ફ્લૅટ ગ્રેઇન બીટલ : ચોખા, ઘઉં તથા મકાઈને સંગ્રહ દરમિયાન નુકસાન કરતી જીવાત. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ક્રિપ્ટોલેસ્ટિસ પુસિલસ છે, જેનો ઢાલપક્ષ શ્રેણીના કુકુજીડી કુળમાં સમાવેશ થયેલો છે. પુખ્ત કીટક ખૂબ જ સક્રિય અને સંગૃહીત અનાજના મુખ્ય કીટકોમાં નાનામાં નાનો છે. તે લાલાશ પડતા બદામી રંગનો અને એકદમ ચપટો હોય છે. શિર અને વક્ષ વધુ વિકસેલાં અને શરીરથી અડધી લંબાઈનાં હોય છે. શૃંગિકા (antenna) સૂત્રાકાર અને શરીરના 2/3 ભાગ જેટલી લાંબી હોય છે, જે હંમેશાં ધ્રૂજતી દેખાય છે. પુખ્ત કીટક તિરાડોમાં અથવા દાણામાં છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે, જેના વિકાસથી નીકળેલી ઇયળ લોટ, તૂટેલા દાણા અને અન્ય કીટકોથી નુકસાન પામેલા દાણા તેમજ નકામા થઈ ગયેલા ખરાબ અનાજના દાણા પર નભે છે. તે અન્ય મરેલાં કીટકોને પણ ખાય છે અને એ રીતે સફાઈકામદારની ગરજ પણ સારે છે. આ કીટક જેમ ઇયળ-અવસ્થામાં તેમ તે પછીની પુખ્ત અવસ્થા દરમિયાન પણ પાકને નુકસાન કરે છે. તે ધાન્ય પેદાશ ઉપરાંત મગફળી, ખજૂર, સૂકાં ફળો અને બીજી ઘણી ખોરાકની ચીજોને પણ નુકસાન પહોંચાડે છે. ઇયળો દાણાના અંકુરને નુકસાન કરે છે, જેથી દાણાની ફણગવાની શક્તિ નાશ પામે છે. આવી રીતે તે દાણાના વજનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો કરે છે. ચોખાનાં ચાંચવાંનો ઉપદ્રવ હોય તેવા અનાજમાં આ કીટકનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. ઇયળ પોતાની આજુબાજુ એક પ્રકારના ચીકણા પદાર્થનું ઝરણ કરે છે, જે લોટના રજકણો અથવા અનાજના કણો સાથે ચોંટી કોશેટો-અવસ્થામાંથી પસાર થાય છે. યોગ્યતમ વાતાવરણમાં આ જીવાતને ઈંડામાંથી પુખ્ત બનતાં આશરે 5 અઠવાડિયાંનો સમય લાગે છે. પુખ્ત કીટક 6થી 12 માસ સુધી જીવી શકે છે. આ જીવાતનો ઉપદ્રવ 20°થી 42° સે. તાપમાન અને 40%થી 90% ભેજમાં વધુ તીવ્ર હોય છે, ખાસ કરીને 33° સે. તાપમાન અને 70% ભેજમાં તેની વૃદ્ધિ ખૂબ જ સારી રીતે થતી હોય છે.
પરબતભાઈ ખી. બોરડ