ફ્રિશ, રૅગ્નર (જ. 3 માર્ચ 1895, ઑસ્લો; અ. 31 જાન્યુઆરી 1973, ઑસ્લો) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા (1969). પિતા સોનીનો વ્યવસાય કરતા હતા. નૉર્વેમાં ઑસ્લો ખાતેની જાણીતી પેઢી ડેવિડ ઍન્ડરસનની કાર્યશાળામાં તાલીમાર્થી કારીગર તરીકે તેમણે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને તે તાલીમ પૂર્ણ કર્યા પછી સોની તરીકે કામ કરવા માટેનો અજમાયશી ગાળો પણ સફળતાથી પસાર કર્યો; તેમ છતાં સોનીનો વ્યવસાય કરવાને બદલે માતાની સલાહથી ઑસ્લો યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણાર્થે તેઓ દાખલ થયા. 1919માં અર્થશાસ્ત્ર વિષય સાથે તે યુનિવર્સિટીની પદવી પ્રાપ્ત કર્યા પછી 1921–23ના ગાળા દરમિયાન ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડમાં અર્થશાસ્ત્ર અને ગણિતનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો. 1925માં ઓસ્લો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમાયા અને બીજા વર્ષે 1926માં તે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમણે 1927–28 દરમિયાન રૉકફેલર ફાઉન્ડેશનના અનુદાનનો ઉપયોગ કરી અમેરિકા, ફ્રાન્સ અને ઇટાલીમાં સંશોધનકાર્ય કર્યું. 1928માં ઑસ્લો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં એસોસિયેટ પ્રોફેસર અને 1931માં પ્રોફેસર બન્યા. પાછળથી તે જ યુનિવર્સિટીની અર્થશાસ્ત્ર માટેની સંશોધન-સંસ્થામાં નિયામક તરીકે તેમણે સેવાઓ આપી.
યેલ, મિનેસોટા અને સૉબૉર્ન યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે તેમણે કામ કર્યું હતું. અમેરિકા અને યુરોપની ઘણી યુનિવર્સિટીઓએ તેમને માનદ ડૉક્ટરેટની પદવીઓથી સન્માન્યા હતા. 1955માં તેમને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ જૉસેફ શુમ્પિટર પારિતોષક અને 1961માં રોમ યુનિવર્સિટીએ ઍન્ટોનિયો ફેલ્ટ્રિનેટ પારિતોષિક એનાયત કર્યું હતું. તેઓ વિશ્વની ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સભ્યપદ ધરાવતા હતા.
1969માં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વાર નોબેલ પારિતોષિક દાખલ કરવામાં આવ્યું અને તેના પ્રથમ સહવિજેતા તરીકે ડચ અર્થશાસ્ત્રી જાન ટિમ્બરજેન સાથે રૅગ્નર ફ્રિશને આ બહુમાન મળ્યું હતું. આર્થિક પ્રક્રિયાઓના વિશ્લેષણ માટે, ગતિશીલ નમૂનાઓ (models) વિકસાવવામાં અને તે પ્રયુક્ત કરવામાં આ અર્થશાસ્ત્રીએ આપેલ પ્રદાન માટે તેમને આ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
રૅગ્નર ફ્રિશે ડચ ભાષામાં અર્થમિતિશાસ્ત્ર પર ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાંનાં મોટાભાગનાં પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. આ પુસ્તકોમાં ‘સ્ટેટિસ્ટિકલ કનક્લૂઝન્સ : એનાલિસિસ બાય મીન્સ ઑવ્ કમ્પ્લીટ રિગ્રેશન સિસ્ટમ્સ’ (1946), ‘મૅક્ઝિમા ઍન્ડ મિનિમા’ (1966) તથા ‘ધ થિયરી ઑવ્ પ્રોડક્શન’ વિશેષ નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે