ફલેકોર્શિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 64 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ સાર્વોષ્ણકટિબંધીય (pantropical) અને ઉપોષ્ણકટિબંધીય (subtropical) પ્રદેશોમાં થયેલું છે. ગુજરાતમાં 2 પ્રજાતિઓ અને 5 જાતિઓ થાય છે. તે પૈકી Casearia elliptica willd. તોંદ્રુમા, C. esculenta Roxb. (તંદોલ), C. groveoloens Dalz. (કીરંબીરા) (કીરમીરા), flacourtia indica (Burm f.) Merr. (ગારગુગળ, લોદ્રી) અને F. montana Grah. ડાંગ અને પાવાગઢનાં પર્ણપાતી જંગલોમાં થાય છે.
આ કુળની જાતિઓ ઘણુંખરું વૃક્ષ કે ક્ષુપ અથવા ક્વચિત્ આરોહી હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક (ભાગ્યે જ સંમુખ), દ્વિપંક્તિક (distichous), ચર્મિલ (oriaceous) અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. તેનાં ઉપપર્ણો શીઘ્રપાતી (caducous) હોય છે. પુષ્પવિન્યાસ મોટાભાગે અગ્રીય કે પાર્શ્વીય પરિમિત (cymose) પ્રકારનો હોય છે. પુષ્પ ત્રિજ્યાસમમિત (actinomorphic), દ્વિલિંગી (કેટલીક વાર એકલિંગી, એકગૃહી (monoecious) અથવા દ્વિગૃહી (dioecious) દા.ત., (pangium) અને અધોજાયી (hypogynous) હોય છે. વજ્રપત્રો – 2થી 15, સમાન, ઘણુંખરું મુક્ત અને કોરછાદી (imbricate) હોય છે. કેટલીક વાર વજ્ર અને દલપુંજનું વિભેદન થઈ શકતું નથી. દલપત્રો હાજર હોય તો વજ્રપત્રોની સંખ્યા જેટલાં અથવા કેટલીક વાર અસંખ્ય, કોરછાદી અને તલસ્થ સંમુખી શલ્કયુક્ત કે શલ્કરહિત હોય છે. પુંકેસરો સામાન્યત: અસંખ્ય, અધોજાયી, મુક્ત અથવા કેટલીક વાર ગુચ્છમાં અને વજ્રપત્રોથી એકાંતરિક (દલપત્ર સંમુખ) હોય છે. પરાગાશયો ક્ષીણ (ottenuate) કે ઉપાંગિક (appendaged) અને દ્વિખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્રની વચ્ચે બિંબ (disc) જોવા મળે છે. સ્ત્રીકેસરચક્ર 2થી 10 જોડાયેલાં સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઉચ્ચસ્થ (superior), ક્વચિત્ અર્ધઅધ:સ્થ(halfinferior)થી અધ:સ્થ (inferior) હોય છે. જરાયુવિન્યાસ ચર્મવર્તી (parietal) અથવા કેટલીક વાર અંતર્વેધી (intruded) હોય છે અને પ્રત્યેક જરાયુ પર અસંખ્ય અંડકો જોવા મળે છે. પરાગવાહિની-1 અથવા સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં અને મુક્ત હોય છે. ફળ વિવરીય (loculicidal) પ્રાવર (ભાગ્યે જ અસ્ફોટનશીલ) અથવા અનષ્ઠિલ (berry) પ્રકારનું જોવા મળે છે. બીજ સંલક્ષ્ય (conspicuous) બીજચોલયુક્ત (arillate) હોય છે. બીજમાં ભ્રૂણ સીધો હોય છે અને તે પુષ્કળ પ્રમાણમાં ભ્રૂણપોષ ધરાવે છે.
અસંખ્ય પુંકેસરો, વિવિધ રીતે રૂપાંતરિત બિંબ, ઘણુંખરું પહોળું પુષ્પાસન અને વિભેદનરહિત પરિદલપુંજ દ્વારા આ કુળ અન્ય કુળોથી અલગ કરી શકાય છે. હચિન્સને તેને બીકસેલ્સ ગોત્રમાં, હેલિયરે પેસનેલ્સ ગોત્રમાં અને અન્ય વર્ગીકરણવિજ્ઞાનીઓએ તેને ગટ્ટીફેરેલ્સ કે પૅરાઇટેલ્સ ગોત્રમાં મૂક્યું છે.
આર્થિક ર્દષ્ટિએ આ કુળનું મહત્ત્વ ઓછું છે. Gymnocardia odorataમાંથી ‘ચૌલમુગ્રા’ તેલ ભારતમાંથી નિકાસ પામે છે. આ તેલ ઔષધમૂલ્ય ધરાવે છે. Taraktogenosમાંથી પણ ઔષધ-તેલ મેળવવામાં આવે છે. Azara, Berberidopsis, Carrierea, Idesia અને Xylosma જેવી પ્રજાતિઓની વિવિધ જાતિઓ શોભન વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. Dovyalis (સિલોન ગૂઝબેરી) અને Flacourtia indica(કંકોડ, રેમોન્ટચી)નાં ફળ ખાદ્ય છે.
યોગેશ ડબગર