ફાતિમા બેગમ (જ. વીસમી સદીનો પૂર્વાર્ધ ) : અભિનેત્રી અને ભારતીય ચલચિત્રોની પ્રથમ નિર્માત્રી–દિગ્દર્શિકા. મહિલાઓ જ્યાં અભિનેત્રી તરીકે કામ કરતાં પણ સાત વાર વિચાર કરતી એવા સમયે, કપરી પરિસ્થિતિ વચ્ચે ફાતિમા બેગમે અભિનય ઉપરાંત નિર્માણ અને દિગ્દર્શનક્ષેત્રે ઝુકાવ્યું હતું. ફાતિમા બેગમ મૂળ તો સૂરત પાસેના સચિનના નવાબ ઇબ્રાહીમખાનનાં ઉપપત્ની હતાં. તેમને ત્રણ દીકરીઓ હતી : સુલતાના, શહજાદી અને ઝુબેદા. જિંદગીભર માત્ર નવાબની ઉપપત્ની રહીને દિવસો કાઢવા કરતાં ખાસ કરીને પોતાની ત્રણેય દીકરીઓના ભવિષ્ય માટે તેમણે મુંબઈની વાટ પકડી લીધી. એ દિવસોમાં મુંબઈના ચિત્ર-ઉદ્યોગમાં જેટલી પણ અભિનેત્રીઓ આવતી, એમને કામ મળી જતું.
તેમને અરદેશર ઈરાનીના ચિત્ર ‘વીર અભિમન્યુ’(1922)માં કામ મળી ગયું. એમાં તેમણે સુભદ્રાની ભૂમિકા ભજવી. ઉત્તરાની ભૂમિકા તેમની નાની દીકરી ઝુબેદાને મળી. 1924માં તેમનાં ચાર ચિત્રો આવ્યાં. ‘પૃથ્વીવલ્લભ’, ‘ગુલ એ બકાવલી’, ‘કાલા નાગ’ તથા ‘સતી સરદારબા’. આ ચાર ચિત્રો સફળ થતાં, 1925માં તેમણે ‘નાહરસિંહ ડાકુ’, ‘દેવદાસી’, ‘મુંબઈની મોહિની’ અને ‘ગૌડ બંગાલ’ ચિત્રોમાં કામ કર્યું. તે થોડા જ સમયમાં જાણીતાં બની ગયાં. પણ તેમની ત્રણેય દીકરીઓને ચિત્રોમાં નાની નાની ભૂમિકાઓ જ મળતી હતી. દીકરીઓને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવવા પોતે જ કંઈક કરવું પડશે એ સમજાતાં તેમણે 1925–26ના અરસામાં ‘ફાતિમા ફિલ્મ કંપની’ શરૂ કરી. આ સંસ્થાના નેજા હેઠળ તેમણે ચિત્રોનું નિર્માણ કરવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું. સાથોસાથ ‘કોહિનૂર’ અને ‘ઇમ્પીરિયલ’ જેવી ખ્યાતનામ નિર્માણસંસ્થાઓનાં ચિત્રોમાં અભિનય પણ કર્યો. 1928માં પોતાની સંસ્થાનું નામ બદલીને ‘વિક્ટોરિયા – ફાતિમા કંપની’ રાખ્યું.
તેમણે બનાવેલું પ્રથમ ચિત્ર ‘બુલબુલે પરિસ્તાન’ (1927) વખણાયું. ટ્રિક-ફોટોગ્રાફીની કમાલ આ ચિત્રનું આકર્ષણ હતી. તેમની સફળતાને કેટલાક લોકો પચાવી શક્યા નહિ. તેમના માર્ગમાં અવરોધો ઊભા કરીને તેમના આર્થિક સ્રોતો બંધ કરવાનો પ્રયત્ન કર્યો. નિતનવા વિવાદો ખડા કરીને તેમને અદાલતમાં પણ લઈ ગયા. તેમણે આ તમામ અડચણોનો હિંમતભેર સામનો કર્યો.
ફાતિમાએ જે ચિત્રોનું દિગ્દર્શન કર્યું તેમાં 1928માં ‘ચંદ્રવધ’, ‘હીરરાંઝા’, ‘સરોજિની’, ‘ભરમાયેલો ભરથાર’ અને ‘નાગપદમણી’નો તથા 1929માં ‘કનકતારા’, ‘મિલન દીનાર’, ‘નસીબની દેવી’, ‘શકુન્તલા’ અને ‘શાહીચોર’નો સમાવેશ થાય છે. તેમણે 1922થી 1938 સુધીની તેમની કારકિર્દી દરમિયાન 40 જેટલાં ચિત્રોમાં કામ કર્યું., જે પૈકી 8 ચિત્રોનું દિગ્દર્શન કર્યું, થોડાંક બોલપટોમાં પણ તેમણે અભિનય કર્યો હતો.
હરસુખ થાનકી