ફ્રૉઇડ, ડૉ. આન્ના (જ. 3 ડિસેમ્બર 1895, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 9 નવેમ્બર 1982, લંડન) : વિખ્યાત મનોવિશ્લેષક મહિલા. ડૉ. સિગ્મન્ડ ફ્રૉઇડ અને માર્થા ફ્રૉઇડનાં છ સંતાનોમાં આન્ના સૌથી નાનાં અને એકમાત્ર મનોવિશ્લેષક થયેલાં સંતાન હતાં. એમનો સઘળો અભ્યાસ વિયેનાની કન્યાશાળા અને ‘કૉલેજ લા દ સીશુમ’માં પૂરો થયેલો. તેમણે આ જ સંસ્થામાં શિક્ષિકા તરીકે ઘણાં વર્ષો કામ કરેલું. આ કાર્ય દરમિયાન શિક્ષણના ક્ષેત્રે તેમણે ઘણો પ્રભાવ પાડેલો. વળી આ જ વર્ષોમાં મનોવિશ્લેષણની તાલીમ શરૂ કરેલી અને છવ્વીસ વર્ષની ઉંમરે 1922માં વિયેનાની ‘સાયકો-એનાલિટિકલ સોસાયટી’ના સભ્ય બનેલાં. 1938માં, નાઝીઓની યહૂદી-વિરોધી નીતિના કારણે, સમગ્ર ફ્રૉઇડ કુટુંબને વિયેના છોડી લંડનમાં સ્થિર થવું પડેલું. ત્યાં તેમણે બાકીનું જીવન ગાળ્યું.
ઈગો–અહં–ની સંકલ્પના પ્રથમ સિગ્મન્ડ ફ્રૉઇડે ભલે આપી, પરંતુ તેના વિશે વધુ વિગતો આપીને વિશેષ પ્રકાશ આન્નાએ પાડેલ છે. તેમનું 1936માં રચેલું પુસ્તક ‘ઈગો ઍન્ડ મિકેનિઝમ ઑવ્ ડિફેન્સ’ હજુ આજે પણ મનોવિજ્ઞાનક્ષેત્રનું એક પાયાનું પુસ્તક લેખાય છે. આમ ઈગો-સાયકૉલૉજીના પ્રથમ પ્રણેતા આન્ના ફ્રૉઇડ જ છે. ત્યારપછી આ પરંપરાને વધુ વિકસાવવામાં શ્રીમતી મેલિની ક્લાઇન, ડૉ. હાર્ટમૅન, લેવેન્સ્ટાઇન અને ક્રીસ વગેરેનું પ્રદાન ગણનાપાત્ર છે.
આન્ના ફ્રૉઇડનાં કાર્ય, યોગદાન અને સંશોધનોને ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે : (1) પિતાએ યોજેલા અને પ્રસ્થાપિત કરેલા મનોવિશ્લેષણની સંકલ્પનાઓ અને પારિભાષિક શબ્દો વગેરેનો પરિપોષ અને વિકાસ કરવો; (2) બાળ-મનોવિશ્લેષણની પદ્ધતિ યોજવી અને (3) મનોવિશ્લેષણને વ્યવહારમાં યોજવું (applied psychoanalysis).
આજદિન સુધી મનોવિશ્લેષણના સીમાડા વિસ્તરતાં સિગ્મન્ડ ફ્રૉઇડ-પ્રયુક્ત ઘણા બધા પારિભાષિક શબ્દો પ્રચારમાં આવ્યા; પરંતુ તે શબ્દોનો મૂળ ભાવાર્થ શો હતો તે માટે તો હંમેશાં આન્નાનો અભિપ્રાય જ આધારભૂત મનાયો છે. સિગ્મન્ડ ફ્રૉઇડે તો એકબે બાળકોના મનોવિશ્લેષણનો પ્રયોગ કર્યો હતો; પરંતુ આન્નાએ બાલમનોવિશ્લેષણની પૂરી પદ્ધતિ યોજી છે અને એ બધું પુસ્તક-આકારે ડોરોથી બર્લિંગહામ સાથે પ્રગટ કર્યું છે. બાલમનોવિજ્ઞાન વિશેનું એમનું બહોળું સાહિત્ય ત્રણ દળદાર ગ્રંથોમાં ઉપલબ્ધ છે, જે ‘કલેક્ટેડ વર્ક્સ ઑવ્ આન્ના ફ્રાઇડ’ રૂપે ઉપલબ્ધ છે.
આન્નાએ શરૂ કરેલા ‘એનાલિટિકલ સ્ટડી ઑવ્ ધ ચાઇલ્ડ’ની શ્રેણીના, બાલમાનસ વગેરેના સંશોધનને લગતા લગભગ 40 ગ્રંથો છે. આન્નાએ કરેલાં સૌથી મહત્વનાં વિધાનોમાં પણ આ વિધાનો નોંધપાત્ર છે : ‘ઈગો જ (બાહ્ય તેમજ આંતર) નિરીક્ષણનું સાધન છે.’ અને એના દ્વારા જ ઈદ [(Id) એટલે વૃત્તિ-વેગો]નું જ્ઞાન-ભાન થાય છે. તે જ પ્રમાણે (અંત:કરણ)નો અવાજ પણ ઈગો દ્વારા જ મળે છે. અને આ બંને ક્ષેત્રે શાંતિ-શમન હશે તો ઈગો પણ શાંતિ અનુભવશે. આ સિદ્ધાંતનું મહત્ત્વ એ છે કે ચિકિત્સાપદ્ધતિ ગમે તે હોય પણ તેનું અંતિમ ધ્યેય – Cure – તો ઈગોનું પુન: અખંડિત સ્થાપન જ હોઈ શકે. આમ આવાં બીજાં મૌલિક સંશોધન-નિષ્કર્ષો આન્ના દ્વારા મળ્યાં છે અને તેથી આન્નાનું મનોવિશ્લેષણના ક્ષેત્રે ઊંચું સ્થાન રહ્યું છે.
આન્નાનું ત્રીજા ક્ષેત્રનું પ્રદાન તે પ્રયુક્ત મનોવિશ્લેષણનું છે. બીજા વિશ્વયુદ્ધના સમયે કુટુંબોથી વિખૂટાં પડેલાં બાળકોને, અનાથ આશ્રમમાં રાખી કરાયેલાં નિરીક્ષણ-પરીક્ષણો અને એના આધારે યોજાયેલા બાલમાનસના સિદ્ધાંતો અને બાલમાનસ-વિકાસ વિશેનું એમણે નિરૂપેલું દાર્શનિક જ્ઞાન મહત્વનું છે. આવાં આધારભૂત મનોવૈજ્ઞાનિક સંશોધનોના કારણે ઇંગ્લૅન્ડની અદાલતોએ બાળકોના ભાવિ વિકાસને હિતમાં લેતી વખતે મનોવિશ્લેષકના અભિપ્રાયનો પણ પ્રમાણભૂત પુરાવા તરીકે સ્વીકાર કર્યો છે.
ડૉ. સિગ્મન્ડ ફ્રૉઇડે માનસચિકિત્સા માટે યોજેલી પરિપાટી સમગ્ર વ્યક્તિત્વ અને મનને ઓળખવાની પદ્ધતિ બની અને માન્ય થઈ; પરંતુ તેના વૈશ્વિકીકરણની ધુરા સંભાળવાનું આન્નાના ફાળે આવ્યું અને તેમણે તે જવાબદારી ખૂબ સફળતાપૂર્વક અદા કરી એમ કહી શકાય.
મુકુન્દરાય મણિશંકર ત્રિવેદી