ફુવારા (fountains) : સાંકડા નિર્ગમ (exit) દ્વારા દબાણ અને પરપોટા સહિત નીકળતી જલધારાઓ. પુષ્પોથી મઘમઘતા ઉદ્યાનને વધારે સુંદર અને જીવંત બનાવવા માટેનું તે સાધન ગણાય છે. પક્ષીઓનો કલરવ અને બાળકોનો કિલકિલાટ પણ ઉદ્યાનને જીવંતતા બક્ષે છે. વહેતા પાણીને રમ્ય શોભા આપવાનો સૌપ્રથમ પ્રયાસ ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે થયો હતો. ભારતમાં પણ મુઘલ યુગમાં ઉદ્યાનમાં પાણીના વહેણવાળા કુંડ અને તેમાં વ્યવસ્થિત રીતે મૂકવામાં આવેલા ફુવારા જોવા મળે છે, જે મુઘલ બાદશાહોની કલાસૂઝના નિર્દેશક છે. ફુવારા ઉષ્ણ આબોહવામાં અત્યંત અનુકૂળ બની રહે છે, કેમ કે પાણીનો હવામાં થતો છંટકાવ શીતલન પ્રભાવ (cooling effect) ઉત્પન્ન કરે છે. પાણીના નિયંત્રિત અને પુનરાવર્તિત સંચલનને લીધે ફુવારા ‘ગતિશીલ શિલ્પ’ (mobile sculpture) બની જાય છે. તેની અભિકલ્પના (design) દ્રવચાલિત (hydraulic) ઇજનેરોના સહકારથી સ્થપતિ (architect) અને શિલ્પીઓ તૈયાર કરે છે. હવે તો ફુવારાના જુદા જુદા અનેક પ્રકારના અભિકલ્પ મળે છે.
ઘણી જગાએ ફુવારા દ્વારા બધી દિશામાં ગોળાકારમાં અને સીધી મધ્યમાં પાણીની સેરો ઉડાડવામાં આવે છે. સંગીતમય ફુવારા(musical fountain)માં આ પાણીની સેરો સંગીતના સૂરતાલ અનુસાર નાનીમોટી થતી હોય છે અને જુદી જુદી ઊંચાઈએ ઊડતી હોય છે. રાત્રે ફુવારા સ્પષ્ટપણે જોઈ શકાય તે માટે તેના ઉપર અવારનવાર બદલાતો રહેતો રંગબેરંગી પ્રકાશ પાડવામાં આવે છે. તેની સાથે સંગીતના સૂર તાલ મિલાવતા હોય ત્યારે તે ર્દશ્ય આહલાદક અને મનોરમ્ય બને છે.
ફુવારાના બે પ્રકાર પાડવામાં આવે છે : પહેલા પ્રકારના ફુવારાનું મહત્વનું લક્ષણ તેની પ્રધાર(jet)માંથી નીકળતી પાણીની સેરોની દિશાઓ, તેમનાં આકાર અને કદ છે. બીજા પ્રકારમાં પ્રધારને ગૌણ ગણવામાં આવે છે; પરંતુ તેનો શિલ્પ-સ્રોત (sculptured source) વધારે મહત્વનો હોય છે.
ફુવારામાં શક્તિનો સ્રોત ઘણુંખરું ગુરુત્વાકર્ષણબળ છે; છતાં જલચક્ર(water wheel)ની પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અર્વાચીન ફુવારા સામાન્ય રીતે વિદ્યુત-પંપ દ્વારા કાર્ય કરે છે.
ફુવારા મૂકતી વખતે ઉદ્યાનના વિસ્તારનું ધ્યાન રાખવું આવશ્યક ગણાય છે. ઉદ્યાન નાનો હોય અને ફુવારાનો વિસ્તાર મોટો હોય તો તે શોભતું નથી. વળી, ફુવારાની ચારે બાજુ પાણી ઊડતું હોવાથી તેની આસપાસ કીચડ થવાની શક્યતા રહે છે. તેથી તેવી જગાએ આરસ લગાડવામાં આવે છે; અથવા વધારે પાણી જેઓ લેતા હોય તેવા હંસરાજ જેવા છોડ રોપવામાં આવે છે. કેટલીક વાર ફુવારાની આસપાસ જલકુંડ બનાવી તેમાં કમળ જેવી શોભાદાયક વનસ્પતિઓ ઉગાડાય છે.
મોટાં ઉદ્યાનો ઉપરાંત નાનાં ઉદ્યાનો કે મકાનમાં એક કૂંડી જેવી રચનામાં નાના નાના ફુવારા તે જગાને સુશોભિત કરે છે. ફુવારા માટે પાણીની વધારે જરૂરિયાત હોય તેવું નથી. તેનું તે જ પાણી ફરી ફરીને વાપરીને પણ ફુવારા ઉડાડી શકાય છે. અલબત્ત, પાણીના આ પરિવહન (circulation) દરમિયાન થોડાક પાણીનું બાષ્પીભવન થતું હોવાથી અવારનવાર તેના ઓછા થતા પુરવઠાની પૂર્તિ કરવી પડે છે.
ફુવારા બનાવતી વખતે ઉપર્યુક્ત બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જોકે હવે તો આવી ખાસ સેવાઓ ઘણી જગાએ ઉપલબ્ધ હોય છે.
વિશ્વના સૌથી પ્રખ્યાત ફુવારા-ઉદ્યાન (fountain gurden) વર્સેઇલ્લિસ અને ટિવોલી(મધ્ય ઇટાલી)માં આવેલ વિલા દ ઈસ્ટીમાં અસ્તિત્વ ધરાવે છે. તેમની ખાસ વિશેષતા ફુવારા દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ છે.
ભારતમાં મૈસૂરનો વૃંદાવન ફુવારા-ઉદ્યાન અત્યંત મશહૂર છે. ગુજરાતના વડોદરા પાસે આજવા તળાવ ઉપર પણ સુંદર ફુવારા-ઉદ્યાન બનાવવામાં આવ્યો છે. જોકે હવે તો લગભગ બધાં મોટાં શહેરોમાં ફુવારા જોવા મળે છે. ઉદ્યાનો ઉપરાંત યાતાયાત દ્વીપ (traffic island) ઉપર પણ ફુવારા મૂકવામાં આવે છે.
મ. ઝ. શાહ