ફ્લેહર્ટી, રૉબર્ટ જે. (જ. 16 ફેબ્રુઆરી 1886, આયર્ન માઉન્ટેન, મિશિગન; અ. 1951, મિશિગન) : દસ્તાવેજી ચલચિત્રોના પિતામહ ગણાતા રૉબર્ટ ફ્લેહર્ટીના પિતા લોખંડની ખાણમાં કામ કરતા હતા. તેમણે સોનું શોધવાની પ્રવૃત્તિમાં ઝંપલાવતાં દૂરસુદૂરના પ્રદેશોમાં રૉબર્ટનું બાળપણ વીત્યું હતું. તેને કારણે જ વિષમ કુદરતી સંજોગોમાં જીવતી પ્રજાના જીવનને જાણવા-સમજવામાં તેમનો રસ વધતો ગયો. 1910થી 1916 દરમિયાન તેમણે ખાસ કરીને હડસન ઉપસાગરના પ્રદેશની આસપાસ એસ્કિમો પ્રજા વચ્ચે ભ્રમણ કર્યું. 1913માં તેઓ પોતાની સાથે મૂવી કૅમેરા લઈ ગયા. તેમનો ઇરાદો એસ્કિમો લોકોના જીવન વિશેની ફિલ્મ બનાવીને તે વેચીને થોડો ખર્ચ કાઢવાનો હતો; પણ અકસ્માતે લાગેલી આગમાં 10,668 મીટરની નેગૅટિવ ખાખ થઈ ગઈ. જે ભાગ બચાવી શકાયો એ તેમણે પ્રદર્શિત કર્યો પણ લોકોએ તેમાં ખાસ રસ લીધો નહિ. એ વખતે તેમને વ્યવસ્થિત રીતે એસ્કિમોના જીવનનું દસ્તાવેજીકરણ કરવાનો વિચાર આવ્યો. એક ફ્રેન્ચ કંપનીની આર્થિક સહાય અને પૂરતી તૈયારીઓ સાથે 1920માં તેઓ ફરી એસ્કિમો વચ્ચે પહોંચ્યા અને જે દસ્તાવેજી ચિત્ર તૈયાર થયું તે ‘નાનૂક ઑવ્ ધ નૉર્થ’ ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નસમું બની ગયું. આ ચિત્રે તેમને દુનિયાભરમાં પ્રતિષ્ઠા અપાવી; વ્યાવસાયિક સફળતા પણ મળી. ચિત્રમાં એક એસ્કિમો પરિવારના જીવનસંઘર્ષનું નિરૂપણ કરાયું છે.
એ પછી ખ્યાતનામ પૅરેમાઉન્ટ સ્ટુડિયોએ આર્થિક સહાય અને સુવિધાઓ પૂરી પાડતાં 20 મહિના બાદ ફ્લેહર્ટીએ ‘પૉલિનેશિયન’ આદિવાસીઓના જીવનને કચકડે કંડાર્યું. ટૅકનિક અને નિરૂપણની ર્દષ્ટિએ આ ચિત્ર ‘નાનૂક’ કરતાં વધુ ચઢિયાતું હતું, જેણે આ ક્ષેત્રે ફ્લેહર્ટીની ખ્યાતિ અનેકગણી વધારી દીધી. આ ચિત્રને જોકે વ્યાવસાયિક સફળતા નહોતી મળી.
ખ્યાતનામ સ્ટુડિયો એમજીએમ દ્વારા ફ્લેહર્ટીને દિગ્દર્શક વિલાર્ડ એસ. વાનડાઇક સાથે એક ચિત્ર ‘વ્હાઇટ શેડોઝ ઑવ્ ધ સાઉથ સીઝ’ના સહદિગ્દર્શન માટે નિમંત્રણ અપાયું. કામ શરૂ થયું પણ મોટા કલાકારોનાં નખરાં તથા સાથીઓ સાથેના મતભેદોને કારણે તેમણે આ ચિત્ર છોડી દીધું. બીજી એક જાણીતી સંસ્થા ટ્વેન્ટીએથ સેન્ચ્યુરી ફૉક્સ સાથે ‘પ્યુબ્લો ઇન્ડિયન’ વિશે એક ચિત્ર શરૂ કર્યું; પણ સ્ટુડિયોના માલિકો સાથે મતભેદો થતાં તે પણ છોડી દીધું. પછી ખ્યાતનામ જર્મન દિગ્દર્શક એફ. ડબલ્યૂ. મુરની સાથે ભાગીદારી કરીને એક ચિત્ર ‘ટૅબુ’ બનાવ્યું, પણ બીજાના નિર્માણ દરમિયાન ભાગીદારી તૂટી ગઈ.
ફ્લેહર્ટીને અત્યંત પ્રતિષ્ઠા અપાવનાર ચિત્ર ‘મૅન ઑવ્ એરાન’નું સર્જન તેમણે બ્રિટનમાં જઈને કર્યું. આયર્લૅન્ડના પશ્ચિમ કિનારે એક નિર્જન ટાપુ પર એક માછીમારના જીવનનું નિરૂપણ કરતું આ ચિત્ર ત્રણ વર્ષે તૈયાર થયું હતું. બ્રિટનમાં જ કિપલિંગની એક વાર્તાના આધારે ‘એલિફન્ટ બૉય’નું સહદિગ્દર્શન ઝોલ્ટાન કોર્ડા સાથે કર્યું. અમેરિકા પાછા ફર્યા પછી તેઓ ચિત્રનિર્માણમાં સક્રિય રહ્યા હતા.
હરસુખ થાનકી