ફુશુન : ઈશાન ચીનમાં આવેલા મંચુરિયાનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 41° 52´ ઉ. અ. અને 123° 53´ પૂ. રે. તે લિયાઓનિંગ પ્રાંતના શેનયાંગ(મુકડેન)થી પૂર્વમાં 45 કિમી. દૂર હુન (ઝુન) નદી પર આવેલું છે. આ શહેરના વિકાસમાં રશિયા અને જાપાનનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તે તેનાં કોલસા-ક્ષેત્રો માટે ચીનમાં તેમજ દુનિયાભરમાં જાણીતું બનેલું છે.

આબોહવા : ફુશુનની આબોહવા ખંડીય પ્રકારની ઠંડી છે. ઉનાળામાં વધુમાં વધુ તાપમાન 38° સે.થી વધુ ઊંચે જતું નથી, જ્યારે શિયાળામાં તે –23° સે. જેટલું નીચે ઊતરી જાય છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 650 મિમી. જેટલો પડે છે.

ખેતી : ઉનાળા-શિયાળા વચ્ચે વાર્ષિક તાપમાનનો ગાળો વિષમ (60° સે) રહેતો હોવા છતાં અહીં સૉયાબીન, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ડાંગર, તમાકુ અને શુગર-બીટ ઊગે છે. ખેતીની સાથે ઘોડા, ગધેડાં, ખચ્ચર, ઘેટાં અને અન્ય ઢોરનો ઉછેર પણ થાય છે.

ઉદ્યોગો : ફુશુન અને તેની આજુબાજુનો વિસ્તાર દુનિયાના વિશાળ ગણાતા કોલસાના જથ્થાઓ ધરાવતા વિસ્તારો પૈકીનો એક ગણાય છે. ચીનનું તે બીજા ક્રમે આવતું અને ઘણું મહત્ત્વનું ગણાતું કોલસા-ઉત્પાદક ક્ષેત્ર છે. અહીંથી ઉપલબ્ધ કોલસાથી શેનયાંગ તથા આનશાનના ધાતુ-ઉદ્યોગો માટે જરૂરી ઇંધનની માંગ પૂરી પડે છે. કોલસા-ક્ષેત્ર 16 કિમી. લાંબું અને 3.2 કિમી. પહોળું છે. અહીં રહેલા કોલસાનો કુલ અનામત જથ્થો 95 કરોડ મેટ્રિક ટન જેટલો હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે. આ કોલસો બિટુમિનસ પ્રકારનો છે, તેનો જાડામાં જાડો થર સ્થાનભેદે 37 મીટરથી માંડીને 128 મીટરની જાડાઈ ધરાવે છે, આટલી જાડાઈનો થર દુનિયાભરમાં માત્ર અહીં જ છે. દુનિયામાં વિશાળ ગણાતી ખુલ્લી ખાણો પણ ફુશુનમાં આવેલી છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) અગાઉનાં તરતનાં વર્ષોના ગાળામાં જ્યારે જાપાને મંચુરિયાનો કબજો મેળવેલો ત્યારે બિટુમિનસ કોલસાનું વાર્ષિક ઉત્પાદન આશરે 70 લાખ ટન જેટલું હતું. 1944માં તે વધીને 1 કરોડ ટન જેટલું તથા યુદ્ધ બાદ તે ઘટીને માત્ર 15 લાખ ટન જેટલું થઈ ગયેલું. 1950–60ના દાયકા દરમિયાન જ્યારે ચીને તેનો કબજો મેળવ્યો ત્યારે પુનર્વસવાટ અને વિસ્તરણને કારણે આ ઉત્પાદન 2 કરોડ ટન સુધી પહોંચેલું.

અહીંનો કોલસાનો થર તૈલી શેલખડકથી આચ્છાદિત છે અને તે આશરે 6થી 10% જેટલું તેલ પણ ધરાવે છે. તૈલી શેલ પર બે શુદ્ધીકરણ કારખાનાંઓમાં પ્રક્રિયા કરીને ઇંધન-તેલની ઊપજ લેવાય છે. ત્રીજા એક કારખાનામાં કોલસામાંથી કૃત્રિમ ખાતર માટેના એમોનિયમ સલ્ફેટનું તથા પૅરેફિનનું, કૃત્રિમ તેલનું ઉત્પાદન લેવાય છે. કોલસાની આડપેદાશ મિથેન વાયુ કાર્બન બ્લૅકની પ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવાય છે, જે રબર-ઉત્પાદનમાં મુખ્ય કાચા માલ તરીકે વપરાય છે. ફુશુનના કોલસા અને તૈલી શેલના ખાણકાર્યથી અહીંના ઉદ્યોગો ધમધમતા રહે છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ અહીં જાપાને સ્થાપેલાં પોલાદનાં, ભારે યંત્રોનાં, વીજસાધનોનાં એકમોનો પણ અહીંના ઉદ્યોગોમાં સમાવેશ થાય છે. પોલાદનો એકમ વિશિષ્ટ બૉલ-બેરિંગ માટે સ્ટીલનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત અહીં હુન નદીના વહેણને નાથવા માટે ફુશુનથી ઉપરવાસમાં એક મહત્વનો બંધ અને જળાશય તૈયાર કરવામાં આવેલાં છે. 1954થી ચીનની સરકારે ખનિજતેલના ઉત્પાદનની વૃદ્ધિ માટે ઘણાં મહત્વનાં સક્રિય પગલાં લીધાં છે. આ રીતે ફુશુન ચીનનું આગળ પડતું ઔદ્યોગિક મથક બની રહેલું છે. આ ઉપરાંત તે લશ્કરી દૃષ્ટિએ પણ ચીનનાં મહત્વનાં ગણાતાં પાંચ શહેરો પૈકીનું એક ગણાય છે.

