ફ્રીડ, આલ્ફ્રેડ હરમન (જ. 11 નવેમ્બર 1864, વિયેના; અ. 5 મે 1921, વિયેના) : વિશ્વશાંતિના ર્દઢ હિમાયતી અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા (1911). ઑસ્ટ્રિયાના નાગરિક. પંદર વર્ષની ઉંમરે શાળાનો ત્યાગ કર્યો. બર્થા વૉન સટનરના પ્રોત્સાહનથી તેમણે 1892માં જર્મન પીસ સોસાયટી સ્થાપી, જે પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પહેલાં જર્મન શાન્તિવાદી (pacifist) આંદોલનની વાહક બની. તે પૂર્વે 1891માં ‘લે ડાઉન યૉર આર્મ્સ’ સામયિકની તેમણે શરૂઆત કરી. નોબેલ પુરસ્કારવિજેતા બર્થા વૉન સટનરે તેનું તંત્રીપદ સંભાળ્યું. આઠ વર્ષ પછી 1899માં તેમણે બીજું સામયિકપત્ર ‘ધ પીસ કીપર’ શરૂ કર્યું. 1933ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકવિજેતા નૉરમન એન્જલના મતે તે સામયિકે વિશ્વશાંતિ ચળવળમાં અગ્રણી ભૂમિકા ભજવી છે.
આંતરરાષ્ટ્રીય અરાજકતાનું શાંતિમય વ્યવસ્થામાં રૂપાંતર થાય તે માટે ફ્રીડ સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોની સાથોસાથ ધારાકીય પુનર્વિચારણાને પણ મહત્ત્વનું પરિબળ ગણતા હતા. ફ્રીડ પોતે રાજનૈતિક ક્ષેત્રમાં ભલે અસરકારક નહિ બન્યા હોય, છતાં આંતરરાષ્ટ્રીય કાયદાના જર્મન ચિંતકો ઉપર તેમનો સારો એવો પ્રભાવ પડેલો. જર્મનીની તે સમયની સામ્રાજ્યવાદી અને યુદ્ધખોર નીતિઓનો વિરોધ કરવા ખાતર પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયા પછી તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં આશ્રય લીધો હતો. પેપર્સ ફૉર ઇન્ટરનેશનલ અન્ડરસ્ટૅન્ડિંગ ઍન્ડ ઇન્ટરસ્ટેટ ઑર્ગેનાઇઝેશનના તંત્રી તરીકે તેમણે કરેલા યોગદાનને કારણે તાત્કાલિક શાંતિસ્થાપનાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી.
નિ:શસ્ત્રીકરણ પછીના યુદ્ધખોર માનસનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં તેમને રસ હતો. આંતરરાષ્ટ્રીય સમજ વધારવાથી યુદ્ધ તરફ દોરી જનાર આંતરરાષ્ટ્રીય તણાવને દૂર કરી શકાશે, રાજકીય અને ધારાકીય ફેરફારોથી શસ્ત્રોની હોડ ઘટાડી શકાશે અને આ પ્રકારનાં પગલાંઓથી લશ્કરી તૈયારીઓ અને યુદ્ધ પૃથ્વી પરથી આપોઆપ અર્દશ્ય થઈ જશે તેમ તેઓ માનતા હતા. 1911માં આંતરરાષ્ટ્રીય સમજ કેળવવા માટેની સોસાયટી ઊભી કરવામાં તથા આંતરરાષ્ટ્રીય સહકારની સમજમાં વધારો કરવા માટે ‘વાર્ષિક મંતવ્ય’ (annual opinion) સ્થાપિત કરવામાં ફ્રીડે રચનાત્મક ભૂમિકા ભજવી હતી. તેને લીધે પાન-અમેરિકા અને હેગ પરિષદને ઘણો લાભ થયો હતો.
પત્રકારત્વના ક્ષેત્રમાં સત્યની ખોજની દિશામાં તેઓ નીડર અને અડીખમ રહ્યા હતા અને ફ્રાન્સ, બ્રિટન તથા અમેરિકાનાં સમાચાર-માધ્યમો વિશે જર્મની દ્વારા અસત્યનો જે પ્રચાર થતો હતો તેનો તેમણે સખત વિરોધ કર્યો હતો. તેમાં પણ તેમની શાંતિ માટેની અદમ્ય ખોજ પ્રગટ થઈ હતી. તેમણે વર્સાઇલ્સ સંધિના વિરોધમાં આંદોલન ખડું કર્યું હતું. યુદ્ધ અને હિંસાનો ધિક્કાર કરનાર અને તે માટે સતત સક્રિય રહેનાર ફ્રીડનું સ્થાન વિશ્વશાંતિના ઇતિહાસમાં કાયમી ધોરણે લખાશે. નોબેલ પુરસ્કાર એનાયત કરતી સમિતિએ તેમને તે જમાનાના સૌથી ઉદ્યમી શાંતિચાહક તરીકે બિરદાવ્યા હતા.
ઑસ્ટ્રિયા અને હંગેરી વચ્ચે પડેલ ભંગાણથી ફ્રીડના આવકના સ્રોત સુકાઈ ગયા હતા અને તેને લીધે તીવ્ર આર્થિક ભીંસમાં મુકાઈ ગયેલા વિશ્વશાંતિના આ ચાહકનું 57 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘હૅન્ડબુક ઑવ્ ધ પીસ મૂવમેન્ટ, 1911–13’ અને ‘માય વૉર ડાયરી 1918–20’ નોંધપાત્ર છે.
શાંતિ માટેના નોબેલ પુરસ્કારમાં તોબિયસ અસ્સર/(માઇકલ કૅરલ) તેમના સહવિજેતા હતા.
સાધના ચિતરંજન વોરા