ફોવવાદ : 1905ની આસપાસ શરૂ થયેલો યુરોપની કલાનો એક વાદ. હાંરી માતિસને આ વાદના અગ્રણી ગણી શકાય. આ ઉપરાંત માર્ક્વે (Marquet), ડેરેઇન (Derain), વ્લામિંક (Vlamink) અને રૂઓ (Roult) જેવા મહત્વના કલાકારો પણ આ વાદના નેજા હેઠળ હતા. અન્ય ગૌણ કલાકારોમાં માન્ગ્વિન, કેમોઇન, ઝ્યાં પુઇ અને ઑથોન ફ્રીજનો સમાવેશ થાય છે.
1905ની પાનખરના પૅરિસના સલોંમાં પ્રદર્શિત આ ચિત્રકારોનાં ચિત્રોના રંગોની ભભક જોઈને લોકો હબકી ગયા અને એક વિવેચકે આ બધા ચિત્રકારો તથા તેમનાં ચિત્રોને જંગલીઓ (les fauves) એવી ઓળખ આપી.
સૌમ્ય રંગોની પરંપરાને આ કલાકારોએ ફગાવી દીધી અને તેને સ્થાને અત્યંત જોશીલા ભડકીલા રંગો પૂર્યા. બધા જ ભૂખરા અને રાખોડી રંગો ત્યજી પડછાયામાં પણ જાંબલી કે નીલા જેવા તેજસ્વી રંગોને સ્થાન આપ્યું. મૂળ રંગો પ્રત્યેનો બેહદ પ્રેમ એ રંગોની આ પ્રકારની પસંદગી પાછળનું કારણ હતો. તેઓ ચામડીને પણ લીલી ને સૂર્યને પણ નીલો ચીતરતા ! પરંપરાગત ચિત્રમાં જોવા મળતા ત્રિપારિમાણિક ઊંડાણનો પણ આ ચિત્રકારોએ ત્યાગ કર્યો હતો. જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારોની પણ ગહન અસર ફોવવાદી ચિત્રકારો પર હતી. હકીકતમાં આ અસર માત્ર એકમાર્ગી ન રહેતાં પારસ્પરિક બની હતી.
ફોવવાદી ચિત્રકારોમાંથી માતિસ, માર્ક્વે, રૂઓ અને કેમોઇન ફ્રાન્સની ઇકોલે દ બ્યુ-આર્ત કૉલેજમાં ગુસ્તાવ મોરિયુના શિષ્યો રહી ચૂક્યા હતા. બધા જ ફોવવાદી ચિત્રકારો રૂઢ પરંપરિત વાસ્તવવાદથી થાક્યા હતા.
1906માં દુફી તથા 1907માં બ્રાક અને મેત્ઝિન્જર ફોવવાદ સાથે સંકળાયા અને ફોવવાદી ચિત્રકારો સાથે પોતાનાં ચિત્રો પ્રદર્શિત કર્યાં; પરંતુ 1908 સુધીમાં તો ફોવવાદી કલાકારોનું જૂથ વેરવિખેર થઈ ગયું અને તેના મોટાભાગના કલાકારોએ ઘનવાદ અપનાવ્યો.
અમિતાભ મડિયા