ફાલસા : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Grewia subinequalis DC. syn. G. asiatica Mast. (સં.  पुऱुषक; હિં. બં. મ. ગુ. ફાલસા; ક. બેટ્ટહા; અં. એશિયાટિક ગ્રેવિયા) છે. તે ભારતની મૂલનિવાસી છે.

તે નાનકડું વૃક્ષ કે મોટું વિપથગામી (straggling) ક્ષુપ છે અને તે ફળ માટે ઉગાડવામાં આવે છે. તેની છાલ ખરબચડી અને ભૂખરી હોય છે. પર્ણો પહોળાં અને હૃદયાકારથી માંડી અંડાકાર, સાર્ધ, એકાંતરિક, ઉપપર્ણીય (stipulate) અને અનિયમિતપણે દંતૂર (dentate) હોય છે. પુષ્પો પીળા રંગનાં અને પર્ણની કક્ષમાં સમૂહમાં ઉદભવે છે. ફળ અષ્ઠિલ (drupe), ગોળ, લાલ કે જાંબલી રંગનું, અસ્પષ્ટપણે ખંડિત, એક કે દ્વિબીજમય અને ખાદ્ય હોય છે.

ફાલસાની પુષ્પીય શાખા અને ફળો

ફાલસાનાં ફળો વારંવાર છોડ ઉપરથી ઉતારવાનો મજૂરી-ખર્ચ વધારે લાગે છે, તેમજ ફળો ઝડપથી બગડી જતાં હોવાથી વેપારી ધોરણે તેનું વાવેતર શહેરી વિસ્તારની આજુબાજુ ખૂબ મર્યાદિત પ્રમાણમાં થાય છે. જંગલી વગડાઉ છોડ તરીકે ઉત્તર ભારત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર તથા પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારમાં તથા દક્ષિણ ભારતમાં મલબાર ક્ષેત્રમાં થાય છે. ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને કચ્છ જિલ્લાઓમાં નાના પાયે તેનું વાવેતર થાય છે.

ફાલસાનાં મૂળ જમીનમાં ખૂબ ઊંડાં જતાં હોવાથી સૂકા તથા અર્ધ સૂકા વિસ્તાર માટે આદર્શ ફળપાક છે. દરિયાકિનારાની ભેજવાળી આબોહવા પણ આ પાકને માફક આવે છે. શિયાળામાં છોડનાં પર્ણો ખરી પડતાં હોવાથી હિમ સામે છોડ ટકી શકે છે. ટૂંકમાં, ફાલસા વિષમ પરિસ્થિતિમાં ટકી શકે તેવો ખડતલ પાક છે. રેતાળ, કાળી, હલકી, ભારે – લગભગ બધા જ પ્રકારની જમીનમાં આ પાક ઉગાડી શકાય છે. બિનઉપયોગી જમીનમાં આ પાક લઈ શકાય છે. ક્ષારવાળી તથા ચુનાળ જમીન આ પાકને માફક આવતી નથી.

ફાલસાની કોઈ સુધારેલ જાતો નથી. સામાન્ય રીતે મોટાં અને નાનાં ફળવાળી એવી બે દેશી જાતો છે. સામાન્યત: તેનું પ્રસર્જન બીજથી અથવા બીજમાંથી તૈયાર કરેલ રોપાઓથી થાય છે. વાનસ્પતિક પ્રસર્જન કાષ્ઠમય કટકા-કલમ, દાબ-કલમ તથા ગુટી-કલમથી થઈ શકે; પરંતુ સફળતા ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે.

જમીનને, તેમાંથી અગાઉના પાકનાં જડિયાં, કચરો વગેરે વીણી લઈ, બેત્રણ સારી ખેડ કરી, એકબે વખત કરબી સમતળ કરીને તૈયાર કરવામાં આવે છે. ઉનાળામાં ખેતરમાં 2 × 2 અથવા 3 × 3 મીટરના અંતરે નાના ખાડા કરી, તેમને છાણિયું ખાતર તથા માટીના મિશ્રણથી પૂરી દઈને તેમની મધ્યમાં જૂન–જુલાઈ માસમાં રોપનું વાવેતર કરવામાં આવે છે. શરૂઆતમાં રોપણી વખતે છોડદીઠ 10 કિગ્રા. સારું કોહવાયેલું છાણિયું અથવા ગળતિયું ખાતર આપવામાં આવે છે.

રાસાયણિક ખાતરો છોડદીઠ 250 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફૉસ્ફરસ અને 100 ગ્રામ પોટાશ તત્વોના રૂપમાં બે હપતામાં નીચે પ્રમાણે અપાય છે :

(1) પાકની છાંટણી કર્યા પછી 15 દિવસે 100 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફૉસ્ફરસ અને 100 ગ્રામ પૉટાશ તત્ત્વો આપવાં; (2) પાકની છાંટણી કર્યા પછી 1 માસે 150 ગ્રામ નાઇટ્રોજન તત્ત્વ અપાય છે.

ફાલસાનાં ફળો નવી ફૂટમાં આવતાં હોવાથી પ્રતિવર્ષ છાંટણી કરવી જરૂરી છે. તેમાં છાંટણીનો સમય, તેની ઊંચાઈ, તથા તેનો પ્રકાર અગત્યનાં પાસાં છે. લગભગ ડિસેમ્બર–જાન્યુઆરી માસમાં છોડ ઉપરનાં પાન ખરી પડે અથવા ખરી પડવાની તૈયારી હોય ત્યારે છાંટણી કરવી ઉત્તમ ગણાય છે. જમીનથી એક મીટરની ઊંચાઈ સુધીની ડાળીઓ રાખી મધ્યમ પ્રકારની છાંટણી કરવામાં આવે છે. છોડને નિયમિત અને યોગ્ય પ્રમાણમાં પિયત આપવામાં આવે છે. શિયાળામાં છાંટણી કર્યા બાદ 15થી 20 દિવસે પિયત આપવામાં આવે છે અને  તે ગાળા પ્રમાણે ચાલુ રાખવામાં આવે છે. ઉનાળામાં 5થી 6 દિવસે પાણી આપવામાં આવે છે.

રોપણી પછી ત્રીજા વર્ષથી ફળો માર્ચથી જૂન માસના ગાળામાં મળે છે. ફળો કદમાં નાનાં હોય છે અને છોડ ઉપર જ ધીમે ધીમે પાકે છે. આથી જેમ જેમ ફળો પાકતાં થાય તેમ તેમ વીણી લેવામાં આવે છે. ફળો ઘેરા ભૂખરા લાલ તથા જાંબુડિયા રંગનાં થાય ત્યારે તેમના દેખાવ તથા મીઠાશ ઉપરથી પક્વ છે કે નહિ તે જાણી શકાય છે. સામાન્ય રીતે ઘેરા જાંબુડિયા રંગનાં ફળો પરિપક્વ હોય છે. છોડદીઠ આશરે 2થી 3 કિગ્રા. ફળનું ઉત્પાદન મળે છે. ફળોની ટકાઉ શક્તિ ઘણી ઓછી હોવાથી ઝાડ ઉપરથી ઉતાર્યા પછી વેળાસર વેચાણ કરવું અત્યંત જરૂરી છે. ફાલસાનાં ફળો ખાદ્ય છે તેમજ તેમાંથી શરબત, સ્ક્વૉશ અને અથાણું બનાવવામાં આવે છે.

તેનું ફળ સ્વાદે એસિડિક અને રોચક હોય છે. તે ઍસિડ (સાઇટ્રિક ઍસિડ તરીકે) 2.8 %, શર્કરા (સુક્રોઝ તરીકે) 11.7 % અને પ્રજીવક ‘સી’ અલ્પ પ્રમાણમાં ધરાવે છે.

આયુર્વેદ અનુસાર તે ખાટાં, તૂરાં અને લઘુ હોય છે અને કફ તેમજ વાયુનાં નાશક તથા પિત્તકર હોય છે.  લીલાં કાચાં ફળ પિત્તલ, લઘુ, ઉષ્ણ, ખાટાં, તૂરાં અને વાતનાશક હોય છે. પાકાં ફળ મધુર, સ્વાદુ, રુચિકર, તર્પક, શીતળ, મલબદ્ધતાકારક, હૃદ્ય, ધાતુકર અને ખાટાં હોય છે તેમજ વાત, પિત્ત, રક્તદોષ, તૃષા, દાહ, ક્ષતક્ષય, શોફ અને પિત્તજ્વરનો નાશ કરે છે. તેનો ઉપયોગ મૂઢ ગર્ભ અને મૃતગર્ભ પાડવામાં, દાહશમન માટે અને પિત્તવિકાર તથા હૃદરોગ પર થાય છે.

જ. પુ. ભટ્ટ