચલ પ્રદેશમાં જંગલી બકરાની જાત જોવા મળે છે. તે ‘થાર’ના નામે ઓળખાય છે. આ બકરાને માથે મોટાં શિંગડાં તથા ગરદનથી પગ સુધી લાંબા લટકતા વાળ હોય છે. માદા બકરીને ચાર આંચળ હોય છે. આ જ રીતે દક્ષિણ ભારતમાં નીલગિરિ પર્વતમાળામાં જંગલી બકરાં ‘વરૈય આહ’ નામે ઓળખાય છે.
1. સૂરતી : મૂળ વતન અરબસ્તાન/ઇરાક. હાલનું રહેઠાણ : સૂરત જિલ્લો. શારીરિક લક્ષણો : રંગ સફેદ, શિંગડાં તદ્દન નાનાં, કાન પાતળા અને નાના, વાળ ટૂંકા, માથું નાનું. દૂધ-ઉત્પાદન : 11 કિલો/પ્રતિ દિન; પ્રજનનક્ષમતા : બેથી ત્રણ બચ્ચાં, વજન (કિલો) નર 50થી 60, માદા 40.
2. જમનાપારી : મૂળ વતન જમના, ગંગા અને ચંબલનો વિસ્તાર ; હાલનું રહેઠાણ : ઉત્તરપ્રદેશ. ઇટાવાહ જિલ્લો; શારીરિક લક્ષણો : રંગ સફેદ અને કથ્થાઈ, નાક લાંબું અને રોમન; કાન 30થી 35 સે.મી. લાંબા; શિંગડાં ઊભાં અને સ્ક્રૂના જેવાં; કપાળ પર સુંદર વાળ-ગુચ્છ. બકરાને દાઢી. દૂધ-ઉત્પાદન : 1.5થી 3.5 કિલો/પ્રતિ દિન (6 માસ સુધી). વજન (કિલો) : માદા 36થી 40; નર 70થી 75.
3. ઝાલાવાડી : મૂળ વતન સૌરાષ્ટ્ર, હાલનું રહેઠાણ : વઢિયાર; શારીરિક લક્ષણો : રંગ કાળો. કેટલીક વખત સફેદ ધાબાં, કાન મોટા, લબડતા અને સફેદ ટપકાંવાળા, શિંગડાં ઊભાં અને સ્ક્રૂની માફક વળ લેતાં, ગળા ઉપર સ્તન (અજાગલ), વાળ 10થી 15 સેમી. લાંબા. વજન (કિલો) : માદા 40થી 45; નર 60થી 70
4. મારવાડી : મૂળ વતન : રાજસ્થાન. હાલનું રહેઠાણ : મારવાડ પ્રદેશ. શારીરિક લક્ષણો : રંગ કાળો, મધ્યમ બાંધો, કાન પહોળા અને લબડતા; વજન (કિલો) : માદા 40થી 45; નર 50થી 55.
5. બારબેરી : મૂળ વતન નાઇલ નદીનો તટ; હાલનું રહેઠાણ : અલીગઢ, દિલ્હી, પંજાબ; શારીરિક લક્ષણો : રંગ લાલ અથવા કથ્થાઈ ટપકાં સાથે સફેદ, પગ ટૂંકા, બાવલું મોટું; દૂધ-ઉત્પાદન કિલો 1થી 1.5 પ્રતિદિન; પ્રજનનક્ષમતા : બેથી ત્રણ બચ્ચાં; વજન (કિલો) : માદા 30થી 35, નર 40થી 45.
6. બ્લૅક બેંગૉલ : મૂળ વતન બંગાળ; હાલનું રહેઠાણ : બંગાળ; શારીરિક લક્ષણો : રંગ કાળો; કાન ઊભા, પગ ટૂંકા; ઉત્પાદનક્ષમતા : ઉત્તમ કોટિનું માંસ તથા ઉત્તમ કક્ષાનું ચામડું; પ્રજનનક્ષમતા : બેથી ત્રણ બચ્ચાં અને કેટલીક વાર ચાર બચ્ચાં.
7. બીટલ : મૂળ વતન : પંજાબ, સિયાલકોટ, જેલમ; શારીરિક લક્ષણો : રંગ-લાલ અથવા કથ્થાઈ, કાન લાંબા, નાક રોમન, શિંગડાં સ્ક્રૂવાળાં ઊભાં અને સીધાં. નર બકરાને દાઢી જ્યારે માદા દાઢી વગરની, બાંધો જમનાપરી કરતાં નાનો. દૂધ-ઉત્પાદન : 1.8 લિટર પ્રતિ દિન.
8. સિરોહી : મૂળ વતન બનાસકાંઠા; શારીરિક લક્ષણો : રંગ સફેદ અથવા લાલ.
9. મહેસાણી : મૂળ વતન : મહેસાણા; શારીરિક લક્ષણો : કાન સફેદ અને કાળાં ટપકાંવાળા. કેટલીક વખત સફેદ કાન પણ હોય છે. દાઢી પર વાળનો ગુચ્છો. વજન (કિલો) : નર 50થી 60; માદા 40.
10. કાશ્મીરી : મૂળ વતન કાશ્મીર; શારીરિક લક્ષણો : રંગ સફેદ અથવા કાબરો; કાન લાંબા, શિંગડાં મોટાં અને પાછળની બાજુ વળેલાં, વાળ રેશમ જેવા અને 10થી 12 સેમી. લાંબા, મુલાયમ; ઉપયોગ : મુલાયમ અને એકદમ ગરમ શાલ બનાવવામાં તેના વાળ વપરાય છે. ઊનનું ઉત્પાદન ઋતુદીઠ 80થી 100 ગ્રામ.
પરદેશી ઓલાદો :
ટોગનબર્ગ : મૂળ વતન સ્વિટ્ઝર્લૅન્ડની ટોગનબર્ગની ખીણ. શારીરિક લક્ષણો : રંગ આછો ભૂખરો અથવા ચૉકલેટી; કાન સફેદ, પણ અંદરથી કાળા, નાના, ટટ્ટાર અને આગળપડતા, આંખથી નાક સુધી બંને બાજુએ સફેદ રંગ, ઢીંચણથી ખરી સુધી સફેદ રંગ, પૂંછડીની બંને બાજુએ સફેદ રંગ; દૂધ-ઉત્પાદન (કિગ્રા.) : 1,000થી 1,400/વેતર, 5થી 6 કિલો/પ્રતિ દિન. વજન (કિલો) : માદા 60, નર 70થી 75.
સાનેન : મૂળ વતન : સ્વિટ્ઝર્લૅન્ડની સાનેન ખીણ. શારીરિક લક્ષણો : રંગ સફેદ અથવા મલાઈ જેવો પીળાશપડતો. દૂધ-ઉત્પાદન : બીજી જાતો કરતાં લાંબો વખત સુધી દૂધ આપે છે. 2થી 5 કિલો/પ્રતિ દિન. વજન (કિલો) : માદા 60; નર 85; દૂઝણાના દિવસ : 10 માસ.
ન્યુબિયન : મૂળ વતન ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા. શારીરિક લક્ષણો : રંગ કાળો, લાલ અથવા કથ્થાઈ, પગ લાંબા, કાન લાંબા અને લબડતા, બાવલું લબડતું અને આંચળ લાંબા. દૂધ-ઉત્પાદન : 6.6 કિલો/પ્રતિ દિન.
અંગોરા : મૂળ વતન તુર્કસ્તાનનો અંગોરા જિલ્લો. શારીરિક લક્ષણો : રંગ સફેદ, માથાથી ખરી સુધી સફેદ વાળ, આંખો વાળથી ઢંકાયેલી, શિંગડાં વળાંકવાળાં અને વાળ 30 સેમી. લાંબા, કાન લાંબા અને લબડતા. ઉત્પાદન : સુંદર, મુલાયમ વાળના ઉત્પાદન માટે પ્રસિદ્ધ, મોહેર તાંતણા મજબૂત હોય છે. તેથી ઊન સાથે મજબૂત કપડું વણવામાં તે વપરાય છે. ઊનનું ઉત્પાદન વર્ષદીઠ 1.7 થી 2.9 કિગ્રા.
કાશ્મીરી : મૂળ વતન : કાશ્મીર. શારીરિક લક્ષણો : રંગ સફેદ અથવા કાબરો, કાન લાંબા, શિંગડાં મોટાં અને પાછળની બાજુ વળેલાં, વાળ-રેશમ જેવા અને 10થી 12 સેમી. લાંબા મુલાયમ. ઉપયોગ : મુલાયમ અને એકદમ ગરમ શાલ બનાવવામાં તેના વાળ વપરાય છે. ઊનનું ઉત્પાદન ઋતુદીઠ 80થી 100 ગ્રામ.
વેચાણ-વ્યવસ્થા : નવું ફાર્મ ચાલુ કરવા માટે સંશોધનફાર્મ પરથી પુખ્ત બકરીઓ તથા મોટાં માદા લવારાં ખરીદ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાત સહિત ભારતમાં બકરા-પાલનનો વ્યવસાય રબારી તથા ભરવાડ જેવી વિચરતી જાતિઓ કરતી હોવાથી શહેરમાં જે–તે વારે ભરાતા પ્રાણી-વેચાણના હાટમાં જઈ તેમનું સીધું ખરીદ-વેચાણ કરવામાં આવે છે. ખરીદનાર મોટા ભાગે માંસ માટે ખરીદતા હોવાથી અંગૂઠો અને પહેલી આંગળીની મદદથી પૂંઠથી પકડીને ઊંચા કરી વજનનો અંદાજ લગાવે છે. શારીરિક સ્થિતિ જોઈને મળનાર માંસની ગણતરી કરી તેની કિંમત નક્કી કરે છે.
પરિવહન : બકરાંની હેરફેર ત્રણ રીતે કરવામાં આવે છે : (1) જમીન રસ્તે ચલાવીને, રેલવે અથવા તો ખટારા દ્વારા; (2) દરિયાઈ માર્ગે અને (3) હવાઈ માર્ગે.
બકરાંને રોજના 6થી 8 કિમી.થી વધુ ચલાવાતાં નથી. મુસાફરી દરમિયાન ખોરાક-પાણી માટે મુકરર સ્થળોએ સવલતો હોવી જરૂરી છે. ઉનાળામાં રાત્રિ દરમિયાન કે વહેલી સવારે તેમને ચલાવવામાં આવે છે.
રેલવે કે ખટારા મારફતે હેરફેર દરમિયાન એક પુખ્ત બકરાદીઠ 0.25 ચોમી.ની જગ્યા આપવી જરૂરી હોય છે.
પાંચ ટન ક્ષમતાવાળા ખટારામાં એક સાથે 40 જેટલાં બકરાં લઈ જઈ શકાય. મુસાફરી દરમિયાન ખટારો એક કલાકના 32 કિમી.ની ઝડપે ચલાવવો તેમના સ્વાસ્થ્યના સંદર્ભમાં હિતાવહ ગણાય છે.
દરિયાઈ અને હવાઈ વાહનો બકરાં પરદેશથી લાવવા અથવા મોકલવા માટે ઉપયોગી નીવડે છે. તેમાં નક્કી કરેલા ધોરણવાળા વહાણ તથા વિમાનનો જ ઉપયોગ થાય છે.
સારણી 9 : ભારતમાં આવેલાં બકરાં સંશોધન–કેન્દ્રો
1. | રાષ્ટ્રીય બકરાં સંશોધન-કેન્દ્ર મકદુમ, મથુરા | જમનાપરી, આલ્પાઇન |
2. | રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા કર્નાલ, હરિયાણા | બીટલ, સાનેન, આલ્પાઇન |
3. | આર. બી. એસ. કૉલેજ બીચપુરી, આગ્રા, ઉ.પ્રદેશ | બારબરી, બીટલ, બ્લૅક બેંગૉલ |
4. | વેટરનરી કૉલેજ, રાજેન્દ્ર કૃષિ યુનિવર્સિટી, રાંચી, મ.પ્રદેશ | જમનાપુરી, બ્લૅક બેંગૉલ |
5. | મધ્યસ્થ ઘેટાં અને ઊન-સંશોધન સંસ્થા, અવિકાનગર, રાજસ્થાન | બીટલ, મારવાડી સિરોહી |
6. | વેટરનરી કૉલેજ, આસામ કૃષિ યુનિવર્સિટી, ગુવાહાટી, આસામ | આસામ હિલ |
7. | ઍનિમલ સાયન્સ વિભાગ, સેન્ટ્રલ ઍરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જોધપુર, રાજસ્થાન | મારવાડી, પુર–બસબરા |
8. | બકરાં સંશોધન-કેન્દ્ર, મોરબી, ગુજરાત | ઝાલાવાડી |
9. | વેટરનરી કૉલેજ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ કૅમ્પસ, આણંદ | સુરતી, મારવાડી |
કિશનકુમાર ન. વાધવાણી
અરવિંદકુમાર જ. પંડ્યા
અશોકભાઈ પટેલ