ઇતિહાસ : કિલ્લેબંધી ધરાવતું આ શહેર 1669માં બંધાયેલું. કોલસાક્ષેત્રના વિસ્તારમાં જાપાનીઓ દ્વારા 1907માં નવું નગર વિકસાવવામાં આવ્યું છે, તે જૂના ફુશુનથી દક્ષિણ તરફ તૈયાર કરવામાં આવેલું છે અને ક્રમે ક્રમે તે ફુશુન મહાનગરના કેન્દ્રીય સ્થળ તરીકે વિકસી રહ્યું છે.

ઉત્તર ચીન અને મંચુરિયા જ્યારે ‘લીઆઓ’ અને ‘ચીન’ રાજવંશના શાસન હેઠળ હતાં. ત્યારથી ફુશુનમાં કોલસાના ખાણકાર્યની શરૂઆત થયેલી. 17મી સદીમાં જ્યારે મંચુ વંશ સત્તા પર આવ્યો ત્યારે શેનયાંગની બહાર આ ખાણવિસ્તારની નજીકમાં શહેનશાહોની કબરો હોવાથી ખાણકાર્ય માટે મનાઈ ફરમાવવામાં આવેલી. 1901માં ચીનના ખાણિયાઓ દ્વારા લીઆઓનિંગ પ્રાંતના લશ્કરી ગર્વનરે રાહતદરે ખાણકાર્ય શરૂ કરાવેલું. ખાણમાલિકો પાસે ખર્ચ માટેનાં નાણાંની જોગવાઈની અછત હોવાથી તેમના અમુક ખાણહકો રશિયનોને તબદીલ કર્યા, ત્યારપછી આ ખાણકાર્યમાં વેગ આવ્યો અને વિકાસ થયો. 1904–1905ના રૂસ-જાપાની યુદ્ધ બાદ, જાપાની દક્ષિણ મંચુરિયા રેલ કંપનીએ રશિયનો પાસેથી ફુશુનની ખાણોનો કબજો લઈ લીધો અને વધુ વિકાસ કર્યો. 1931 –45ના મંચુકુઓના કઠપૂતળીની જેમ ચાલતા રાજ્યના સમય દરમિયાન ફુશુનનું કોલસા-ક્ષેત્ર જાપાન માટે નાણાંના ભંડાર સમું બની રહેલું.

બીજા વિશ્વયુદ્ધના અંત વખતે જાપાન પરની સોવિયેટ રશિયાની યુદ્ધ-જાહેરાત પછી સોવિયેટ દળો 1945ના ઑગસ્ટની 29મી તારીખે ફુશુનમાં પ્રવેશેલાં. આ દળોએ મોટાભાગનાં સાધનો ત્યાંથી ખેસવી લીધેલાં. પ્રતિ કલાકે 2,80,000 કિલોવૉટ વીજઊર્જા-ઉત્પાદન-કક્ષા ધરાવતાં 12 વીજઊર્જા-ઉત્પાદક સાધનો પૈકી માત્ર બે જ રહેલાં. સારી સ્થિતિવાળાં પાંચ બૉઇલરો પણ ખેસવી લેવાયેલાં, બાકીનાંનો અંશત: નાશ કરેલો, તેલ-રિફાઇનરીઓ પૈકી માત્ર બે જ મૂળ સ્થિતિમાં રહેલી. 1945ના મધ્ય ઑક્ટોબરમાં સોવિયેટ દળો ત્યાંથી વિદાય થયા પછી, ચીની સામ્યવાદીઓએ ઑક્ટોબરની 17મી તારીખે ત્યાં પ્રવેશીને સ્થળનો કબજો લીધો. ત્યારપછી રાષ્ટ્રવાદીઓએ 1946ના માર્ચની 21મી તારીખે આ સ્થળને વિકસાવ્યું. ત્યારપછીના એક દાયકા દરમિયાન ફુશુન ફરીને પ્રધાન કોલસા-ખાણ-ઉદ્યોગનું ક્ષેત્ર અને કેન્દ્ર બની રહ્યું છે.

2020 મુજબ ફુશુનની વસ્તી 18,54,372 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 81,92,848 જેટલી છે.

ફુશુન નામનું બીજું પણ એક નગર ચીનના સચવાન પ્રાંતમાં  આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા