ફ્રેગૉનાર્દ, ઝ્યાં ઓનૉરે

March, 1999

ફ્રેગૉનાર્દ, ઝ્યાં ઓનૉરે (જ. 1372; અ. 1806, ફ્રાંસ) : રોકોકો શૈલીનો ફ્રેંચ ચિત્રકાર. ગુરુ બૂશર પાસેથી આત્મસાત્ કરેલી રોકોકો શૈલીને વધુ કામુકતા ભરેલી અને કેટલેક અંશે બીભત્સ રૂપ આપીને તેણે ચિત્રો કર્યાં છે. મનોહર પ્રકૃતિની પૃષ્ઠભૂમિકામાં ઝરણાકાંઠે કે સરોવરકાંઠે સ્નાનમગ્ન નગ્ન યૌવનાઓનું ઉન્માદપ્રેરક આલેખન કરવા માટે તે જાણીતો થયો. તેણે આલેખેલી વૃક્ષવેલીઓ અને નગ્ન સ્ત્રીઓનું લાવણ્ય ચિત્તાકર્ષક છે. ત્વચાની માખણ જેવી લીસી ચળકતી સપાટી અને અંગભંગ તથા સ્નાયુની મૃદુતા પ્રલોભક બન્યાં છે. 1789 પછી તેનાં ચિત્રો વેચાવાં બંધ થયાં અને ગરીબીએ તેને ઘેરી લીધો; પરંતુ 1793માં જાણીતા નવપ્રશિષ્ટ ચિત્રકાર ઝાક લૂઇ દાવીદે ફ્રૅગૉનાર્દની કળાની સિદ્ધિઓની કદર કરી એની રાષ્ટ્રીય કળાપ્રદર્શનોના ક્યૂરેટર તરીકે નિમણૂક કરી હતી.

અમિતાભ મડિયા