ફૉર્ડ, જૉન (જ. 1 ફેબ્રુઆરી 1895, કૅપ, એલિઝાબેથ; અ. 31 ઑગસ્ટ 1973) : શ્રેષ્ઠ દિગ્દર્શનનો ઑસ્કર ઍવૉર્ડ ચાર વાર જીતનાર હૉલિવુડના દિગ્દર્શક. એકધારાં 50 વર્ષ સુધી ચલચિત્રજગતમાં સક્રિય રહીને અસંખ્ય મૂક ચિત્રો અને બોલપટોનું દિગ્દર્શન કર્યું, જેમાંનાં ઘણાં ચિત્રો ‘ક્લાસિક’નો દરજ્જો પામ્યાં. હિજરત કરીને સ્થાયી થયેલાં આઇરિશ માબાપના આ તેરમા સંતાનનો ઉછેર પૉર્ટલૅન્ડમાં થયો હતો.
1913માં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરી મોટા ભાઈ ફ્રાન્સિસ ફૉર્ડ સાથે કામ કરવા હૉલિવુડ જતા રહ્યા. મૂળ નામ સીન એલોયસિયસ ઓ’ફીની. પછીથી જૅક ફૉર્ડ તરીકે 1923 સુધી ઓળખાયા અને બાદમાં જૉન ફૉર્ડ તરીકે પ્રતિષ્ઠિત થયા. જૅક ફૉર્ડ તરીકે તેમણે લગભગ 45 ચિત્રોનું દિગ્દર્શન કર્યું, પણ જૉન ફૉર્ડ તરીકે લગભગ 40 વર્ષ સુધી તેમણે જે ચિત્રોનું દિગ્દર્શન કર્યું એણે તેમને વિશ્વખ્યાતિ અપાવી અને મહાન દિગ્દર્શકોની પંગતમાં બેસાડ્યા.
ફૉર્ડે વેસ્ટર્નથી માંડીને ઐતિહાસિક અને કૉમેડીથી માંડીને યુદ્ધ-ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, પણ તેમની ઓળખ હંમેશાં વેસ્ટર્ન ચિત્રોના સર્જક તરીકે રહી. ‘લાગ શૉટ’થી ઝડપેલાં ર્દશ્યો અને પશ્ચાદભૂમાં ભવ્ય ર્દશ્યોનો ઉપયોગ તેમની આગવી ઓળખ હતી. કારકિર્દીના પ્રારંભે ‘એક્સ્ટ્રા’ કલાકારથી માંડીને ‘સ્ટંટમૅન’ સુધીની કામગીરી તેમણે કરી હતી. 1917માં દિગ્દર્શક બની ગયા. ‘ધ આયર્ન હૉર્સ’ (1924) અને ‘ફોર સન્સ’ (1928) તેમની બે મહત્વપૂર્ણ મૂક ફિલ્મો છે. તેમનાં ચિત્રોનાં પાત્રો, પ્રસંગો અને તેમાં નિરૂપાયેલાં જીવન અને સંસ્કૃતિમાંથી હંમેશાં ‘અમેરિકન’ની છાપ ઊપસતી. ‘ધ ઇન્ફૉર્મર’ (1935), ‘હાઉ ગ્રીન વૉઝ માય વેલી’ (1941), ‘ધ ગ્રેપ્સ ઑવ્ રેથ’ (1949) અને ‘ધ ક્વાએટ મૅન’(1952)ને શ્રેષ્ઠ દિગ્દર્શનના ઑસ્કર ઍવૉર્ડ મળ્યા હતા. બે દસ્તાવેજી ચિત્રો ‘ધ બૅટલ ઑવ્ મિડવે’ (1942) અને ‘ડિસેમ્બર સેવન્થ’(1943)ને પણ ઑસ્કર ઍવૉર્ડ મળ્યા હતા. ચાર વાર તેમને ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ ઍવૉર્ડ મળ્યા.
ફૉર્ડે એટલાં બધાં ચિત્રોનું દિગ્દર્શન કર્યું છે કે તેની સંપૂર્ણ યાદી આપવી મુશ્કેલ છે, પણ ઉપર્યુક્ત નોંધપાત્ર ચિત્રો ઉપરાંત તેમનાં અન્ય ચિત્રો આ પ્રમાણે છે : ‘પિલગ્રિમેજ’ (’33), ‘વર્લ્ડ મુવ્ઝ ઑન’ (’34), ‘સ્ટીમબોટ’ (’35), ‘હરિકેન’ (’38), ‘ડ્રમ્સ ઍલાગ ધ મોહૉક’ (’39), ‘સ્ટેજ કૉચ’ (’39), ‘ધે વેર એક્સ્પેન્ડેબલ’ (’45), ‘માય ડાર્લિંગ ક્લેમેન્ટાઇન’ (’46), ‘ફૉર્ટ અપાચે’ (’48), ‘શી વોર એ યલો રિબન’ (’49), ‘રિયો ગ્રાન્ડે’ (’50), ‘મિ. રૉબર્ટ’ (’55), ‘લાસ્ટ હુર્રા’ (’58), ‘સેવન વિમૅન’ (’66).
કૅન્સરને કારણે તેમનું નિધન થયું. તેમની પુત્રી બાર્બરા ફૉર્ડ (1923–1985) ફિલ્મ-એડિટર હતી.
હરસુખ થાનકી