ફિરાક, ગુલામ નબી (જ. 1922, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી કવિ, લેખક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સદા તિ સમંદર’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને ઉર્દૂ ભાષા અને સાહિત્યમાં અદીબ ફાઝિલની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી, ઉર્દૂ અને હિંદી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. તેમણે એસ.પી. ડિગ્રી કૉલેજ, જમ્મુ અને કાશ્મીરમાં પુસ્તકાલય અધ્યક્ષ તરીકે કારકિર્દી શરૂ કરેલી અને ત્યાર બાદ જુદી જુદી યુનિવર્સિટીઓમાં અંગ્રેજીનું અધ્યાપનકાર્ય સંભાળ્યું. તેમણે પ્રતાપ, તવી અને મયાર (કાશ્મીરી) તથા કાગ પોશ (ઉર્દૂ) સમાચારપત્રોનું સંપાદન કર્યું.
તેમની મહત્વની કૃતિઓ છે : ‘કાશીર અદબી ઇસ્તલાહ’, ‘નવ-શાર-ઇ-સોમ્બ્રેન’, ‘રંગ નઝરાન હિંદ’ અને ‘સદા તિ સમંદર’. ‘કથ ઇન્સાન સિંજ’ તેમનો અનુવાદ છે. ‘ડૉ. ફાસ્ટસ’ અને ‘દયાર-ઇ-ખોજા’ અનૂદિત નાટકો છે. તે અપ્રકાશિત છે, છતાં તેનું મંચન કરવામાં આવ્યું છે. પ્રથમ કૃતિ દૂરદર્શન પર પ્રદર્શિત કરવામાં આવી હતી. રહસ્યવાદ, મસનવી, પ્રેમકવિતા, સ્વચ્છંદતાવાદ, પ્રશિષ્ટ કવિતા, આધુનિકતાવાદ, ઉત્તર આધુનિકતાવાદ જેવા વિષયો પરના તેમના અનેક લેખો પ્રગટ થયા છે.
તેમને સ્ટેટ કલ્ચરલ એકૅડેમી અને એક પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા હલ્ક-ઈ-અદબ સોનાવારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સદા તિ સમંદર’ કાશ્મીરી ‘નઝ્મ’ના શિલ્પી એવા આ કવિની ‘ગઝલ’ અને ‘વચન’ જેવાં પરંપરાગત સ્વરૂપો પરની નિપુણતા પુરવાર કરે છે. તેમાં રૂપકોનું લાલિત્ય દ્વારા અલંકારના ભાર વિનાની વાક્પટુતા તથા શબ્દાવલીની સાદાઈ વગેરે દ્વારા એમના સાચા કવિત્વની પ્રતીતિ થાય છે. તેથી આ કૃતિને એમના દ્વારા કાશ્મીરીમાં ભારતીય કવિતાને થયેલું રમણીય અર્પણ માનવામાં આવે છે.
બળદેવભાઈ કનીજિયા