ફિટ્ચ, વૅલ લૉગ્સડન (Fitch, Val Logsdon) (જ. 10 માર્ચ 1923, મેરીમૅન, નેબ્રાસ્કા, યુ.એસ.એ.; અ. 5 ફેબ્રુઆરી 2015, પ્રિન્સટન, યુ.એસ.એ.) : તટસ્થ K-મેસોનના ક્ષયમાં થતા મૂળભૂત સમમિતિ સિદ્ધાંતોના ઉલ્લંઘનો – આ શોધ માટે 1980નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ તેમના સહકાર્યકર્તા જેમ્સ ક્રોનિનને પ્રાપ્ત થયો હતો.
વૅલ લૉગ્સડન ફિટ્ચનો જન્મ નેબ્રાસ્કામાં આવેલા પશુઉછેર માટેના ખેતરમાં થયો હતો. તેમના પિતા પશુઉછેરનો ધંધો કરતા તથા માતા શાળામાં શિક્ષિકા હતાં. ફિટ્ચે ગોર્ડન હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈન્યમાં જોડાવાની તેમને ફરજ પડી. સૈન્યની વિશેષ તાલીમ મેળવવા માટે તેમને કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં મોકલવામાં આવ્યા. મૅનહૅટન પ્રોજેક્ટમાં જોડાવા માટે તેમન તકનીકી શિક્ષણ આપવામાં આવ્યું અને તે માટે તેમને લૉસ આલામૉસ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા. અહીં તેઓ ખૂબ પ્રતિષ્ઠિત ભૌતિકશાસ્ત્રીઓના સંપર્કમાં આવ્યા. જેવા કે નીલ્સ બ્હોર, જેમ્સ ચૅડવિક, એન્રિકો ફર્મી, રાબી વગેરે. 1946માં તેમને સૈન્યની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા.
યુદ્ધ સમયના અનુભવે ફિટ્ચને ભૌતિકશાસ્ત્રી બનવા માટે પ્રેર્યા. તેમણે મૅકગિલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને 1948માં વિદ્યુત (ઇલેક્ટ્રિકલ) ઇજનેરીમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ કોલંબિયા યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પદવી માટે જેમ્સ રેનવૉટરના માર્ગદર્શન હેઠળ અભ્યાસ શરૂ કર્યો અને 1954માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ફિટ્ચે તેમનાં મહત્વનાં સંશોધનો બ્રુકહેવન નૅશનલ લૅબોરેટરીમાં કર્યાં, જ્યાં તેમનો પરિચય જેમ્સ ક્રોનિન સાથે થયો. 1964માં તેઓએ સંયુક્ત રીતે સંશોધનો હાથ ધર્યાં – જ્યારે K-મેસોનનો ક્ષય થાય છે ત્યારે દ્રવ્ય અને પ્રતિદ્રવ્ય સમમિતિનું ઉલ્લંઘન થાય છે. આ સંશોધન માટે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.
1954માં તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીમાં જોડાયા અને કારકિર્દીના અંત સુધી ત્યાં કાર્યરત રહ્યા. 1968માં તેમને અર્નેસ્ટ લૉરેન્સ પુરસ્કાર પ્રાપ્ત થયો. 1976માં જ્હૉન પ્રાઇસ ચંદ્રક તથા 1993માં નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ પ્રાપ્ત થયા. તેઓ અમેરિકન ફિઝિકલ સોસાયટીના પ્રમુખ હતા.
પૂરવી ઝવેરી