ફ્રીડમન, મિલ્ટન (જ. 31 જુલાઈ 1912, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : શિકાગો વિચારસરણીના નામે ઓળખાતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખાના હિમાયતી તથા 1976ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. કાયમી વસવાટના હેતુથી યુરોપથી સ્થળાંતર કરી અમેરિકામાં પ્રવેશેલાં યહૂદી માતાપિતાના સંતાન. 1913માં આ પરિવારે ન્યૂજર્સી રાજ્યના હડસન નદી પરના રૉવે નગરમાં વસવાટ કર્યો. મિલ્ટનનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો હતો તેમ છતાં તેઓ પોતે નાસ્તિક રહ્યા છે. ગણિતમાં રુચિ ધરાવતા મિલ્ટને 1927માં રૉવે હાઈસ્કૂલની શાળાંત પરીક્ષા ઉચ્ચ શ્રેણીમાં પસાર કર્યા બાદ ન્યૂ બ્રન્સ્વિક ખાતેની રુજર્સ યુનિવર્સિટીમાં ન્યૂજર્સી રાજ્યની શિષ્યવૃત્તિ સાથે પ્રવેશ મેળવી 1932માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. અભ્યાસ દરમિયાન તેઓ હોટલમાં વેઇટર કે દુકાનોમાં નોકર તરીકે કામ કરી પોતાનું ભરણપોષણ કરતા; સાથોસાથ ફાજલ સમયમાં વિદ્યાર્થીઓ માટેના છાપાના સહસંપાદક તરીકે પણ સેવાઓ આપતા. તે જ ગાળા દરમિયાન લશ્કરની બે વર્ષની તાલીમ પણ લીધી. વીમાશાસ્ત્રી બનવા માટે રુજર્સ યુનિવર્સિટીમાંથી તેમણે વીમાશાસ્ત્રની પરીક્ષા પસાર કરી ખરી, પરંતુ અર્થશાસ્ત્ર પ્રત્યે વિશેષ રુચિ પેદા થતાં એ. એફ. બર્ન્સ અને હોમર જૉન્સ નામના અર્થશાસ્ત્રના અધ્યાપકોની પ્રેરણાથી તેઓ તે વિષયના ઉચ્ચ અભ્યાસાર્થે 1930માં શિકાગો યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી 1933માં તેમણે એમ.એ.ની પદવી મેળવી. તે જ અરસામાં કોલંબિયા યુનિવર્સિટીએ તેમને 1,500 ડૉલરની છાત્રવૃત્તિ ધરાવતી ફેલોશિપ આપી, જેનો ઉપયોગ કરી ફ્રીડમને ન્યૂયૉર્ક ખાતે ડૉક્ટરેટની પદવી માટેની તૈયારી શરૂ કરી. કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડબ્લ્યૂ. સી. મિચેલ(1874–1948)ના માર્ગદર્શન હેઠળ મિલ્ટને આર્થિક વિચારસરણીઓનો ઇતિહાસ અને વ્યાપારચક્રોનો અભ્યાસ પૂરો કર્યો. 1935માં તેઓ અમેરિકન સરકારના ‘ન્યૂ ડીલ’ કાર્યક્રમના અમલમાં જોડાયા, જ્યાં દીર્ઘકાલીન આર્થિક આયોજનના અમલ પર તેમણે વિશેષ ધ્યાન આપ્યું (1935–37). વિખ્યાત અર્થશાસ્ત્રી અને પાછળથી અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા (1971) સાઇમન કુઝનેટ્સના સૂચનથી 1937માં ફ્રીડમન ન્યૂયૉર્ક ખાતેના નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકૉનૉમિક રિસર્ચમાં જોડાયા; જ્યાં તેમણે અમેરિકાના સ્વતંત્ર ઉદ્યમીઓ(practitioners)ની આવક-ઉપાર્જનની પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો. સાથોસાથ તેમણે નૅશનલ બ્યૂરોના ઇન્કમ ઍન્ડ વેલ્થ વિભાગના મહામંત્રીની જવાબદારી પણ સ્વીકારી અને તે વિભાગ દ્વારા પ્રગટ થતા અહેવાલોનું સંપાદન કર્યું.
1938માં તેઓ તેમનાં શિકાગો ખાતેનાં અગાઉનાં સહાધ્યાયી રોઝ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ત્યારપછીની સમગ્ર કારકિર્દીમાં રોઝ તેમનાં સહભાગી બની રહ્યાં છે. વિસકૉન્સિન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રોફેસર તરીકે ફ્રીડમને 1940–41 દરમિયાન સેવાઓ આપી. 1941માં તેમણે ડૉક્ટરેટની પદવી માટે પોતાનો શોધનિબંધ રજૂ કર્યો, પરંતુ તે દરમિયાન નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકૉનૉમિક રિસર્ચમાં કામ કરતાં બે જૂથો વચ્ચેના આંતરિક વિખવાદને કારણે 1946 સુધી તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી ન હતી. શોધનિબંધ રજૂ કર્યા પછી 1941માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર કાર્લ શૂપના આમંત્રણથી, ફુગાવાની ગણતરી કેમ કરવી અને તેને પહોંચી વળવા માટે કેટલા પ્રમાણમાં કરવેરા લાદવા તે અંગે ન્યૂયૉર્કમાં હાથ ધરવામાં આવેલ અભ્યાસમાં જોડાયા (1941–43), જ્યાં તેમને સમષ્ટિલક્ષી આર્થિક સંશોધનનો પ્રથમ પરિચય થયો. 1943માં તેઓ ફરી કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા તથા બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં સંડોવાયેલા પોતાના દેશને મદદરૂપ થવાના હેતુથી ડિવિઝન ઑવ્ વૉર રિસર્ચર્સ(DWR)ના આંકડાકીય સંશોધન જૂથમાં એસોસિયેટ ડિરેક્ટર બન્યા. 1945–46માં મિનેસોટા યુનિવર્સિટીમાં અને ત્યારબાદ 1946માં શિકાગો યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સ્ટૅટિસ્ટિક્સ (1946–48) તરીકે અધ્યાપન કર્યું. 1948માં તેમને શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસરના પદ પર બઢતી આપવામાં આવી. તે સમયે જાણીતા અર્થશાસ્ત્રી ફ્રૅન્ક નાઇટ (જ. 1885; અ. 1973) તે યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ હતા. પ્રોફેસર નાઇટની નિવૃત્તિ (1955) બાદ તે પદ પર ફ્રીડમનની નિમણૂક થઈ, જ્યાં તે હાલ સન્માનનીય (emeritus) પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.
મુક્ત અર્થતંત્રમાં શ્રદ્ધા હોવાથી અર્થતંત્ર પરના સરકારી અંકુશોનો તેમજ આર્થિક આયોજનની પદ્ધતિનો તેઓ સતત વિરોધ કરતા રહ્યા છે. વપરાશવિધેયના ક્ષેત્ર ઉપરાંત અમેરિકાના અર્થશાસ્ત્રી ઇર્વિંગ ફિશર અને ઇંગ્લૅન્ડના પીગુ, માર્શલ તથા કેઇન્સ જેવા કૅમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલ નાણાંના પરિમાણના મૂળ સિદ્ધાંતના નવસર્જનમાં ફ્રીડમનનો ફાળો શકવર્તી ગણાય છે. તે દ્વારા તેમણે નાણાંના પરિમાણનો તથા મૂલ્યના સિદ્ધાંતોનો સમન્વય કરવાનો તર્કબદ્ધ પ્રયાસ કર્યો છે.
દેશવિદેશની ઘણી યુનિવર્સિટીઓેએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરી છે. વળી અન્ય ઘણી ફેલોશિપો અને ઍવૉર્ડોથી પણ તેમને સન્માનવામાં આવ્યા છે.
અર્થશાસ્ત્ર પરના વિપુલ સાહિત્યસર્જનમાં તેમના આ ગ્રંથો ઉલ્લેખનીય છે : ‘ટૉક્સિગં ટુ પ્રિવેન્ટ ઇલેક્શન’ (1943), ‘એસેઝ ઇન પૉઝિટિવ ઇકૉનૉમિક્સ’ (1953), ‘અ થિયરી ઑવ્ ધ કન્ઝમ્પ્શન ફન્ક્શન’ (1957), ‘અ પ્રોગ્રામ ફૉર મૉનિટરી સ્ટૅબિલિટી’ (1960), ‘પ્રાઇસ થિયરી’ (1962), ‘અ મૉનિટરી હિસ્ટરી ઑવ્ ધ યુનાઇટેડ સ્ટેટ્સ : 1867–1960’ (1963), ‘ઇન્ફ્લેશન : કૉઝિઝ ઍન્ડ કૉન્સિક્વન્સિઝ’ (1963), ‘ધ ગ્રેટ કૉન્ટ્રૅક્શન’ (1965), ‘ધી ઑપ્ટિમમ ક્વૉન્ટિટી ઑવ્ મની’ (1969) તથા ‘અ થિયરેટિકલ ફ્રેમવર્ક ઑવ્ મૉનિટરી ઍનાલિસિસ’ (1971). તે ઉપરાંત પણ તેમણે અન્ના જે સ્વૉર્ટ્ઝ સાથે સહલેખક તરીકે ‘મૉનિટરી ટ્રેન્ડ્ઝ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઍન્ડ ધ યુનાઇટેડ કિંગ્ડમ’ (1982), તથા તેમનાં પત્ની રોઝના સહકારમાં ‘ફ્રી ટુ ચૂઝ’(1980)ના લેખનમાં ફાળો આપ્યો છે.
1966–84ના ગાળા દરમિયાન અમેરિકાના ‘ન્યૂઝવીક’ સાપ્તાહિકના આર્થિક બાબતોને લગતા કટારલેખક તરીકે પણ તેમણે સેવાઓ આપી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે