ફ્રેન્ચ ગિયાના : દક્ષિણ અમેરિકાના ઈશાન કિનારા પર આવેલું ફ્રાંસનું દરિયાપારનું સંસ્થાન. ભૌગોલિક સ્થાન : તે 2° 05´થી 5° 50´ ઉ. અ. અને 51° 40´થી 54° 24´ પ. રે. વચ્ચેનો આશરે 83,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વસ્તી 1990 મુજબ 1,14,800 જેટલી છે. 1946થી તે ફ્રાંસની કાયદેસરની સત્તા હેઠળ છે. 1974થી તે ફ્રાન્સનો વહીવટી પ્રાંત બનેલો. તેની ઉત્તરે તથા ઈશાનમાં આટલાન્ટિક મહાસાગર, પૂર્વ અને દક્ષિણે બ્રાઝિલ તથા પશ્ચિમે સુરી નામના દેશો આવેલા છે. કાઈએન તેનું પાટનગર તેમજ મોટામાં મોટું શહેર છે, જ્યારે સેન્ટ લૉરેન્ટ તેનું બીજા ક્રમે આવતું શહેર છે.
ભૂપૃષ્ઠ-આબોહવા : ફ્રેન્ચ ગિયાનાને ત્રણ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય : (1) ઉત્તરમાં આવેલું કિનારાનું મેદાન, (2) મધ્યનો પહાડી ઉચ્ચપ્રદેશ અને (3) દક્ષિણમાં આવેલા ટમક-હમૅક પર્વતો. દેશના અંદરના ભાગમાં આવેલાં વર્ષાજંગલો દેશની મોટાભાગની ભૂમિને આવરી લે છે. ફ્રેન્ચ ગિયાનામાં 20થી વધુ નદીઓ પર્વતોમાંથી નીકળી ઉત્તર તરફ વહી આટલાન્ટિક મહાસાગરને મળે છે. તે પૈકી મરોની અને ઓયાપૉક નદીઓ મુખ્ય છે. મરોની ફ્રેન્ચ ગિયાના–સુરી નામની સરહદ પર થઈને, જ્યારે ઓયાપૉક બ્રાઝિલ સાથેની સરહદ પર થઈને વહે છે. આ દેશ અયનવૃત્તીય આબોહવા ધરાવે છે. તાપમાન આખુંય વર્ષ લગભગ 27° સે. જેટલું રહે છે, જ્યારે ડિસેમ્બરથી જૂન દરમિયાન પડતા વરસાદની વાર્ષિક સરેરાશ લગભગ 3300 મિમી. જેટલી રહે છે.
અર્થતંત્ર : દેશનું અર્થતંત્ર સુવિકસિત નથી. આખોય પ્રાંત તેનાં જરૂરી નાણાં માટે, સરકારી વહીવટ ચલાવવા માટે, ઉદ્યોગોના નિભાવ માટે તથા સ્વાસ્થ્ય અને અન્ય સેવાઓની ઉપલબ્ધિ માટે ફ્રાંસ પર આધાર રાખે છે. દેશમાં મોટાભાગના શ્રમિકો સરકાર મારફતે નિયુક્ત થાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં સુવર્ણખનનકાર્ય તથા ખેતી અને લાકડાં જેવી વન્ય પેદાશો ઉલ્લેખનીય છે. કૃષિપાકોમાં કેળાં, મકાઈ, પાઇનેપલ, ડાંગર, શેરડી અને સૂરણનો સમાવેશ થાય છે. ખેતી સાથે પશુપાલન પણ થાય છે. દેશની વસ્તીને પૂરું પડે એટલું અનાજ અહીં પાકતું ન હોવાથી અનાજની આયાત કરવી પડે છે. શ્રીપ મત્સ્યઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે. ફ્રેન્ચ ગિયાનાનો અંતરિયાળ ભૂમિભાગ વિપુલ જળઉપલબ્ધિવાળો તથા જમીનોની ર્દષ્ટિએ સમૃદ્ધ છે, અહીં મૂલ્યવાન જંગલો છે. આ પ્રદેશ બૉક્સાઇટ(ઍલ્યુમિનિયમનું ખનિજ)ના મોટા જથ્થાથી ભરપૂર છે, પરંતુ આ બધી સંપત્તિનો વિકાસ કરવામાં આવેલો નથી, તેથી તે લગભગ નિર્જન છે.
લોકો : ફ્રેન્ચ ગિયાનાની આશરે 1 લાખ જેટલી (90 %) વસ્તી અશ્વેતો અથવા ક્રિયૉલ્સ(શ્વેત તથા મિશ્ર અશ્વેત પ્રજામાંથી ઊતરી આવેલા)થી બનેલી છે. મોટાભાગની વસ્તી કિનારા નજીક રહે છે. તે પૈકીના ઘણાખરા સત્તરમી અને અઢારમી સદી દરમિયાન અહીં લવાયેલા ગુલામોના વંશજો છે. બીજા કેટલાક 1980–90 દરમિયાન હૈતીમાંથી આવીને વસેલા છે. આ સિવાય અમેરિકી ઇન્ડિયનો, ચીનાઓ, હિન્દી ચીનીઓ, યુરોપિયનો અને લેબેનોન-સિરિયાવાસીઓ પણ છે. અહીં વસનારી સર્વપ્રથમ પ્રજા ઇન્ડિયનોની હતી, પરંતુ આજે તો તેઓ કિનારાથી અંદરના ભાગોમાં રહે છે. દેશમાં મોટાભાગના લોકો ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ કરે છે. ફ્રેન્ચ અહીંની સત્તાવાર ભાષા છે. ક્રિયૉલ્સ લોકો ફ્રેન્ચ-ઇંગ્લિશના મિશ્રણમાંથી ઊતરી આવેલી સ્થાનિક ભાષા બોલે છે. અહીં લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. બાળકો માટે શાળામાં હાજરી આપવાનું ફરજિયાત છે. દેશમાં જાહેર તેમજ ખાનગી એમ બંને પ્રકારની પ્રાથમિક, માધ્યમિક અને વ્યાવસાયિક શાળાઓની સગવડ છે. દેશના આશરે 75% લોકો લખી વાંચી જાણે છે. 1946માં ફ્રેન્ચ ગિયાના ફ્રાંસનું દરિયાપારનું વહીવટી સંસ્થાન બન્યા પછી ફ્રાંસની સરકાર તરફથી અહીં હૉસ્પિટલો અને ચિકિત્સાલયો બાંધવામાં આવ્યાં છે. રક્તપિત્ત, મલેરિયા અને ક્ષય જેવા રોગો માટે ફ્રાંસ સરકાર તરફથી શિબિરો યોજવામાં આવેલી છે.
ઐતિહાસિક ર્દષ્ટિએ જોતાં, ફ્રેન્ચ ગિયાના તેની અપરાધી વસાહતો માટે જાણીતું બનેલું છે. છેલ્લાં લગભગ 150 વર્ષથી ફ્રાંસે અહીં તેના ગુનેગારોને મોકલી આપવાની પ્રથા દાખલ કરી હતી. રાજદ્વારી કેદીઓને દેશની ઉત્તરે આટલાન્ટિક મહાસાગરમાં આવેલા ડેવિસ ટાપુ પર રાખવામાં આવતા હતા. અન્ય ગુનેગારોને કૌરૌ અને સેન્ટ લૉરેન્ટ ખાતેની કેદની છાવણીઓમાં રખાતા હતા. આ કેદી છાવણીઓ ત્યાં આચરવામાં આવતી ક્રૂરતા માટે કુખ્યાત બનેલી. તેથી ફ્રેન્ચોએ છેવટે 1945માં આ છાવણીઓને બંધ કરી દીધી અને કેદીઓને ફ્રાંસ પાછા મોકલી આપ્યા. 1960ના દસકામાં ફ્રાંસે કૌરૌ ખાતેની કેદી છાવણીના સ્થળને અવકાશી સંશોધન મથક(યુરોસ્પેસ રૉકેટ લૉન્ચ પૅડ)માં ફેરવી નાખેલી છે.
સરકારી વહીવટ : 1946માં ફ્રેન્ચ ગિયાના ફ્રાંસનો દરિયાપારનો પ્રાંત બન્યું. અહીંની સરકાર ફ્રાંસમાં આવેલા પ્રાંતોની સમકક્ષ ગણાય છે. સરકારી વહીવટ 16 સભ્યોની બનેલી ચૂંટાયેલી જનરલ કાઉન્સિલ દ્વારા ચાલે છે. આ કાઉન્સિલના સભ્યો પ્રાંતનો પ્રમુખ ચૂંટી કાઢે છે. ફ્રાંસની સંસદના દરેક ગૃહમાં અહીંનો એક એક પ્રતિનિધિ હોય છે. અહીંની ન્યાયપદ્ધતિ પણ ફ્રાંસની ન્યાયપદ્ધતિની સમકક્ષ છે.
ઇતિહાસ : આજે જ્યાં ફ્રેન્ચ ગિયાનાનો પ્રદેશ આવેલો છે ત્યાં પ્રથમ યુરોપિયનો તરીકે ફ્રેન્ચ લોકો સત્તરમી સદીના પ્રારંભ(1604)માં આવેલા અને વસવાટ શરૂ કરેલો. એ જ સમયગાળામાં યુરોપીય લોકોએ અમેરિકામાં વસાહતો સ્થાપેલી. 1667માં ફ્રેન્ચ ગિયાના ફ્રેન્ચ વસાહત બન્યું. 1817માં તે ફ્રેન્ચ કબજા હેઠળનો મુલક બન્યું. ત્યારથી આજ સુધી આ પ્રદેશ ફ્રેન્ચ શાસન હેઠળ રહ્યો છે, સિવાય કે ઓગણીસમી સદીના શરૂઆતના કેટલાક ગાળા દરમિયાન તે બ્રિટિશ અને પોર્ટુગીઝ લશ્કરી દળો હેઠળ રહેલો. ફ્રાંસે ત્યાંની ક્રાંતિ દરમિયાન 1790ના દસકામાં તેના રાજદ્વારી કેદીઓને ફ્રેન્ચ ગિયાના મોકલવાનું શરૂ કરેલું. 1854માં અહીં કેદીઓને રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. 1852થી 1945 સુધીમાં આશરે 70,000 જેટલા કેદીઓને અહીં રખાયેલા. 1945માં આ પ્રથાનો અંત લાવવામાં આવેલો. 1946માં ફ્રેન્ચ ગિયાનાને દરિયાપારનું સંસ્થાન બનાવાયું, ત્યારથી આ દેશે ફ્રાંસની મદદથી તેના અર્થતંત્રને તથા લોકજીવનને શક્ય એટલું વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. 1980ના દાયકામાં અહીંના કેટલાક લોકોએ ફ્રાંસથી અલગ થઈ સ્વતંત્રતા મેળવવા માટે ચળવળ કરેલી, પરંતુ અહીંની મોટાભાગની પ્રજાએ ફ્રાંસના દરિયાપારના સંસ્થાન તરીકે જ રહેવાની ઇચ્છા દર્શાવી હોવાથી એ ચળવળ નિષ્ફળ ગયેલી.
ગિરીશભાઈ પંડ્યા