ફ્રીટાઉન : પશ્ચિમ આફ્રિકાના દેશ સિયેરા લ્યોનેનું પાટનગર, મોટામાં મોટું શહેર અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 8° 30´ ઉ. અ. અને 13° 15´ પ. રે. સેનેગલના ડાકરથી દક્ષિણે 869 કિમી. અંતરે તથા લાઇબેરિયાના મોનરોવિયાથી વાયવ્યમાં 362 કિમી. અંતરે અસમતળ જ્વાળામુખીજન્ય દ્વીપકલ્પના ઉત્તર ઢોળાવ પર તે વસેલું છે. સ્થાનભેદે અહીંનાં જુદાં જુદાં શિખરોની ઊંચાઈ 275 મીટરથી 880 મીટર જેટલી છે.
આબોહવા : વિષુવવૃત્તીય દરિયાઈ કાંઠા પર આવેલા આ શહેરની આબોહવા લગભગ આખું વર્ષ ગરમ અને ભેજવાળી રહે છે. સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. જેટલું રહે છે અને સરેરાશ વાર્ષિક વરસાદ 3,760 મિમી. જેટલો પડે છે. અગાઉ આ શહેર મલેરિયાની વધુ પડતી અસરને કારણે ‘શ્વેત માણસોની કબર’ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે મલેરિયા-વિરોધી ઔષધોના ઉપયોગથી એનાફિલિસ મચ્છરોનો ઉપદ્રવ તદ્દન ઘટી ગયો છે.
બંદર : આટલાન્ટિક મહાસાગરને મળતી સિયેરા લ્યોને નદીના નદીનાળ પ્રદેશના કાંઠા પર આવેલું આ શહેર ઊંડા જળવાળું, ઉત્તમ કક્ષાનું આરક્ષિત કુદરતી બારું ધરાવે છે. અહીં એકસાથે 150 જેટલાં વહાણો લાંગરી શકાતાં હોવાથી તે ધીકતું બંદર બની રહેલું છે. આ કારણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રીટાઉનથી બહારના ભાગમાં 5 કિમી. અંતરે આવેલા ન્યૂ ઇંગ્લૅન્ડને ગ્રેટ બ્રિટનના અગત્યના નૌકામથક તરીકે ઉપયોગમાં લેવામાં આવેલું. અહીંથી હીરા, ક્રોમાઇટ, પ્લૅટિનમ તથા લોહધાતુખનિજો, પામતેલ, કોપરેલ, કોપરાં, કોકો, આદુ, કોલા(આફ્રિકી વૃક્ષ)નાં બીજ વગેરેની નિકાસ થાય છે.
પરિવહન : આ શહેર પાટનગર, બંદર તેમજ દેશનું અગત્યનું વ્યાપારી મથક હોવાથી દેશના બધા જ ભાગો સાથે રેલમાર્ગો તથા રસ્તાઓથી સંકળાયેલું છે. દેશની આંતરિક અવરજવરની સેવા માટેનું હેસ્ટિંગ્ઝ ઍરફિલ્ડ હવાઈ મથક અહીંથી અગ્નિભાગમાં 16 કિમી. અંતરે આવેલું છે. લંગી ખાતે સિયેરા લ્યોને નદી પર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે.
ઉદ્યોગો : આ શહેર દેશ માટેનું વ્યાપારી અને વાહનવ્યવહારનું મુખ્ય મથક છે; આ ઉપરાંત તે મધ્યમ કક્ષાના ઔદ્યોગિક એકમોનું તેમજ વહાણવટાનું મથક પણ છે. અહીં લાટી-ઉદ્યોગ, હીરા કાપવા-ઘસવાનો ઉદ્યોગ, મીઠાઈ-ઉદ્યોગ, સાબુ, રંગો, પગરખાં બનાવવાનાં, ખાદ્ય-પ્રક્રમણ તથા મત્સ્ય-પ્રક્રમણનાં કારખાનાં, ચોખા છડવાની મિલો વગેરે જેવા એકમો વિકસ્યા છે. અહીં ગુમા બંધ તૈયાર થવાને કારણે લાંબા વખતથી ચાલી આવતી બંદર માટેની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. તે બંધમાંથી વીજઊર્જા પણ મળી રહે છે.
શિક્ષણ : અહીં સિયેરા લ્યોને યુનિવર્સિટી સંલગ્ન ફાઉરાહ બે કૉલેજ (Fourah Bay College) છે. આ ઉપરાંત ન્ઝાલા યુનિવર્સિટી કૉલેજ, મિલ્ટન મર્ગાઈ કૉલેજ, ફ્રીટાઉન ટીચર્સ કૉલેજ, ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ઘણી સંખ્યામાં સરકારી, ખ્રિસ્તી તથા મુસ્લિમ માધ્યમિક શાળાઓ આવેલી છે.
