ફ્લેમસ્ટીડ, જૉન (જ. 1646; અ. 1719) : સત્તરમી સદીના અંગ્રેજ ખગોળશાસ્ત્રી. તેમણે 1676માં લંડનના પરા ગ્રિનિચ ખાતે રાજવી વેધશાળા(Royal Observatory)ની સ્થાપના કરી. આ વેધશાળા ખાતે તેમણે ચંદ્ર, ગ્રહો અને તારાઓનાં સ્થાનોને લગતાં પદ્ધતિસરનાં અવલોકનો અને અધ્યયનો કર્યાં. તેમનાં આ તમામ અવલોકનો 1725માં Historia Coelestis Britanicaમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં.
ફ્લેમસ્ટીડ, ઇંગ્લૅન્ડની આ વેધશાળાના પ્રથમ રાજવી ખગોળશાસ્ત્રી હતા. ગ્રિનિચના અક્ષાંશ, અયનવૃતના તિર્યક્ (slant of elliptic) અને સંપાત(equinox)નું સ્થાન નક્કી કર્યું. તેમણે વિષુવાંશ(right ascension – RA)ના નિરપેક્ષ અવલોકનની પદ્ધતિ વિકસાવી. વિષુવાંશ એ ખગોલીય પિંડોનાં સ્થાન નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતો યામ (co-ordinate) છે.
વિષુવાંશ નક્કી કરવાની તેમની પદ્ધતિ વડે ર્દષ્ટિસ્થાનભેદ (parallax), વક્રીભવન (refraction) અને અક્ષાંશની ક્ષતિઓ દૂર કરી શકાય છે. સૌપ્રથમ તેમણે 40 સંદર્ભ તારકોનાં સ્થાન નક્કી કર્યાં અને ત્યારબાદ તેમણે તૈયાર કરેલી સૂચિમાં સમાવેશ પામેલા 3,000 તારકોનાં સ્થાન ગણતરી કરીને નક્કી કર્યાં.
હરગોવિંદ બે. પટેલ