ફ્રીડરિખ, કાસ્પર ડેવિડ

March, 1999

ફ્રીડરિખ, કાસ્પર ડેવિડ (જ. 1774; અ. 1840) : યુરોપના રંગદર્શિતાવાદમાં મહત્વનું પ્રદાન કરનાર જર્મન નિસર્ગ-ચિત્રકાર.

મૃત્યુ, એકાકીપણું અને વિષાદ ફ્રીડરિખના જીવનમાં આમરણ વણાયેલાં રહ્યાં. રંગદર્શિતાવાદને પ્રોત્સાહિત કરતી આ લાગણીઓને કારણે ફ્રીડરિખનાં ચિત્રો જીવનની ક્ષણભંગુરતાને નિસર્ગની બિહામણી અને વિનાશક શક્તિઓ દ્વારા પ્રતિબિંબિત કરે છે. જર્મનીની ભવ્ય ગૉથિક કળાના રહસ્યવાદ(mysticism)ની ઊંડી અસરો ફ્રીડરિખ પર થયેલી જોઈ શકાય છે. તેથી જ રેનેસાંસ અને બરોક પ્રણાલીઓની અસરો લેશમાત્ર અહીં જણાતી નથી. પોતાનો પ્રકૃતિપ્રેમ અને ગૂઢ ધાર્મિક અનુભૂતિના સંયોગથી સર્જાયેલાં ચિત્રો યુરોપના અન્ય રંગદર્શી નિસર્ગ-ચિત્રકારો(દા.ત., કૉન્સ્ટેબલ, ટર્નર)થી તદ્દન અલગ પડી જાય છે.

શક્તિશાળી અને વિનાશક નિસર્ગની અસરોથી વિક્ષુબ્ધ બનેલા માનવમનની ભાવનાને તેમનાં નિસર્ગ-ચિત્રો રજૂ કરે છે. મધ્યયુગીન ગૉથિક કલાની રહસ્યમય અનુભૂતિને તેમણે પોતાના જમાનાની તાસીરને અનુકૂળ રીતે પોતાની કલામાં ઉતારી.

ફ્રીડરિખનાં નિસર્ગચિત્રોમાં નિસર્ગ સામે માનવશક્તિના અસામર્થ્યનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમના ચિત્ર ‘ઍબી ઇન ઍન ઓક ફૉરેસ્ટ’માં મૃત્યુનું જ બિહામણું ર્દશ્ય જોવા મળે છે. ઓકના જંગલમાં પરોઢ થયું છે. બરફીલો શિયાળો આકરો છે. આવા ભેંકાર વાતાવરણમાં સૂકાં વૃક્ષો, પ્રાચીન કબરો અને ચર્ચનું ખંડેર તથા સાવ આછા ઉજાસવાળું ફિક્કું આકાશ ભય, ઓથાર અને ડરની લાગણીમાં વધારો કરનારું જણાય છે. ખંડેર તરફ આગળ વધતા કાળા પોશાકમાં સજ્જ સાધુઓ આખા ર્દશ્યની ગમગીનીમાં વધારો કરતા જણાય છે.

ફ્રીડરિખનું વ્યક્તિત્વ બાલસહજ સરળ હતું. તેમનું મોટાભાગનું જીવન ડ્રેસ્ડન નગરમાં વીત્યું હતું, જ્યાં તેમણે પૉમેરેનિયા અને જર્મનીની પ્રકૃતિનું ચિત્રણ કર્યું. ડ્રેસ્ડનમાં જર્મન રાષ્ટ્રવાદી ચળવળે તેમને ટેકો આપ્યો અને તે ઉપરાંત પ્રશિયન અને રશિયન રાજવી કુટુંબોનો ટેકો પણ મળ્યો, કારણ કે આ કુટુંબો તેમનાં ચિત્રો ખરીદ કરતાં હતાં. 40 વરસની ઉંમર પછી તેમણે લગ્ન કર્યું, જે સફળ નીવડ્યું. 1835માં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો, તેથી ચિત્રપ્રવૃત્તિ બંધ પડી.

અમિતાભ મડિયા