ફિશર, સર રોનાલ્ડ (જ. 17 ફેબ્રુઆરી 1890, લંડન; અ. 29 જુલાઈ 1962, એડેલેઇડ, ઑસ્ટ્રેલિયા) : બ્રિટિશ જનીનવિદ્યાવિદ અને ચિરપ્રતિષ્ઠિત (classical) આંકડાશાસ્ત્રીય પૃથક્કરણના સહસંશોધક. ફિશરે આંકડાશાસ્ત્રનું સંમાર્જન અને વિકાસ કર્યાં. પ્રયોગ–અભિકલ્પ (design), પ્રસરણ(variance)નું પૃથક્કરણ, લઘુપ્રતિદર્શ(sample)ની યથાતથ સાર્થકતા–કસોટીઓ અને મહત્તમ સંભાવિત (likely-hood) ઉકેલો વગેરે આંકડાશાસ્ત્રમાં તેમનાં પ્રમુખ યોગદાનો છે. તેમણે વિશેષત: જૈવિક સંશોધનની સમસ્યાઓ, લઘુપ્રતિદર્શ, પરિવર્તી (variable) સામગ્રી અને બદલાતું પર્યાવરણ વગેરે મુદ્દાઓ પર કામ કર્યું છે. અમુક પરિસ્થિતિને અનુલક્ષીને મહત્તમ માહિતી મેળવી શકાય એવા પ્રયોગો વિકસાવ્યા છે.
1912માં ફિશર કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી ખગોળશાસ્ત્ર સાથે સ્નાતક થયા. 1919માં હારપર્ડનમાં ગણિતશિક્ષક તરીકે અને ત્યારબાદ હર્ટફૉર્ડશાયર પાસે આવેલા રોહમસ્ટેડના ખેતીવાડી સંશોધન પ્રયોગમથકમાં આંકડાશાસ્ત્રીનો હોદ્દો સંભાળ્યો અને આંકડાશાસ્ત્ર અને જનીનવિદ્યા બંને વિષયનાં સંશોધનમાં ગણનાપાત્ર ફાળો આપ્યો.
ઘણા પ્રતિદર્શો (samples) આપેલા હોય ત્યારે તેમની પ્રાપ્તસામગ્રી(data)ની તાત્કાલિક સરખામણી કરવાની પ્રસરણ-પૃથક્કરણ નામની કાર્યપદ્ધતિ રોહમસ્ટેડમાં વિકસાવી. સંશોધકો માટે તેમણે શોધેલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ પચાસ કરતાં વધુ વર્ષના સમયગાળા માટે સીમાચિહ્નરૂપ બની રહી. ઉછેર (breeding) અંગેના તેમના સિદ્ધાંતો પ્રાકૃતિક પસંદગીના જનીનવિદ્યાના સિદ્ધાંતોના સ્વરૂપમાં 1930માં પ્રસિદ્ધ થયા.
1933માં આંકડાશાસ્ત્રના સંસ્થાપક (founder) કાર્લ પિયર્સનના અનુગામી તરીકે સુજનનવિદ્યાના ગેલ્ટન પ્રોફેસર તરીકે તેઓ નિયુક્ત થયા. 1943થી 1959 દરમિયાન કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના બાલ્ફર પ્રોફેસર તરીકે રહ્યા. જુદાં જુદાં લક્ષણો સાથે સંકળાયેલ જનીન શૃંખલાઓનું તેમણે અન્વેષણ કર્યું અને તેની સાથે સંકળાયેલ બહુચર વિશ્લેષણ (multivariate analysis) પદ્ધતિઓને વિકસાવી. ફિશરે તેમના આંકડાશાસ્ત્રના સમગ્ર સંશોધનકાર્યને ‘આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક નિષ્કર્ષ(statistical methods and scientific inference)માં સમાવિષ્ટ કર્યું છે. 1952માં તેમને ‘નાઇટ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે તેમની ઉત્તરાવસ્થાનાં વર્ષો આંકડાશાસ્ત્રીય પૃથક્કરણના સંશોધનમાં ગાળ્યાં. તેમણે પ્રતિદર્શની પદ્ધતિઓ (sampling techniques) અને યર્દચ્છા પદ્ધતિઓ (randomization procedures) પર કામ કર્યું છે.
શિવપ્રસાદ મ. જાની