ફલનકાળ (gestation period)

February, 1999

ફલનકાળ (gestation period) : સાધનરોકાણ અને અંતિમ ઉપયોગની વપરાશની કે મૂડીની વસ્તુની પ્રાપ્તિ વચ્ચે જે સમયગાળો વીતે છે તેને ફલનકાળ કહેવામાં આવે છે. ખેતરમાં બીજ વાવવામાં આવે તે પછી દિવસો કે મહિનાઓ બાદ પાક તૈયાર થાય છે. માણસ તેના બાપદાદાએ રોપેલા આંબાની કેરી ખાય છે. લોખંડ-પોલાદના કારખાનાનું બાંધકામ શરૂ કરવામાં આવે અને તેમાં ઉત્પાદન શરૂ થાય તેની વચ્ચે પ્રમાણમાં લાંબો સમયગાળો વીતતો હોય છે. ભારતના આયોજનમાં પાયાના ભારે મૂડીસર્જક ઉદ્યોગો તેમજ મોટી સિંચાઈયોજનાઓ પર ભાર મૂકવામાં આવેલો તેના સંદર્ભમાં એમ કહેવામાં આવતું હતું કે જેનો ફલનકાળ લાંબો હોય છે એવા પ્રૉજેક્ટો પસંદ કરવામાં આવતા હોઈ ભાવોને કાબૂમાં રાખવાનો પ્રશ્ન વિકટ બને છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