ફ્લેસર ખડકો : ગૅબ્બ્રો, નાઇસ વગેરે જેવા ખડકોમાં દાબ-વિકૃતિ દ્વારા વિકસતી સંરચના. દાણાદાર અગ્નિકૃત ખડકોમાં તૈયાર થતી રેખીય ટુકડાઓની ગોઠવણીનો દેખાવ ફ્લેસર સંરચના તરીકે ઓળખાય છે. દાણાદાર દ્રવ્યના ટુકડાઓની આજુબાજુ અવ્યવસ્થિત પરરૂપ પ્રવાહરચના જેવો દેખાવ જેમાં દેખાય એવા ખડકો ફ્લેસર ખડકો કહેવાય. કેટલાક નાઇસ ખડકોમાં પણ આવી લાક્ષણિક સંરચના જોવા મળતી હોય છે, જેમાં વચ્ચે વચ્ચે ચક્ષુસમ રચનાવાળાં વીક્ષાકાર ખનિજો હોય છે અને આજુબાજુ, સમાંતર પત્રબંધી ગોઠવણીવાળું સૂક્ષ્મ સ્ફટિકમય દ્રવ્ય હોય છે. તેમનો આકાર વળેલાં રેખીય સ્વરૂપોનાં સમાંતર ભીંગડાં જેવો હોય છે.
ગિરીશભાઈ પંડ્યા