ફુલે, સાવિત્રીબાઈ (જ. 3 જાન્યુઆરી 1831, નાયગાંવ, જિ. સાતારા; અ. 10 માર્ચ 1897, પુણે) : પતિના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રમાં સ્ત્રીમુક્તિ-આંદોલનની પહેલ કરનાર અગ્રણી સમાજસુધારક. માળી જ્ઞાતિના એક સુખી ખેડૂત પરિવારમાં જન્મ. ઔપચારિક શિક્ષણથી વંચિત. નવ વર્ષની ઉંમરે જ્યોતિબા ફુલે (182790) સાથે લગ્ન. જ્યોતિબા પાછળથી મહાત્મા ફુલે નામથી ખ્યાતનામ બન્યા. તેઓ પોતે ક્રાંતિકારી વિચારક હોવાથી તેમની સમાજસુધારણાની ઝુંબેશના ભાગ તરીકે પુણે ખાતે તેમણે શિક્ષણના પ્રસારની જે ઝુંબેશ ઉપાડી તેમાં સક્રિય રીતે સહભાગી થવાના શુભાશયથી પતિના સક્રિય માર્ગદર્શન હેઠળ સાવિત્રીબાઈ લખતાં-વાંચતાં શીખ્યાં અને પતિએ શરૂ કરેલ શાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં. ત્યારબાદ શિક્ષિકા માટેની તાલીમસંસ્થામાં રીતસરની તાલીમ લીધી અને તેમાં ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ થયાં. સ્ત્રીકેળવણીના પ્રસાર માટે 1848માં જ્યોતિબાએ પુણે ખાતે શરૂ કરેલી શાળામાં સાવિત્રીબાઈ તાલીમપ્રાપ્ત શિક્ષિકા તરીકે જોડાયાં. તે જમાનામાં સ્ત્રીકેળવણી નિષિદ્ધ ગણાતી હોવાથી પતિ-પત્નીના આ કાર્ય દરમિયાન તેમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતેે સમાજના રોષનો સતત સામનો કરવો પડ્યો હતો, જેને લીધે કંટાળી જઈને એક તબક્કે સાવિત્રીબાઈએ પતિની પ્રવૃત્તિઓમાંથી મુક્ત થવાનો વિચાર પણ કર્યો હતો; પરંતુ પતિની સમજાવટ, દોરવણી અને સતત પ્રેરણાથી તેઓ તેમાં ચાલુ રહ્યાં હતાં. સમય જતાં સાવિત્રીબાઈએ પોતે પુણે ખાતે છોકરીઓ માટે નવી શાળાઓ શરૂ કરી. તેમના આ સાહસ અને પ્રશંસનીય કાર્ય માટે 1852માં બ્રિટિશ સરકારે પુણે ખાતે સાવિત્રીબાઈનું એક ખાસ સમારંભમાં જાહેર સન્માન કર્યું હતું.
માત્ર સ્ત્રીકેળવણી-ઝુંબેશમાં જ નહિ, પરંતુ સમાજસુધારણાની જ્યોતિબાની અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ સાવિત્રીબાઈ સક્રિય રહ્યાં હતાં. વૈધવ્ય પ્રાપ્ત કર્યા પછી પરપુરુષના સમાગમથી કલંકિત થયેલી સગર્ભા સ્ત્રીઓને આપઘાત કે ભ્રૂણહત્યા જેવાં પગલાંઓથી પરાવૃત્ત કરવાના શુભાશયથી ફુલે દંપતીએ પુણે ખાતે બાલહત્યા પ્રતિબંધક ગૃહ નામથી એક પ્રસૂતિગૃહની સ્થાપના કરી, જ્યાં સમાજ દ્વારા તરછોડાયેલી આવી પરાવલંબી સ્ત્રીઓ પોતાના ગર્ભને જન્મ આપી શકે. વળી તે જમાનામાં પ્રચલિત સામાજિક રૂઢિ મુજબ દરેક સ્ત્રીને પતિના અવસાન પછી અનિચ્છાએ પણ વાળ ઉતરાવવા પડતા હતા. આ કુરિવાજ સામે પણ ફુલે દંપતીએ આંદોલન શરૂ કર્યું; એટલું જ નહિ, પરંતુ પુણે નગરના વાળંદોનો ટેકો મેળવવા માટે તેમણે વાળંદોની હડતાળની સફળ આગેવાની પણ કરી. પુણે નગરમાં વસતા અસ્પૃશ્યો પીવાનું સ્વચ્છ પાણી મેળવી શકે તે માટે આ દંપતીએ પોતાના મકાનની પાણીની કૂંડી તેમના માટે ખુલ્લી મૂકી હતી.
સાવિત્રીબાઈ ફુલે
જ્યોતિબાના અવસાન બાદ સાવિત્રીબાઈએ પોતાના પતિના સમાજસુધારણાના કાર્યની આગેવાની પોતાના હાથમાં લીધી હતી અને અવસાન સુધી તે સઘળાં કાર્યો અનવરત ચાલુ રાખ્યાં હતાં. 1897માં પુણે ખાતે પ્લેગનો રોગચાળો ફાટી નીકળતાં સાવિત્રીબાઈએ તે રોગથી પીડાયેલાં બાળકો માટે રાહત અને સારવાર શિબિરો શરૂ કર્યા હતા જેમાં પ્રતિદિન આશરે બે હજાર જેટલાં બાળકોને સારવાર આપવામાં આવતી હતી; પરંતુ વિધિની વક્રતા એવી કે આવા જ એક બાળક્ધો સારવાર આપતી વેળાએ સાવિત્રીબાઈને તે રોગનો ચેપ લાગ્યો હતો. તેને કારણે થોડીક જ ક્ષણોમાં તેમનું અવસાન થયું હતું.
સાવિત્રીબાઈ કવયિત્રી હતાં. તેમની કવિતાના બે સંગ્રહો પ્રકાશિત થયા છે : (1) ‘કાવ્યફુલે’ (1934) અને (2) ‘બાવન કશી સુબોધ રત્નાકર’ (1982). તેઓ સામાજિક સમસ્યાઓ પર લેખો પણ લખતાં. તેમની કાવ્યરચનાઓ અને લખાણો આજે પણ મહારાષ્ટ્રની આમજનતાને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.
મહારાષ્ટ્રનાં સર્વપ્રથમ શિક્ષિકા, સર્વપ્રથમ સ્ત્રી-કેળવણીકાર, સર્વપ્રથમ કવયિત્રી અને સ્ત્રીમુક્તિ-આંદોલનનાં સર્વપ્રથમ સ્ત્રી-પુરસ્કર્તા તરીકે આધુનિક મહારાષ્ટ્રના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં સાવિત્રીબાઈ ફુલેનું નામ કાયમ માટે અંકિત થયું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે