ફ્રીડમૅન, જેરોમ (Freidman, Jerome) (જ. 28 માર્ચ 1930, શિકાગો, યુ.એસ.એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન (inelastic scattering) ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન અત્યંત મહત્વનું હતું. પુરસ્કારનો એક તૃતીયાંશ ભાગ જેરોમ ફ્રીડમૅનને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ રિચર્ડ ટેલર અને હેન્રી કેન્ડલ વચ્ચે વિભાજિત થયો હતો.

જેરોમ ફ્રીડમૅનનાં માતા-પિતા યહૂદી હતાં અને તેઓએ રશિયાથી અમેરિકા સ્થળાંતર કર્યું હતું. તેમના પિતા સીવણકામના સંચા વેચવાનું કાર્ય કરતા હતા. જેરોમ કળાઓમાં કુશળ હતા, પરંતુ આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા લિખિત સાપેક્ષવાદ પરનું પુસ્તક વાંચ્યા પછી તેમને ભૌતિકશાસ્ત્રમાં રસ પડ્યો. આથી તેમણે કળાક્ષેત્રે મળેલી શિષ્યવૃત્તિ જતી કરીને યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. અહીં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી એન્રીકો ફર્મીના માર્ગદર્શન હેઠળ કામ કર્યું અને 1956માં પીએચ.ડી.ની પદવી મેળવી. 1960માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા. 1968-69 દરમિયાન તેમણે કૅલિફૉર્નિયા-સ્થિત સ્ટૅનફર્ડ સુરેખ પ્રવેગક (સ્ટૅનફર્ડ લિનિયર ઍક્સિલરેટર, SLAC)પર પ્રયોગો આદર્યા અને ક્વાર્કના અસ્તિત્વના સૌપ્રથમ પ્રાયોગિક પુરાવાઓ મેળવ્યા. આ કાર્ય તેમણે રિચર્ડ ટેલર તથા હેન્રી કેન્ડલ સાથે સંયુક્ત રીતે કર્યું હતું. આ અભ્યાસ પરથી એવું તારણ મેળવવામાં આવ્યું કે પ્રોટૉન અને ન્યૂટ્રૉન પણ આંતરિક બંધારણ ધરાવે છે, અર્થાત્ તેઓ અતિ સૂક્ષ્મ કણો ક્વાર્ક (quark)નાં બનેલા છે. આ મહત્વની શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.

1991માં ફ્રીડમૅનને અમેરિકન એકૅડેમી ઑવ્ અચિવમેન્ટ તરફથી ગોલ્ડન પ્લેટ પારિતોષિક પ્રાપ્ત થયું. 2008માં યુનિવર્સિટી ઑવ્ બેલગ્રેડ તરફથી ડૉક્ટરેટની માનદ પદવીથી બહુમાન થયું. બેલગ્રેડના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સમાં તેઓ માનાર્હ પ્રાધ્યાપક છે. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં તેઓ ‘ઇન્સ્ટિટ્યૂટ પ્રાધ્યાપક’નું પદ ધરાવે છે.

પૂરવી ઝવેરી