ફૉર્ડ, હેન્રી (જ. 30 જુલાઈ 1863; અ. 7 એપ્રિલ 1947) : વિશ્વના શરૂઆતના અગ્રણી મોટરકાર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા. નવી તકનીકોનો ઉપયોગ, વેતનદરમાં વૃદ્ધિ અને બજારોનું વિસ્તૃતીકરણ એ ત્રણ બાબતો તેમણે કંડારેલી ઔદ્યોગિક ક્રાંતિના પાયા ગણાયા. ફૉર્ડનું યાદગાર પ્રદાન તે તેમણે મોટરકારના જથ્થાબંધ ઉત્પાદન(mass production)માં વર્ષ 1913માં વિશ્વનો પ્રથમ ‘એસેમ્બલી લાઇન’ પ્લાન્ટ આપ્યો તે છે. આજે માત્ર મોટર, ટ્રક કે સ્કૂટરના ઉત્પાદનમાં જ નહિ, પરંતુ જે કોઈ વસ્તુ જેમ કે રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિજરેટરો વગેરેમાં નાના-મોટા ઘણા ભાગો ભેગા કરીને જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવું હોય તેમાં એસેમ્બલી લાઇનનો સિદ્ધાંત અમલમાં મુકાય છે.
તેઓ આયર્લૅન્ડથી આવી વસેલા કુટુંબના નબીરા; નિશાળમાંથી છૂટા થતાં 15 વર્ષની વયે ડેટ્રૉઇટમાં મશીનિસ્ટ એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કર્યું. વચ્ચે વચ્ચે પિતાના ફાર્મ-હાઉસમાં જતા. ત્યાં મશીન શૉપ અને લાકડાં વહેરવાની મિલ ઊભી કરવાનું કામ કર્યું. વર્ષ 1899 સુધી ડેટ્રોઇટની એડિસન કંપનીમાં મુખ્ય ઇજનેર તરીકે તેમણે કામ કર્યું.
આ સમય દરમિયાન 1896માં તેમણે તેમના ડેટ્રૉઇટના ઘર પાછળના વર્કશૉપમાં પહેલી પ્રાયોગિક કાર (experimental car) બનાવી. 1903માં મેક ઍવન્યુ પ્લાન્ટમાં બજારુ ધોરણે કાર-ઉત્પાદન શરૂ કર્યું. પાંચ વર્ષ પછી 1908માં બહુ પ્રખ્યાત મૉડલ T બહાર પાડ્યું. તે વખતે કામદારને 9 કલાકના કામનું વેતન 2.34 ડૉલર મળતું હતું. તે 8 કલાકના 5 ડૉલર સુધી વધારી ક્રાંતિકારી પગલું ભર્યું. વર્ષ 1914 સુધીમાં દુનિયાના રસ્તા પર ફૉર્ડ મૉડલ-Tની પાંચ લાખથી પણ વધુ ગાડીઓ ફરતી થઈ ગઈ. 1920માં અમેરિકા ઉપરાંત યુરોપ, લૅટિન અમેરિકા, કૅનેડા, એશિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં એસેમ્બલી પ્લાન્ટો શરૂ કર્યા. 1938 સુધીમાં વિશ્વના બધા દેશોમાં ફૉર્ડ કારનાં મૉડલ-T ઉપરાંત અનેક મૉડલો (જેવાં કે મૉડલ-R, મૉડલ-V8, લિન્કોલિનસ, કૉન્ટિનેન્ટલ, મક્યુરી વગેરે) ઘણાં પ્રચલિત થયાં.
કાર-ઉત્પાદન ઉપરાંત ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર-ઉત્પાદન તેમજ લડાઈના માલસામાનના ઉત્પાદનમાં પણ તેમણે રસ લીધો.
તેમણે મોટરકાર-ઉત્પાદનમાં ક્રાંતિ સર્જી તે સાથે અનેક સંલગ્ન ઉદ્યોગો પણ વિકસ્યા. અમેરિકાનો સામાન્ય/મધ્યમકક્ષાનો માણસ પણ મોટર વાપરતો થયો. મોટરકારનો ઉપયોગ વધતાં શહેરથી ગામડાં તરફ અને ગામડાંથી શહેર તરફની અવરજવર પણ વધી, મુસાફરી સહેલી બની, તેનો સમય ઘટ્યો. આ બધી બાબતોની અસર અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પણ થઈ.
આગવી સૂઝ ધરાવનાર ઉદ્યોગવીર ઉપરાંત તેમના વ્યક્તિત્વનાં બીજાં પાસાં પણ ઉલ્લેખનીય છે. પહેલું વિશ્વયુદ્ધ બંધ થાય તે માટે વર્ષ 1915–16માં દરિયાઈ જહાજ ખરીદી, તેને ‘શાંતિજહાજ’ નામ આપી યુરોપનો પ્રવાસ કર્યો, પણ સફળતા મળી નહિ. સેનેટની ચૂંટણીમાં પણ ઊભા રહ્યા, પરંતુ હાર્યા. સૅમ્યુઅલ ક્રોથર સાથે સહલેખક તરીકે બે પુસ્તકો – ‘મારું જીવન અને કાર્ય’ (1922) અને ‘આજ અને આવતી કાલ’ (1926) લખ્યાં. વળી સ્વતંત્ર રીતે પણ બીજાં બે પુસ્તકો – ‘શ્રમનું તત્વજ્ઞાન’ (Phylosophy of Labour, 1929) અને ‘આગે બઢો’ (Moving Forward, 1930) તેમણે લખ્યાં.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