ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક
February, 1999
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક : ફાર્બસ ગુજરાતી સભાનું મુખપત્ર. 1936માં એપ્રિલ-જૂનના પ્રથમ અંક સાથે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ની શરૂઆત થઈ. એના પ્રથમ સંપાદક અંબાલાલ બુલાખીરામ જાની હતા. સામયિક શરૂ કરવા પાછળનું પ્રયોજન પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ અને ગુજરાતી સાહિત્યનાં સંશોધન, વિવેચન, વિશદીકરણ અને પ્રકાશનનું હતું. ગુજરાતની તે કાળની સંસ્કૃતિને સ્પર્શતી, તે કાળની સંસ્કૃતિમાં ભાગ ભજવતી રહેતી વિવિધ વિદ્યાઓ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર આદિ કલાઓ વગેરેની તવારીખી હકીકતો આવરી લેવાની અને સહુની વિધેયાત્મક ચર્ચાઓ પણ લેવાની નેમ હતી. ઉપરાંત ગુજરાતમાં પ્રચલિત પુરાતન ધર્મો, મતો, સંપ્રદાયો તેમ તેના શુદ્ધ સાહિત્યને યથાયોગ્ય સ્થાન આપવાનો હેતુ પણ રખાયો હતો. ટૂંકમાં, ગુજરાતનાં સાંસ્કૃતિક, સાહિત્યિક, ધાર્મિક, સામાજિક, ભૌગોલિક, ઐતિહાસિક જેવાં કેટલાંયે ઊહાપોહો-સંશોધનો-વિવેચનોની અપેક્ષા એમાં રખાઈ હતી.
આ ત્રૈમાસિકના સંપાદક તરીકે અંબાલાલ બુલાખીરામ જાની એપ્રિલ-જૂન 1936થી જાન્યુઆરી-માર્ચ 1942 સુધી; બિપિનચંદ્ર જીવણચંદ ઝવેરી એપ્રિલ-જૂન 1942થી એપ્રિલ-સપ્ટેમ્બર 1943 સુધી; શંકરપ્રસાદ છગનલાલ રાવળ ઑક્ટોબર-માર્ચ 1943થી જાન્યુઆરી-માર્ચ 1957 સુધી; પ્રવીણચંદ્ર જીવનદાસ રૂપારેલ એપ્રિલ-ડિસેમ્બર 1957થી એપ્રિલ-જૂન 1960 સુધી; ઉપેન્દ્ર ઉમિયાશંકર રાવલ જુલાઈ-સપ્ટેમ્બર 1960થી ઑક્ટોબર-ડિસેમ્બર 1960 સુધી; ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી જાન્યુઆરી-માર્ચ 1961થી ઑક્ટોબર-ડિસેમ્બર 1966 સુધી; ભૃગુરાય અંજારિયા જાન્યુઆરી-માર્ચ 1967થી એપ્રિલ-જૂન 1969 સુધી અને ફરીથી ભૂપેન્દ્ર બા. ત્રિવેદી જુલાઈ-સપ્ટેમ્બર 1969થી જાન્યુઆરી-માર્ચ 1973 સુધી કામ કરતા હતા. તે પછી મંજુ ઝવેરી એપ્રિલ-જૂન 1973થી આ ત્રૈમાસિકનું સંપાદન સંભાળી રહ્યાં છે.
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકે જાહેરખબરોની સહાય વગર, કશા નફા કે વળતરની અપેક્ષા વગર, ખોટ ભોગવીને પણ 61 વર્ષથી સાતત્યપૂર્વક પ્રયોજન-સુસંગત પરંપરા ચાલુ રાખી છે, ર્દઢાવી છે અને સામયિક-જગતમાં સંગીન સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાર્બસ સાહિત્ય સભાનું એ મહત્ત્વનું પ્રદાન છે.
મંજુ ઝવેરી