ફિનિક્સ (શહેર)

February, 2024

ફિનિક્સ (શહેર) : યુ.એસ.ના અગ્નિભાગમાં આવેલા અલાબામા રાજ્યની પૂર્વ સરહદે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 28´ ઉ. અ. અને 85° 0´ પ. રે. તે જ્યૉર્જિયા રાજ્યની પશ્ચિમ સરહદે આવેલા કોલંબસ શહેરની તદ્દન સામે બંને રાજ્યની સરહદ બનાવતી ચટ્ટાહુચી નદીના પશ્ચિમ કિનારા પર તેમજ માટગોમરીથી પૂર્વમાં 132 કિમી. અંતરે આવેલું છે.

અહીં લાકડાં કાપવાનો ઉદ્યોગ, ડેરીઉદ્યોગ, કપાસ, મગફળી અને અન્ય કૃષિપેદાશોનું ઉત્પાદન એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે. અહીંની સ્થાનિક પેદાશોમાં સાકર, ઈંટો, માટીનાં વાસણો તથા ચીજવસ્તુઓ, આસ્ફાલ્ટ, સિમેન્ટ–કૉંક્રીટની ચીજવસ્તુઓ, ધાતુની ભરતર ચીજો, વિવિધ કચેરીઓ માટેની તિજોરીઓ અને કબાટો, રસોડાની કૅબિનેટો વગેરેનો સમાવેશ થાય છે.

આ શહેર મૂળ લી પરગણામાં હતું ત્યારે તે બ્રાઉનવિલે તરીકે ઓળખાતું હતું. 1883માં સ્થપાયેલ જૂના શહેર જિર્રાડને 1923માં તેની સાથે ભેળવી દેવાયું અને રસેલ પરગણાનું મુખ્ય મથક બની રહ્યું. 1972માં તે ફરીથી લી પરગણા સાથે જોડાયું છે. ફિનિક્સ શહેરને કોલંબસ શહેર સાથે જોડતો પુલ અહીંના આંતરવિગ્રહની સ્મૃતિમાં બંધાયેલો છે. આ શહેરની વસ્તી 38,816 (2020) છે.

ગિરીશભાઈ પંડ્યા