વહીવટી-સાંસ્કૃતિક સ્થળો : ટાવર હિલ ખાતે ફૉર્ટ થૉર્ન્ટન(1796)માં રાજ્યનું વહીવટી કાર્યાલય આવેલું છે. અહીં લશ્કરી મથક, પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન તથા ચૂંટાઈ આવેલા લોકપ્રતિનિધિઓનું મથક પણ આવેલું છે.
આ શહેરમાં ઘણી સંખ્યામાં મસ્જિદો તથા દેવળો છે, જે પૈકી 1852માં બનાવેલું સેન્ટ જ્યૉર્જ કથીડ્રલ જાણીતું છે. અગાઉના કૉટન-ટ્રી રેલમાર્ગ મથકમાં રાષ્ટ્રીય સંગ્રહસ્થાન છે, જેમાં ઐતિહાસિક દસ્તાવેજો અને કાષ્ઠનાં તથા પાષાણનાં પરંપરાગત રીતે બનાવેલાં શિલ્પો રાખવામાં આવેલાં છે.
ઇતિહાસ : 1462માં પૉર્ટુગીઝ નૌકાસફરી (દરિયાખેડુ) પેદ્રો દ સિંત્રા પશ્ચિમ આફ્રિકાના અહીંના કિનારાના પ્રદેશને ખૂંદી વળેલો અને અસમતળ ખડકાળ પ્રદેશની ટેકરીઓને સિયેરા લ્યોને નામ આપેલું. 1650 પછીના દાયકામાં બ્રિટિશ, ફ્રેન્ચ, ડચ અને ડેનિશ વેપારી કંપનીઓએ અહીં કિનારાના પ્રદેશ પર ચાલતા પૉર્ટુગીઝ વેપાર પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. 1787માં ગુલામીની પ્રથાના વિરોધી અંગ્રેજ ગ્રેનવિલે શાર્પ અને અન્ય બ્રિટિશ માનવતાવાદીઓએ સિયેરા લ્યોને નદીના મુખથી દક્ષિણે આવેલું સ્થળ પસંદ કર્યું અને ઇંગ્લૅન્ડમાંથી મુક્ત કરાયેલા ‘કાળા ગરીબો’ તરીકે ઓળખાતા આફ્રિકી ગુલામોને મેની નવમી તારીખે અહીં વસાવ્યા. 1792માં સિયેરા લ્યોને કંપનીએ અમેરિકી ક્રાંતિમાં બ્રિટન તરફથી લડેલા ‘મરૂન્સ’ નામે ઓળખાતા નોવા સ્કોશિયાના, જમૈકાના ભાગી છૂટેલા, ગુલામોનો વેપાર કરતાં પકડાઈ ગયેલાં વહાણોમાંના ગુલામોને ફ્રીટાઉનમાં વસાવવાની જવાબદારી ઉઠાવેલી અને બધા ગુલામોને અહીં વસાવેલા. 1821માં ફ્રીટાઉન ગ્રેટ બ્રિટનનાં પશ્ચિમી આફ્રિકામાંનાં બધાં સંસ્થાનો માટેનું વહીવટી મથક બનેલું. 1874 સુધી તેમનો બધો વહીવટ અહીંથી થતો હતો. 1893માં ફ્રીટાઉનમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવેલી. 1961થી તે સિયેરા લ્યોનેનું પાટનગર થયું. આજે જૂના ગુલામ વસાહતીઓના વંશજોની સંખ્યા, તે પછી આફ્રિકાના અંતરિયાળ ભાગોમાંથી આવીને વસેલા મેન્ડ (Mende) અને ટેમ્ની (Temne) સ્થળાંતરવાસીઓને કારણે ઘટી ગઈ છે. મુક્ત બનેલા મૂળ ગુલામોના વંશજો આજે દેશની શિક્ષકોની, વ્યાવસાયિક માણસોની તેમજ કારીગરોની જરૂરિયાત પૂરી પાડે છે. આ બધી જુદી જુદી પ્રજાઓ એકબીજામાં ભળતી ગઈ ને પરિણામે અહીં એક નવી ભાષા ક્રિયો (Krio) અને એક નવી જ જાતિ ક્રિયોલ (Kriol) ઊભી થઈ. આજે તો આ શહેર પશ્ચિમી અને આફ્રિકી મિશ્ર રહેણીકરણીનું શહેર બની રહેલું છે. તેમાં ખ્રિસ્તીઓ કરતાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. વસ્તી 2015 અનુસાર 10,55,984, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 15,00,236 છે.
ગિરીશભાઈ પંડ્યા