ફૉસેટ, હેન્રી (જ. 1833, સૅલિસબરી; અ. 1884, કૅમ્બ્રિજ) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીને વરેલા ચિંતક અને સામાજિક સુધારક. ઉચ્ચ શિક્ષણ કૅમ્બ્રિજ અને મિડલ ટેમ્પલમાં લીધું. 1858માં નડેલ અપઘાતને કારણે તેમણે ર્દષ્ટિ ગુમાવી; છતાં અર્થશાસ્ત્રનું અધ્યયન ચાલુ રાખ્યું. 1863માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા અને તે પદ પર અવસાન સુધી કામ કર્યું. 1865માં તેઓ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટના સભ્ય ચૂંટાયા (1865–84). પ્રશિષ્ટ શૈલીમાં લખેલા તેમના વિચારો વ્યક્ત કરવા માટે તેમણે નિગમનની પદ્ધતિ અપનાવી હતી. તેઓ વ્યક્તિવાદ, સહકાર અને મુક્ત વ્યાપારના હિમાયતી હતા. સમાજસુધારણાના ક્ષેત્રે તેમણે ગરીબો, કામદારો અને સ્ત્રીઓના રાજકીય અને સામાજિક અધિકારો માટે સક્રિય ઝુંબેશ ઉપાડી હતી. રાજકીય અને સામાજિક સમાનતાના તેઓ પુરસ્કર્તા હતા.
તેમણે લખેલ ‘મૅન્યુઅલ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ (1863) ગ્રંથ ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં ખૂબ પ્રશંસા પામ્યો હતો.
તેમના અવસાનથી કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ખાલી પડેલી અર્થશાસ્ત્રના પ્રોફેસરની ચૅર પર આલ્ફ્રેડ માર્શલ નિમાયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે