ફેમસ સિને લૅબોરેટરી

February, 2025

ફેમસ સિને લૅબોરેટરી : ચલચિત્રક્ષેત્રની નોંધપાત્ર લૅબોરેટરી. મૂળ તો આ સંસ્થા લૅબોરેટરીની સાથોસાથ ફિલ્મ સ્ટુડિયો હતી. વર્ષો સુધી ફિલ્મ-ઉદ્યોગમાં ફેમસ સ્ટુડિયોનો ડંકો વાગતો હતો; પણ 1980ના દસકા બાદ સ્ટુડિયોનું કામ ઓછું થતું ગયું અને લૅબોરેટરીનું કાર્ય યથાવત્ ચાલતું રહ્યું.

જાણીતા ચિત્રસર્જક શીરાઝઅલી હકીમે 1942માં ફેમસ સિને લૅબ ઍન્ડ સ્ટુડિયો બનાવવાની કલ્પના કરી. તેમની ઇચ્છા એવી હતી કે ફિલ્મનિર્માણ સંબંધિત તમામ ઉપકરણો અને સુવિધાઓ એક જ સ્થળેથી મળી જવાં જોઈએ. એ વખતે મુંબઈમાં અને અન્યત્ર સ્ટુડિયો તો ઘણા હતા, પણ સાથે લૅબોરેટરી ભાગ્યે જ કોઈની પાસે હતી.

પોતાનું સપનું સાકાર કરવા શીરાઝઅલીએ મિત્રો – પરિચિતો અને અન્યો પાસેથી ઉછીના લઈને 70 લાખ રૂપિયા એકઠા કર્યા, બાંધકામ પણ શરૂ કરી દીધું; પણ ત્યાં જ દેશના ભાગલા પડતાં શીરાઝઅલીએ પાકિસ્તાન જતા રહેવાનું પસંદ કર્યું. તેથી આ મિલકત જયપુરના શેઠ રુંગટાને તેઓ વેચતા ગયા. શેઠ રુંગટાને પછીથી ખ્યાલ આવ્યો કે આ મિલકત અનેક લોકો પાસે ગિરવી પડેલી છે. મદનલાલ બાજોરિયા સાથે ભાગીદારી કરીને તેમણે સ્ટુડિયો પર કબજો કર્યો અને તેને દેવામાંથી મુક્ત કર્યો.

ફેમસ સિને લૅબ ઍન્ડ સ્ટુડિયોનું બાંધકામ એ જમાનાના ખ્યાતનામ અભિનેતા અને એન્જિનિયર ઈ. બિલિમોરિયાએ કર્યું હતું. તેનું ઉદઘાટન 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. આ સિને લૅબ અને સ્ટુડિયોની ઘણી વિશેષતાઓ હતી; જેમાંની ઘણી આજે પણ વિદ્યમાન છે. શૂટિંગ માટે તેમાં બે ફ્લોર હોવા ઉપરાંત બે પ્રીવ્યૂ થિયેટર છે. ત્રણ માળની આ ઇમારતમાં 314 ઓરડા છે. અગાઉ તેમાં જુદા જુદા નિર્માતાઓનાં 170 જેટલાં કાર્યાલયો હતાં. સ્ટુડિયોના સુવર્ણકાળમાં અહીં 350થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા અને 1971 સુધી અહીં ત્રણ પાળીમાં કામ ચાલતું હતું.

આ સ્ટુડિયો અને લૅબોરેટરીમાં સૌપ્રથમ શૂટિંગ ‘મેલા’ ફિલ્મનું થયું હતું. 1948માં બનેલી આ ફિલ્મ ખૂબ લોકપ્રિય થઈ હતી. વિખ્યાત કૅમેરામૅન જાલ મિસ્ત્રી, ફલી મિસ્ત્રી, ધ્વનિ-આલેખક રૉબિન ચૅટરજી તથા મુકુલ બોસ આ સ્ટુડિયોની દેન છે. મોહન સહગલ, જે. ઓમપ્રકાશ, મોહનકુમાર, એન. કે. સૂરી, ગુરુ દત્ત, ચેતન આનંદ, શક્તિ સામંત, એફ. સી. મેહરા, શંકર–જયકિશન વગેરે જાણીતી હસ્તીઓનાં કાર્યાલય આ સ્ટુડિયોમાં હતાં.

1957માં સ્ટુડિયોના માલિક જગમોહન રુંગટાને તેમના ભાગીદાર મદનલાલ બાજોરિયા સાથે અણબનાવ થયો. રુંગટાએ જે બે ફિલ્મોનું નિર્માણ કર્યું હતું તે નિષ્ફળ જતાં ભારે ખોટ સહન કરવી પડી; તેમ છતાં ઘણાં વર્ષો સુધી આ સ્ટુડિયો અને લૅબોરેટરી અનેક સફળ ફિલ્મોના નિર્માણનાં સાક્ષી બની રહ્યાં હતાં.

હરસુખ થાનકી