બંડારનાયક, સિરિમાવો (જ. 1916, બેલનગોડા, દક્ષિણ શ્રીલંકા) : શ્રીલંકાનાં વડાપ્રધાન. એમના પતિ સૉલોમન બંડારનાયક શ્રીલંકાના અગ્રણી રાજકીય નેતા તથા 1956થી 1959 સુધી શ્રીલંકાના વડાપ્રધાન હતા. 1959માં તેમની હત્યા થઈ તે પછી સિરિમાવો બંડારનાયકને રાજકારણનો અનુભવ ન હતો, છતાં તેમને તેમના પતિના રાજકીય પક્ષ શ્રીલંકા ફ્રીડમ પાર્ટીનાં પ્રમુખ બનાવવામાં આવ્યાં.
1960માં તેઓ શ્રીલંકાનાં વડાંપ્રધાન બનતાં શ્રીલંકાનાં અને વિશ્વનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં. એમણે વડાંપ્રધાન તરીકે 1960થી 1965 સુધી કામ કર્યું. આ વર્ષો દરમિયાન એમણે પતિની સમાજવાદી નીતિઓ અને કાર્યક્રમોને અમલમાં મૂક્યાં, કેટલાક ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કર્યું, સામ્યવાદી અને બિનસામ્યવાદી એમ બંને પ્રકારના દેશો સાથેના વ્યવહારમાં તટસ્થતાની વિદેશનીતિ અપનાવી.
1965ની સામાન્ય ચૂંટણીમાં પરાજય થયો; પરંતુ 1970ની ચૂંટણીમાં વિજય મેળવીને તેઓ ફરીથી વડાંપ્રધાન બન્યાં. 1977 સુધી તેઓ એ પદ પર રહ્યાં. એ પછીની ચૂંટણીમાં બંધારણીય સુધારો કરીને વડાપ્રધાનને બદલે પ્રમુખને રાષ્ટ્રના વડાનું પદ આપ્યું. 1994ની ચૂંટણીમાં બહુમતી મેળવીને તેઓ પુન: વડાંપ્રધાન બન્યાં અને એમનાં પુત્રી ચંદ્રિકા બંડારનાયક (કુમારતુંગા) શ્રીલંકાનાં પ્રમુખ બન્યાં. છેલ્લા પાંચ દશકાના શ્રીલંકાના રાજકારણમાં એમનું અને એમના પરિવારનું પ્રદાન મહત્વનું છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી