ફેઝ (ફેસ) : ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશમાં પરંપરાગત ચાલી આવતી ચાર રાજધાનીઓ પૈકી ફેઝ પ્રાંતની રાજધાનીનું શહેર. તે ઇસ્લામ સંસ્કૃતિનું ધાર્મિક કેન્દ્ર છે. તે રબાતથી પૂર્વમાં 150 કિમી. અંતરે સેબુ નદીને મળતી ફેઝ નદીને કાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 34° 05´ ઉ. અ. અને 4° 57´ પ. રે. આ શહેરની વસ્તી 13,13,310 (2024) જેટલી છે.

આઠમી સદીના અંતભાગમાં (790માં) ફેઝ નદીના પશ્ચિમ (ડાબા) કાંઠે ફેઝ-અલ-બાલી અથવા મેદિનાત ફેઝ નામે એક નગર વસેલું. ત્યારપછીનાં થોડાં જ વર્ષોમાં (808માં) મુરીશ રાજવી ઇદ્રિસ બીજાએ નદીના પૂર્વ (જમણા) કાંઠે ફેઝની રાજધાની તરીકે ફેઝ-અલ-જેદિદ નામે બીજું શહેર વસાવેલું. અગિયારમી સદીમાં આ બંને શહેરોનું એકત્રીકરણ કરવામાં આવેલું. આ બંને શહેરોથી અલગ એવું આધુનિક યુરોપીય ઢબનું શહેર પણ અહીં વસ્યું છે, આ રીતે ફેઝ ત્રણ અલગ વિભાગોમાં વહેંચાઈ ગયેલું છે.

લાક્ષણિક કલા અને ચિત્રાંકનોથી મંડિત ફેઝ શહેરનું પ્રવેશદ્વાર

ચૌદમી સદીના પ્રારંભમાં રાજવી મારીનિદના સમયમાં આ શહેર તેના વૈભવની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું. તે વખતે દુનિયાનાં બધાં જ ઇસ્લામી સ્થળો પર ફેઝની ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. 1548ના મધ્યભાગમાં આ શહેરનો મોરોક્કોમાં સમાવેશ કરવામાં આવેલો. 30મી માર્ચ 1912થી અહીં ફ્રેન્ચોનો અમલ શરૂ થયેલો.

જૂના શહેર ફેઝ-અલ-બાલીમાં આવેલી કારાવીન મસ્જિદ આફ્રિકાની બધી જ મસ્જિદો પૈકી સૌથી મોટી ગણાય છે. ઈ. સ. 800ના અરસામાં બાંધેલી મુલાઈ ઇદ્રિસની મસ્જિદ ખૂબ જ પવિત્ર મનાતી હોવાથી જાણીતી બનેલી છે. 859માં અહીં કારાવીન વિદ્યાપીઠની પણ સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉપરાંત અહીં ઘણાં ધાર્મિક અને સાંસ્કૃતિક સ્મારકો પણ છે. બીજા શહેર ફેઝ-અલ-જેદિદમાં વિવિધરંગી ચિત્રોથી સજાવેલી એક પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે. યુરોપીય ઢબનું નવું શહેર જૂના શહેરથી અગ્નિભાગમાં આવેલું છે, 1916માં માર્શલ લ્વી ગૉઝાલ્વ્હ યુબેર લ્યોતે તે વસાવેલું. અહીં આકર્ષક ઇમારતો અને ઘણા ઉદ્યોગો આવેલાં છે.

આ શહેર મોરોક્કોમાં વેપાર અને પરંપરાગત હસ્તકલા માટે જાણીતું મથક બની રહેલું છે. અહીંનો મુખ્ય વેપાર રેશમી-ઊની કાપડ, સાબુ, ચામડાંની ચીજવસ્તુઓ અને ગાલીચાઓનો છે. શંકુ આકારની લાલરંગી ‘ફેઝ હૅટ’ના ઉદ્યોગ માટે આ શહેર જગતભરમાં ખ્યાતિ મેળવતું રહ્યું છે. આ શહેર ઉત્તર આફ્રિકી શહેરો સાથે રેલમાર્ગે સંકળાયેલું છે.

સત્તરમી સદીમાં સુલતાન ઇસ્માઇલે તેનો મહેલ ફેઝથી થોડે દૂર આવેલા મૅકનિસમાં બંધાવેલો, તેથી થોડા વખત માટે ફેઝ શહેરનું મહત્વ ઘટી ગયેલું; પરંતુ 1728થી તે ફરીથી પાટનગર બનેલું. 1912માં ફ્રેંચોએ મોરોક્કોનો કબજો મેળવ્યો ત્યાં સુધી તે મોરોક્કોનું પાટનગર રહેલું. આજે પણ તેનું ધાર્મિક મહત્ત્વ ટકી રહેલું હોવાથી ઘણા યાત્રિકો અહીં દર્શનાર્થે આવે છે.

ફેઝ ટોપી : એ ઊંચી, લાલ રંગની, ક્ધિાારી વાળ્યા વગરની ટોપી હોય છે, જેના ઉપરના મધ્યમાં રેશમી કે ઊની રેસાઓના ગુચ્છવાળું પુચ્છ લટકાવેલું હોય છે. આ ટોપી મૂળ તો ઇજિપ્ત અને ઉત્તર આફ્રિકામાં વધુ પ્રમાણમાં પહેરાય છે. ત્યાં તેને તર્બુશ (tarboosh) કહે છે. બધી જ ફેઝ ટોપીઓ અગાઉ લાલ બોરના રસનો રંગ બનાવીને રંગવામાં આવતી હતી; હવે તો રાસાયણિક રંજક(dye)નો ઉપયોગ કરીને રંગવામાં આવે છે. આ ટોપી સર્વપ્રથમ ફેઝ શહેરમાં બનાવાઈ હોવાથી તેનું ‘ફેઝ ટોપી’ નામ પ્રચલિત થઈ ગયું છે.

ગિરીશભાઈ પંડ્યા