ફૅક્ટરી ઍક્ટ : કામદારોની કામગીરી સુવિધાજનક બનાવવાના હેતુથી ઔદ્યોગિક એકમો ઉપર વિવિધ નિયંત્રણો લાગુ પાડતો કેન્દ્ર સરકારનો કાયદો. આધુનિક ઉદ્યોગના આગમન સાથે એક અલગ કામદાર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. પ્રારંભિક તબક્કામાં કારખાનામાં કામદારોની સ્થિતિ ખૂબ જ દયાજનક હતી. તેમના કામના કલાકો, રજા, કામગીરીની પરિસ્થિતિ વગેરે અંગે કોઈ ચોક્કસ ધોરણો ન હતાં; પરિણામે પ્રથમ ઇંગ્લૅંડમાં અને ત્યારપછી લગભગ દરેક દેશમાં કારખાનાંના કાયદાઓ થયા.
1947ના નવેમ્બરમાં આપણા દેશની સંસદમાં કારખાના ધારા અંગે એક બિલ રજૂ થયું, જેણે 23 સપ્ટેમ્બર 1948ના રોજ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું અને 1લી એપ્રિલ 1949થી આપણા દેશમાં તે ધારાનો અમલ શરૂ થયો.
આ કાયદા પ્રમાણે, 10 અથવા વધુ કામદારો કામ કરતા હોય અને યાંત્રિક શક્તિનો ઉપયોગ કરતા હોય તેવા ઔદ્યોગિક એકમને અને 20 અથવા વધુ કામદારો કામ કરતા હોય અને યાંત્રિક શક્તિનો ઉપયોગ ન કરતા હોય તેવા ઔદ્યોગિક એકમને ‘કારખાનું’ ગણવામાં આવે છે.
મોસમી કારખાનાં સિવાય દરેક કારખાનાને આ કાયદો લાગુ પડે છે.
પુખ્ત વયના કામદારો માટે કામના વધુમાં વધુ કલાકો રોજના 9 અને અઠવાડિયાના 48 રાખવામાં આવેલ છે. 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને કારખાનામાં કામ પર લેવાની મનાઈ છે.
કોઈ પણ કામદાર પાસે સતત – વધુમાં વધુ પાંચ કલાક કાર્ય લીધા પછી ફરજિયાત ઓછામાં ઓછો અર્ધો કલાકનો વિશ્રાંતિનો સમય આપવો જરૂરી છે.
એક કૅલેન્ડર વર્ષમાં 240 દિવસની કામગીરી પૂરી કરી હોય એવા પુખ્ત વયના કામદારોને તેમની દર 20 દિવસની કામગીરી પર 1 દિવસના પ્રમાણમાં સવેતન રજા મળે એવી જોગવાઈ છે.
સલામતીની બાબતમાં ભયજનક યંત્રોની આસપાસ ફરતી વાડ કરવાની; યંત્રોના ચાલતા ભાગો દ્વારા અકસ્માતની શક્યતા હોય તેની આસપાસ સેફ્ટી ગાર્ડની સગવડ કરવાની; પુલી, ચેઇન વગેરેની વાર્ષિક તપાસ અંગેની તથા આગ અને ભયજનક ગૅસ વગેરે સામે યોગ્ય સલામતીનાં પગલાં લેવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે.
જે કારખાનામાં 250 કે વધુ કામદારો કાર્ય કરતા હોય તેમાં મજૂરો માટે કૅન્ટીનની સગવડ કરવા માટે અને કૅન્ટીનના ધોરણ બાબત નિયમો નક્કી કરવાનો અધિકાર, રાજ્ય સરકારને આપવામાં આવેલો છે. જ્યાં 30 કે વધુ સ્ત્રી-કામદારો કામ કરતાં હોય ત્યાં તેમનાં બાળકો માટે ઘોડિયાઘર રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત સ્વચ્છતા, તાપમાન, કૃત્રિમ ભેજ, પીવાનું પાણી તથા પ્રાથમિક સારવાર અંગેની જોગવાઈઓ પણ આ કાયદામાં છે.
જે કારખાનામાં 500 કે વધુ કામદારો કામ કરતાં હોય તેમાં મજૂર-કલ્યાણ અધિકારીઓની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે.
મજૂર-કલ્યાણપ્રવૃત્તિઓનું સંચાલન કરવું, મજૂરોની ફરિયાદોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો, મજૂર-સંચાલનની બાબતમાં ઉત્પાદકોને મદદ કરવી ઔદ્યોગિક ઝઘડાઓ ઉપસ્થિત થાય ત્યારે તેનો યોગ્ય નિકાલ લાવવા પ્રયત્ન કરવો વગેરે તેમની ફરજો છે.
કારખાનામાં ગીચતા ઓછી કરવા માટે, ઓવરટાઇમ માટે, ફૅક્ટરી- ઇન્સ્પેક્ટરને અકસ્માત તથા ધંધાકીય રોગોની જાણ કરવા માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.
મજૂરની કામની પરિસ્થિતિમાં સુધારો કરવામાં અને તે અંગે લઘુતમ ધોરણો નક્કી કરવામાં આ કાયદાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
આ કાયદાના સંચાલનની જવાબદારી દરેક રાજ્યસરકારની છે. કાયદાની જોગવાઈઓનો અમલ કરાવવા માટે રાજ્યસરકાર ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરી શકે છે.
વળી ફૅક્ટરી ઍક્ટમાં કારખાનાની નોંધણી પરવાનો, મંજૂરી જેવી તેમજ ઇન્સ્પેક્ટરની નિમણૂક અને સત્તાઓ વગેરે અંગેની સ્પષ્ટતાઓ ઉપરાંત આરોગ્યને લગતી, સલામતીને લગતી તથા કલ્યાણ માટેની અને તે ઉપરાંત પુખ્ત વયની વ્યક્તિઓ, સ્ત્રી-મજૂરો અને યુવાન મજૂરો માટેની પણ અલગ કાનૂની જોગવાઈઓ કરવામાં આવેલી છે.
પિનાકીન ર. શેઠ