ફુંડીનો ઉપસાગર : કૅનેડાના ન્યૂ બ્રન્સવિક અને નોવા સ્કોશિયા પ્રદેશોને અલગ પાડતો ઉપસાગર. ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે નાનકડો ફાંટો છે. આ ઉપસાગર તેના મુખપ્રદેશ પાસે આશરે 100 કિમી. જેટલો પહોળો છે. તેની લંબાઈ 240 કિમી. જેટલી છે. ઈશાન-ભાગમાં તે બે ફાંટામાં વિભાજિત થાય છે, ઉત્તર ફાંટો ચિગ્નેટો ઉપસાગર અને પૂર્વ ફાંટો મિનાસ થાળા તરીકે ઓળખાય છે. આખાય ઉપસાગરનું ક્ષેત્રફળ 9,300 ચોકિમી. જેટલું થાય છે. તેના કિનારાઓ પર વિશિષ્ટ પ્રકારની ખડકરચનાઓ, જંગલો અને પંકભૂમિમાંથી તૈયાર થયેલી ખેતીલાયક જમીન આવેલાં છે. કિનારા પર ઊંડું પાણી ધરાવતાં બારાં આવેલાં છે. સેન્ટ જૉન અને સેન્ટ ક્રૉઇક્સ નદીઓ ઉત્તરમાંથી આવીને આ ઉપસાગરમાં ઠલવાય છે. ઉપસાગરનો ઉત્તર તરફનો ભાગ દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈના સ્તર સુધી ઊછળતી ભરતી માટે જાણીતો બનેલો છે. ભરતીનાં પાણી ક્યારેક તો 15–21 મીટરની ઊંચાઈ સુધી હિલોળા મારે છે. ઉત્તરમાં વિભાજિત થતાં થાળાંમાં તેની અસર વધુ વરતાય છે. આ પ્રકારનું જળહલનચલન ભૂમિઘસારાથી ઉદભવતા કણનિક્ષેપોને એકઠા કરે છે; જેમાંથી વિશાળ ક્ષારીય પંકભૂમિનો પ્રદેશ વિકસેલો છે. આ પ્રદેશ યાયાવર પક્ષીઓ માટે તેમજ વહેલ સહિત દરિયાઈ જીવન માટે ખોરાક પૂરો પાડે છે.
17મી સદીના પ્રારંભિક સમયમાં આ ઉપસાગરને કિનારે યુરોપીય વસાહતીઓ આવીને સ્થાયી થયેલા. અહીં વિવિધ પ્રકારની માછલીઓ પકડવાનો ઉદ્યોગ, પશુપાલન સહિતની ખેતી, ખાણકાર્ય, જહાજવાડો, લાકડાંનું ઉત્પાદન અને પ્રવાસન-પ્રવૃત્તિઓ વિકસ્યાં છે. 1948માં ન્યૂ બ્રન્સવિકમાંનો કિનારાના પ્રદેશને અને નદીકોતરોવાળી ટેકરીઓને આવરી લેતા રાષ્ટ્રીય ઉદ્યાન તૈયાર કરવામાં આવેલો છે. ભરતીને નાથવા માટે 1984માં 20,000 કિલોવૉટની ક્ષમતાવાળું જળવિદ્યુતમથક નોવા સ્કોશિયામાં સ્થાપવામાં આવ્યું છે. 1985માં ઉત્તર વિભાગમાં 20 કરોડ વર્ષ અગાઉના કાળગાળાના ડાઇનેસૉરના જીવાવશેષો પણ મળી આવેલા છે.
ગિરીશભાઈ પંડ્યા