બંદીર આત્મકથા

January, 2000

બંદીર આત્મકથા : ઊડિયા કૃતિ. તેના કર્તા ઓરિસાના સંતકવિ ગોપબંધુ દાસ (1877–1928) ભક્તકવિ અને સ્વાતંત્ર્યસેનાની હતા. એક તરફ એ જેમ ઈશ્વરભક્તિ તરફ વળેલા હતા તેમ બીજી તરફ ગાંધીજીના પ્રભાવથી એ અસહકારના આંદોલનમાં પણ સક્રિય હતા. 1922થી 1925 સુધી એમણે જેલવાસ ભોગવેલો. એમને કટકની જેલમાંથી બિહારની હજારીબાગની જેલમાં લઈ જતા હતા તે વખતે અને પછી જેલમાં જે જોયું, અનુભવ્યું તેનું એમણે ‘બંદીર આત્મકથા’માં કાવ્યબદ્ધ રીતે નિરૂપણ કર્યું છે. રાષ્ટ્રપ્રેમ વિશેનું આ શ્રેષ્ઠ ઊડિયા કાવ્ય મનાય છે. એમાં માત્ર જેલના અનુભવો જ નથી, પણ સાથે સાથે, એક વર્ષ ઓરિસાની જેલમાં રહી એમને બિહાર લઈ જતી વખતે એકાંતવાસમાંથી બહારની દુનિયા જોઈ, તેના પ્રતિભાવો વિવિધ રીતે કાવ્યમાં નિરૂપ્યા છે. આમ એમાં મનોજગત અને બાહ્ય જગત બંનેનું નિરૂપણ છે. એમાં એમની ઈશ્વરભક્તિનાં પણ દર્શન થાય છે.

ચન્દ્રકાન્ત મહેતા