ફૅરનહાઇટ, ગ્રેબ્રિયલ [જ. 24 મે 1686, ગડાન્સ્ક (Gdansk), પોલૅન્ડ; અ. 16 સપ્ટેમ્બર 1736, હેગ] : આલ્કોહૉલ થરમૉમિટર (1709) અને પારાના થરમૉમિટર(1714)ના શોધક. તેમણે ફૅરનહાઇટ તાપમાન માપક્રમ દાખલ કર્યો. તે યુ.એસ. અને કૅનેડામાં આજે પણ વપરાય છે. આ બે રાષ્ટ્રો સિવાય તાપમાનનો આ માપક્રમ (scale) હવે બીજા કોઈ રાષ્ટ્રમાં વપરાશમાં નથી.
ફૅરનહાઇટે તેમના જીવનનો ઘણોખરો સમય નેધરલૅન્ડ્ઝમાં પસાર કર્યો. અહીં તેમણે ભૌતિકશાસ્ત્રના અભ્યાસ પાછળ જીવન સમર્પિત કર્યું. ઉપરાંત આ સમયે તેમણે મોસમવિજ્ઞાન(meteorology)ના અભ્યાસ માટે ઉપયોગી પરિશુદ્ધ ઉપકરણો તૈયાર કર્યાં. તેમણે શોધી કાઢ્યું કે ઠારબિંદુ (freezing point) નીચે પાણી પ્રવાહી સ્વરૂપે રહે છે તથા વાતાવરણનું તાપમાન વધતાં પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ફૅરનહાઇટ તાપમાન માપક્રમ : આ માપક્રમ ઉપર પાણીનું ઠારબિંદુ 32° અને ઉત્કલનબિંદુ 212° લેવામાં આવે છે. આ બે બિંદુઓ વચ્ચેના ગાળાને એકસરખા 180 વિભાગમાં વહેંચી દેવામાં આવે છે.
અઢારમી સદીના જર્મન ભૌતિકવિજ્ઞાની ડૅનિયલ ફૅરનહાઇટે પ્રારંભમાં આ માપક્રમ ઉપર શૂન્યથી શરૂઆત કરી અને ઉપરનું તાપમાન 96° પસંદ કર્યું. આ તાપમાન સામાન્ય સંજોગોમાં માણસના શરીરના તાપમાન જેટલું છે. પાછળથી આ માપક્રમને 98.6° સુધી ગોઠવવાની જરૂર પડી.
1970 સુધી તાપમાનનો ફૅરનહાઇટ માપક્રમ વિશ્વમાં જ્યાં જ્યાં અંગ્રેજી ભાષા બોલાતી હતી ત્યાં બધે જ ઉપયોગમાં લેવાતો રહ્યો. બીજાં રાષ્ટ્રોમાં સેલ્સિયસ માપક્રમનો ઉપયોગ થતો હતો. વૈજ્ઞાનિક હેતુઓ માટે જગતભરમાં સેલ્સિયસ માપક્રમનો ઉપયોગ થતો હતો. આ સમય દરમિયાન કેટલાંક અંગ્રેજીભાષી રાષ્ટ્રોમાં પણ સેલ્સિયસ માપક્રમનો ઉપયોગ થતો હતો. અમુક સંજોગોમાં સેલ્સિયસમાં લીધેલા તાપમાનને ફૅરનહાઇટ માપક્રમ ઉપર વ્યક્ત કરવાની જરૂર પડે છે. તેના રૂપાંતરણ માટે નીચેનું સૂત્ર કામમાં લેવાય છે.
°F = ( 9⁄5 × °C) + 32
જ્યાં °F એ ફૅરનહાઇટમાં તાપમાન અને °C એ સેલ્સિયસમાં તાપમાન દર્શાવે છે.
આનંદ પ્ર. પટેલ