ફ્રાન્સ, આનાતોલ (જ. 16 એપ્રિલ 1844, પૅરિસ; અ. 12 ઑક્ટોબર 1924, પૅરિસ) : 1921નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ફ્રેંચ નવલકથાકાર અને નિબંધકાર. સ્વયં-શિક્ષિત પિતાનો વ્યવસાય પુસ્તક-વિક્રેતાનો. આ સાહિત્યકારનું મૂળ નામ જૅક્સ આનાતોલ ફ્રાન્કૉઇસ થિબૉલ્ટ, પણ સાહિત્યજગતમાં ‘આનાતોલ ફ્રાન્સ’ તરીકે જાણીતા બન્યા છે. કૉલેજ સ્ટેનિસ્લાસ નામની કૅથલિક સ્કૂલનો આ સામાન્ય વિદ્યાર્થી શાળામાંથી બહાર આવ્યો ત્યારે તેનામાં ચર્ચ માટે અણગમો જન્મી ચૂકયો હતો. પિતાની પુસ્તકોની દુકાનમાં જાતજાતનાં પુસ્તકો નજર તળે કાઢતાં કાઢતાં અને પ્રભાવશાળી ગ્રાહકો સાથેની વાતચીતમાંથી બૌદ્ધિક વિકાસ થતો ગયો. તેમની પ્રથમ સાહિત્યકૃતિ કવિ આલ્ફ્રેડ દ’ વીગ્ની વિશેના અધ્યયનની હતી. ત્યારબાદ કવિતા અને નાટકો પ્રસિદ્ધ થયાં, પણ તેઓ બહુ ખ્યાતિ ન પામ્યાં. દરમિયાનમાં તેમણે સાહિત્યિક પત્રકારત્વની કારકિર્દી અપનાવી જોઈ. 1877માં એક શ્રીમંત કુટુંબની કન્યા વૅલેરી ગૅરિન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1881માં તેમને ત્યાં સુઝાને નામની દીકરીનો જન્મ થયો અને 1893માં લગ્ન-વિચ્છેદ થયો. 1879માં ‘પ્રથમ વાર્તાસંગ્રહ’ પ્રસિદ્ધ થયો.
નામાંકિત સાહિત્યકાર તરીકેની કીર્તિ મળી તેમની કૃતિ ‘ધ ક્રાઇમ ઑવ્ સિલ્વેસ્ટ્રે બોનાર્ડ’થી.
પ્રૌઢ વયના વિદ્ધાનની આ વાર્તા આધુનિક વાચક આગળ પ્રબળ લાગણીશીલતાનું પ્રદર્શન કરતી જણાય છે. તેનું આશાવાદી વિષયવસ્તુ અને મૃદુ વક્રોક્તિઓને વાચકોએ તે જમાનાના પ્રભાવશાળી સાહિત્યકાર એમિલ ઝોલાના નિષ્ઠુર વાસ્તવવાદની પ્રણાલી સામેના પ્રત્યાઘાત તરીકે આવકારી હતી. તેમનું સાહિત્યસર્જન માદામ આર્મેન દ કેઇલાવેટ સાથેની મિત્રતાથી પોષાતું રહ્યું. 1890માં તેમની કૃતિ ‘થેઇસ’ પ્રસિદ્ધ થઈ; તેમાં ખ્રિસ્તી યુગના આરંભકાળની ઇજિપ્તની પશ્ચાદભૂવાળી, થેઇસ નામની એક નર્તકી અને પાપનશ્યસ નામના પાદરીના પ્રણયની કથા છે. અધમ જીવન ગાળતી હલકા કુળની આ સુંદરીના જીવનને પાપમુક્ત કરવાના પ્રયાસ કરતાં તે પોતે જ મોહાંધ બને છે. મૃત્યુશય્યા પરની થેઇસને પામવાના તેના પ્રયાસોનું અત્યંત કલાત્મક વર્ણન તેમાં છે.
1893માં ‘ઍટ ધ સાઇન ઑવ્ ધ રૅઇન પેડૌક’ નામની તત્વજ્ઞાનના મર્મવાળી વાર્તા પ્રસિદ્ધ થઈ, જેમાં અઢારમી સદીના જીવનની ભૂમિકા છે. 1894માં ‘ધ રેડ લિલી’ નામની શ્રીમંત વર્ગની પ્રણયકથા આલેખતી નવલકથા પ્રકાશિત થઈ; તેમાં ઇટાલીના જીવનની પશ્ચાદભૂમિકા છે. તેમનાં લખાણોનો સંગ્રહ ‘ધ ગાર્ડન ઑવ્ એપિક્યુરસ’ આનાતોલ ફ્રાન્સના જીવન પ્રત્યેના વલણનો દ્યોતક છે.
1896માં ફ્રેંચ અકાદમીમાં નિયુક્ત થતાં તેઓ સફળતાની ટોચે પહોંચી ગયા. 1897થી 1901 દરમિયાન પ્રસિદ્ધ થયેલ ‘કન્ટેમ્પરરી હિસ્ટરી’ના 4 ગ્રંથોમાં સાંપ્રત સમસ્યાઓ અંગેનું તેમનું કટુ વિવેચન જોવા મળે છે.
1908માં પ્રસિદ્ધ થયેલ ‘પૅગ્વિન આઇલૅન્ડ’માં રાજકીય બાબતો ઉપરનો તેમનો કટાક્ષ ટોચે પહોંચ્યો છે. તેમાં ફ્રેંચ ઇતિહાસ અને જીવનનું દર્શન છે. ફ્રેંચ સાહિત્યમાં આ એકમાત્ર કટાક્ષકૃતિ છે, જેને વૉલ્તેરના ‘કૅન્ડિડ’ સાથે મૂકી શકાય તેવું કેટલાક માને છે.
ફ્રાન્સની સર્વોત્તમ નવલકથા ‘ધ ગૉડ્ઝ આર એથર્સ્ટ’ ફ્રેંચ ક્રાન્તિને લક્ષમાં રાખીને લખાયેલ છે. તેમાં એક યુવાન કલાકાર એવારિસ્તેને ગૅમેલિન પોતાના આદર્શવાદમાંથી રેવલૂશનરી ટ્રિબ્યૂનલના સભ્યપદે રહીને ધીરે ધીરે કેવો લોહીતરસ્યો અને ક્રૂર-ઝનૂની બની બેસે છે તેનું કલાત્મક આલેખન છે. ફ્રાન્સની આખરી કૃતિ ‘ધ રિવૉલ્ટ ઑવ્ ધ એંજલ્સ’ (1914) પણ એક કટાક્ષકથા છે. તેમાં દેવદૂતોનું એક વૃંદ દૈવી પ્રભાવથી પોતાની જાતને મુક્ત કરવા કેવા પ્રયાસ કરે છે તેની વાત છે.
જિંદગીનાં પાછલાં વર્ષોમાં આનાતોલ ફ્રાન્સ વધુ ને વધુ રાજકીય પ્રવૃત્તિઓમાં પરોવાતા ગયા અને ડાબેરી વિચારધારાના ચુસ્ત હિમાયતી થયા. છેલ્લે ફ્રેંચ કૉમ્યુનિસ્ટ પાર્ટીના તેઓ ચુસ્ત ટેકેદાર હતા. 1921માં તેમના સાહિત્યિક પ્રદાન અંગે નોબેલ પારિતોષિકથી તેમનું બહુમાન થયું અને વિશ્વભરમાં તેમની કૃતિઓ વંચાવા માંડી. 1920માં તેમણે પુનર્લગ્ન કરેલું.
સાહિત્ય અને સામાજિક વિષયો ઉપરનાં આનાતોલ ફ્રાન્સનાં લખાણો, તેમની આત્મકથા અને તેમણે લખેલ જૉન ઑવ્ આર્કનું જીવનચરિત્ર જાણીતી કૃતિઓ છે. આ સદીના મહાન સાહિત્યકારોમાં જેની ગણના થાય તેવી આ પ્રતિભા વિવાદાસ્પદ પણ રહી છે; પણ એક નવલકથાકાર તથા કટાક્ષકથાલેખક તરીકે તથા ન્યાય અને સહિષ્ણુતા અંગેનાં તેમનાં વલણોથી તેમને મહાન સાહિત્યકારોની શ્રેણીમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
પંકજ જ. સોની